Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ કોર્પો. પાસે ૫ હજાર કરોડની મિલ્કત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શહેરભરમાં અંદાજે રૂ. પાંચ હજાર કરોડની મિલકતો છે. જેમાં ખુલ્લા પ્લોટ, બિલ્ડીંગો અને જાહેર મેદાનો સહિતની કિંમતી જગ્યાઓનો સમાવેશ થાય છે પરંતુ તેમાંથી ઘણી મિલકતો એવી છે કે, તેની સંપૂર્ણ માહિતી કે, તેની જાળવણી સહિતની બાબતોનું અમ્યુકો સત્તાવાળાઓ પાસે કોઇ સંકલન કે વ્યવસ્થાતંત્ર જ નથી. અનેક જગ્યાએ સોનાની લગડી જેવા પ્લોટ છે તો ભાડે અપાયેલી મિલકત પણ છે, જોકે હજુ સુધી તંત્ર દ્વારા પ્લોટ સહિતની મિલકતોની માહિતીનું સુવ્યવસ્થિત સંકલન કરાયું નથી. પરંતુ હવે મોડે મોડે પણ અમ્યુકોમાં સત્તાસ્થાને આવેલા ભાજપના નવા શાસકોએ અમ્યુકોની માલિકીની આવી તમામ મિલકતોને લઇ એક ખાસ એસ્ટેટ પોલિસી ઘડી કાઢવાની દિશામાં કવાયત હાથ ધરી છે. આગામી દિવસોમાં આ મહત્વના મુદ્દે ચર્ચા વિચારણા પણ હાથ ધરવામાં આવનાર છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અમ્યુકોની માલિકીની વિવિધ મિલકતોમાં ખાસ કરીને ખુલ્લા અને જાહેર પ્લોટોમાં તો જાળવણી અને તેના ફીઝીકલ પઝેશનને લઇ ભારે બેદરકારી સામે આવી હતી. મ્યુનિસિપલ માલિકીનો કયો પ્લોટ કેટલા ક્ષેત્રફળનો છે, કેવા પ્રકારનો દબાણગ્રસ્ત છે, પ્લોટ ખુલ્લો છે કે તેની ફરતે ફેન્સિંગ કે કમ્પાઉન્ડ વોલ કરાઈ છે વગેરે બાબતોને અનેક વાર શોધવી પડકારરૂપ બની છે. હમણાંથી પાર્કિંગનો મુદ્દો ખૂબ ચગ્યો છે. આ સંજોગોમાં ટીપી સ્કીમમાં મળેલી સોનાની લગડી જેવી કપાતની જમીનનો હેતુ પણ જાણવો ખૂબ અગત્યનો બન્યો છે. હાઈકોર્ટના આદેશના પગલે વહીવટીતંત્ર અને શાસક પક્ષમાં ટ્રાફિકના મામલે જાગૃતિ આવી છે. નાગરિકોને પાર્કિંગ માટે વધુ ને વધુ પ્લોટ ફાળવવાની દિશામાં કવાયત શરૂ કરાઈ છે એટલે મ્યુનિસિપલ પ્લોટની સઘળી માહિતી અપડેટ હોવી જરૂરી છે. બીજી તરફ શહેરભરમાં ભાડે અપાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની દુકાન, દવાખાના સહિતની એક હજાર જેટલી મિલકત છે, પરંતુ જે તે મિલકતને કયા વર્ષે ભાડાપટ્ટે અપાઈ હતી, તેની મુદત ક્યારે પૂર્ણ થાય છે, કયા હેતુ માટે ભાડે અપાઈ હતી જેવી મહત્ત્વની બાબતો અંગે તંત્ર અંધારામાં છે, જેના કારણે ઘણી વખત લીઝ પૂર્ણ થયાના મહિનાઓ બાદ તેની મુદત વધારાની દરખાસ્ત મુકાય છે. કોઈ મિલકત દવાખાનાના હેતુથી અપાઈ હોય અને ત્યાં પાર્લર ધમધમતું થઈ જાય તેવાં ઉદાહરણ પણ પ્રકાશમાં આવ્યાં છે. જેના કારણે શાસકો મ્યુનિસિપલ માલિકીના તમામ પ્લોટ અને ભાડે આપેલી મિલકતો સંબંધિત ઝીણામાં ઝીણી વિગત દર્શાવતું સોફ્‌ટવેર તૈયાર કરવા જઈ રહ્યા છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, હાલમાં એસ્ટેટ વિભાગ દ્વારા પ્લોટ અને મિલકતોનો સર્વે ચાલી રહ્યો છે. તેના આધારે સોફ્‌ટવેર તૈયાર કરીને એસ્ટેટ પોલિસી ઘડી કઢાશે. શહેરમાં અમ્યુકો દ્વારા વસૂલાતા પાર્કિંગના ચાર્જ મામલે તેમણે સ્પષ્ટતા કરી કે, બે-ત્રણ દિવસમાં ઉસ્માનપુરાની પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરી ખાતે શહેરનાં વેપારી એસોસિયેશન અને નામાંકિત વ્યક્તિઓ સાથે બેઠક કરીને ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ હેતુ તેમનો અભિપ્રાય લેવાશે, જેમાં પાર્કિંગના દરને ઘટાડીને સામાન્ય લોકોને વધુ માફક આવે તેવા કરવા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા હાથ ધરાશે.

Related posts

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશનને માર્ગદર્શન આપવા હિંમતનગર વિભાગમાં સલાહકાર સમિતિની પુનઃરચના

aapnugujarat

સુરત:નંદુરબારના એક આદિવાસી ગામે ડાકણની શંકા રાખી મહિલાને નિર્વસ્ત્ર કરીને માર માર્યો, વીડિયો થયો વાયરલ.!

aapnugujarat

साबरमती आश्रम की शताब्दी पर ही आश्रमवासियों के उपवास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1