Aapnu Gujarat
બ્લોગ

ભાજપ પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવા કાયદા શું કામ ઘડે છે

ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે ને ફાયનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ (એફઆરડીઆઈ) બિલ મામલે આ કહેવત સાચી પડી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા વરસે ઑગસ્ટમાં આ ખરડો લોકસભામાં મૂકેલો. બૅંકોમાં મુકાતી ડિપોઝિટને લગતા આ ખરડા સામે એ વખતે જ ભારે કકળાટ થઈ ગયેલો. સોશિયલ મીડિયામાં આ ખરડા સામે ઉગ્ર પ્રચાર જ શરૂ થયેલો. ધીરે ધીરે આ ખરડાની વિરુદ્ધ લોકમત પ્રબળ બન્યો ને છેવટે તેની સામે મોદી સરકારે ઝૂકવું પડ્યું છે. એક સમયે નરેન્દ્ર મોદી પોતે અને તેમના ભાયાતો આ ખરડાની તરફેણમાં જોરશોરથી બોલતા હતા. આ ખરડો સામાન્ય લોકોના હિતમાં છે એવું કહેતા હતા ને હવે તેમણે જ આ ખરડાનું પડીકું કરી નાંખવાનું નક્કી કરવું પડ્યું છે. આ ખરડો લોકસભામાં રજૂ કરાયેલો પણ પસાર નહોતો થયો. સંસદની સંયુક્ત સમિતિને આ ખરડો મોકલાયેલો કે જેથી તેમાં સુધારા સૂચવી શકાય. એ સુધારા સૂચવાય એ પહેલાં જ ગુરુવારે મોદી કેબિનેટે આ ખરડો અભરાઈ પર ચડાવી દેવાનું નક્કી કરી નાંખ્યું.
મોદી સરકારને મોડે મોડે ડહાપણની દાઢ ફૂટી એ સારું છે કેમ કે આ ખરડાની જે જોગવાઈ હતી એ બૅંકોમાં ડિપોઝિટ મૂકનારા સામાન્ય લોકોને રાતા પાણીએ રડાવનારી હતી. મોદી સરકારે આ ખરડો લાવવાનું એલાન કર્યું ત્યારે એવું કહેલું કે, બૅંકોમાં રોકાણકારોનાં નાણાંની સુરક્ષા માટે પોતે એફઆરડીઆઈ બિલ લાવવા માગે છે. મોદી સરકારે દાવો ભલે ગમે તે કર્યો પણ ખરેખર આ બિલમાં એવી કોઈ જોગવાઈ નહોતી. તેના બદલે એવી જોગવાઈ હતી કે, કોઈ બૅંક કે નાણાં સંસ્થા ઊઠી જાય તો તેના માટે સરકાર એક પાઈ પણ ના આપે પણ બૅંકમાં ડિપોઝિટ કરાયેલી રકમનો ઉપયોગ બૅંકને ફરી બેઠી કરવા કરાય. એ સિવાય બૅંક ઊઠી જાય એ સંજોગોમાં ડિપોઝિટ્‌સની સલામતીનું શું ને તેને વીમા હેઠળ સુરક્ષા છત્ર મળે કે ના મળે તેનો કોઈ ઉલ્લેખ નહોતો.
આપણે ત્યાં બૅંકો કઈ રીતે ઊઠી જાય છે એ કહેવાની જરૂર નથી. રાજકારણીઓ, કરૂબાજો ને બૅંકોના અધિકારીઓની મિલિભગતમાં બધા ખેલ થાય છે ને જેમની લાયકાત પાંચ પૈસાની ના હોય એવા લોકોને અબજોની લોનની ખેરાત કરી દેવાય છે. રાજકારણીઓ આવા કરૂબાજો પાસેથી માલ ખાઈને બૅંકોના અધિકારીઓને લોન આપવા ફરમાન કરે. આ કરૂબાજ બૅંકના અધિકારીઓનાં પણ ખિસ્સાં ગરમ કરી નાંખે એટલે એ લોકો આંખ આડા કાન કરીને કશું જોયા વિના મત્તુ મારી દે ને લોન પાસ કરી દે. બીજા કોઈને ખબર પડે તો તેમનાં ખિસ્સાં પણ ગરમ કરી દેવાય એટલે બધા મોંમાં મગ ઓરીને બેસી રહે ને આ લોલેલોલ ચાલ્યા કરે.
શરૂઆતમાં કરૂબાજ થોડા થોડા રૂપિયા ભર્યા કરે કે જેથી કોઈની નજરે ના ચડાય ને એ દરમિયાન બધું સગેવગે પણ કરતો રહે. છેલ્લે બધું સગેવગે થઈ જાય એટલે હાથ અધ્ધર કરી નાંખે. એ વખતે વાગતું વાગતું આવે ત્યારે બધાંને ખબર પડે કે બૅંકનો તો કરોડોનો ચૂનો લાગી ગયો છે. વિજય માલ્યાના કેસમાં પણ એ જ થયું ને હમણાં કરીને ભાગી ગયેલા નીરવ મોદી-મેહુલ ચોકસીએ પણ આ રીતે બૅંકોનું કરી નાંખેલું. માલ્યા, મોદી કે ચોકસી છીંડે ચડેલા ચોર છે. તેમનાં પાપ છાપરે ચડીને પોકાર્યાં પછી આપણને તેમનાં ગોરખધંધાઓની ખબર પડી. બાકી આ ખેલ આ રીતે ચાલતો રહ્યો હોત. હજુ બીજા કેટલાય એવા હશે કે જેમનો આ ખેલ ચાલતો જ હશે ને એ લોકો બૅંકોને ઉધઈની જેમ કોરી ખાતા હશે.
મોદી સરકાર જે ખરડો લાવવા માગતી હતી તે ખરડો આ કરૂબાજોના પાપનો બોજ બૅંકોમાં ડિપોઝિટ મૂકનારા સામાન્ય લોકોના માથે નાંખવા માટે હતો. આ કરૂબાજોના કારણે બૅંક ઊઠી જાય તો તેની કિંમત સામાન્ય લોકોએ ચૂકવવાની. મતલબ કરે કોઈ ને ભરે કોઈ. કરનારો કરી જાય ને તેને કાંઈ ના થાય પણ રોકાણકારોનાં નાણાં ડૂબી જાય. સીધા શબ્દોમાં બૅંકનાં નાણાંનો ગેરવહીવટ થાય કે જાકુબીના ધંધા થાય તો પણ એ કરનારાંની કોઈ જવાબદારી નહીં. બધી જવાબદારી ડિપોઝિટ મૂકનારાની ને તેણે બધાં કબાડાઓની કિંમત ચૂકવવાની. સરવાળે બૅંકોમાં ડિપોઝિટ મૂકો તેમાં સીક્યોરિટી તો કોઈ નહીં પણ ઊલટાનું તમે ગુનો કરતા હો એવું થઈ જાય.
આ ખરડામાં પાછું રોકાણકારોનાં હિતો સાચવવાની તો કોઈ વાત જ નહોતી. અત્યારે આપણે ત્યાં જે કાયદા છે એ પ્રમાણે બૅંકોમાં મુકાયેલી ડિપોઝિટ્‌સમાંથી એક લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ વીમાથી સુરક્ષિત હોય છે. ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ કોર્પોરેશન એક્ટ હેઠળ કોઈ પણ બૅંક ઊઠી જાય તો એક લાખ સુધીની ડિપોઝિટ રોકાણકારને તાબડતોબ મળી જાય. એક લાખ કરતાં વધારેની રકમ રામભરોસે રહે. બૅંક ઉઘરાણી કરીને કરૂબાજો પાસેથી નાણાં ઓકાવી શકે તો એ રકમ મળે, બાકી રામ રામ. મોદી સરકાર જે ખરડો લાવવા માગતી હતી તેમાં કેટલી રકમ વીમાથી સુરક્ષિત હશે તેનો કોઈ ઉલ્લેખ નહોતો. અત્યારે એક લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ વીમાથી સુરક્ષિત છે ને એ જોગવાઈ પણ ચાલુ રહેશે કે કેમ તે પણ ચોખવટ નહોતી કરાઈ. આ સંજોગોમાં બૅંક ઊઠી જાય તો રોકાણકારોનું શું તેનો કોઈ જવાબ નહોતો મળતો.
આ પ્રકારની જોગવાઈઓથી બૅંકોના રોકાણકારોનાં હિત કઈ રીતે સચવાય એ સમજવું મુશ્કેલ છે પણ ભાજપવાળા એકદમ ઝનૂનથી આ ખરડાની વકીલાત કરતા હતા તે જોઈ આઘાત લાગતો. ખુદ નરેન્દ્ર મોદી એવું કહેતા કે, આ ખરડો લોકોના હિતમાં છે ને આ ખરડા મામલે જે પણ વાતો ચલાવાય છે તે નર્યો કુપ્રચાર છે. સવાલ એ છે કે, એ બધી વાતો નર્યો કુપ્રચાર હોય તો પછી લોકોને ગળે એ વાત ઉતારવામાં તમે કેમ સફળ ના રહ્યા ? જે ખરડાને તમે ક્રાન્તિકારી ગણતા હતા ને દેશના હિતમાં ગણાવતા હતા એ ખરડાને કેમ અભરાઈ પર ચડાવી દીધો?
કેટલાક ચાંપલા એવી વાતો કરે છે કે, ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી છે ને એ ટાણે જ ભાજપ વિરોધી પક્ષોને મોદી સરકાર સામે પ્રચાર કરવા માટે મોટો મુદ્દો ના મળે એટલા માટે થઈને આ ખરડાના મામલે મોદી સરકારે પારોઠનાં પગલાં ભર્યાં. આ વાત સાવ બકવાસ કહેવાય. જે ખરડો સામાન્ય લોકોને ફાયદો કરાવે એવો હોય એ અમલી બને તો તેની અસર દેખાવાની જ. લોકસભાની ચૂંટણીને હજુ દસ મહિનાની વાર છે ને આ કાયદો લોકો માટે ફાયદાકારક હોત તો દસ મહિનામાં તો એ સાબિત થઈ જ જવાનું હતું ને ? ને એવું સાબિત થાય તો પછી કોઈને સામે બોલવાનો મોકો જ ક્યાં મળવાનો હતો? ઊલટાનું મોદી સરકાર તેને પોતાની સિદ્ધિઓમાં ગણાવી શકી હોત. કૉંગ્રેસે અત્યાર લગી બૅંકોનું કરી નાંખનારા કરૂબાજોથી બચાવવા કશું ના કર્યું. ને અમે આ કર્યું તેવો પ્રચાર ભાજપ કરી શક્યો હોત. આ દેશમાં કોઈ પરિવાર એવો નહીં હોય કે જે બૅંકમાં નાની-મોટી ડિપોઝિટ નહીં મૂકતો હોય. સરકારી આંકડા પ્રમાણે જ ભારતમાં ૯૫ ટકા પરિવારો બૅંકમાં ડિપોઝિટ મૂકે છે. ભાજપ એ રીતે ૯૫ ટકા પરિવારોનું ભલું કરવાનો દાવો કરી શક્યો હોત ને તેને બહુ મોટો મુદ્દો મળી ગયો હોત. તો ભાજપે એ મુદ્દો હાથથી કેમ જવા દીધો ? આ સવાલનો જવાબ આપવાની જરૂર નથી.
મોદી સરકાર આ પ્રકારનો ખરડો કેમ લાવવા માગતી હતી તે પણ સમજવા જેવું છે. વિજય માલ્યા, નીરવ મોદી કે મેહુલ ચોકસી જેવા તો બૅંકોનું કરીને ભાગી ગયા પણ હજુ બીજા કેટલાય એવા લોકો છે કે જેમણે બૅંકોનું કરી નાંખ્યું છે ને હજુ અહીં જ છે. એ લોકોનાં પાપ આજે નહીં તો કાલે છાપરે ચડીને પોકારવાનાં જ છે. એ લોકો કોણ છે તે કહેવાની પણ જરૂર નથી ને મોદી સરકાર લોકોનાં નહીં પણ તેમનાં હિતો સાચવવા ને પોતાની જવાબદારીથી હાથ ખંખેરવા આ ખરડો લાવવા માગતી હતી. જો કે આ ખતરો ટળ્યો નથી ને ૨૦૧૯માં મોદી ફરી વડા પ્રધાન બને તો આ ખરડો પાછો આવે એવું બને.
મોદી સરકાર ખરેખર સામાન્ય લોકોનાં હિતો જાળવવા માગતી હોય તો તેણે બૅંક કૌભાંડોમાં અધિકારીઓ અને ઉચ્ચ સત્તાધીશોની જવાબદારી નક્કી કરવી જોઈએ. કૌભાંડ થાય કે તરત એ લોકોને ઉઠાવીને જેલમાં નંખાય ને તેમની પાસેથી વસૂલાત કરાય એવું થવું જોઈએ. તેના બદલે આ તો પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવા કાયદા ઘડવાની વાતો થાય છે.(જી.એન.એસ)

Related posts

डोनाल्ड ट्रंप बच गए लेकिन…

editor

MORNING TWEET

aapnugujarat

યુવા મતદારો પાસે ના તો મોદી પહોંચ્યાં છે ના તો રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1