શ્રીનગરમાં અતિ મહત્વપૂર્ણ બે દિવસ બેઠકના પ્રથમ દિવસે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સીલે આજે નવા પરોક્ષ કરવેરા સાથે સંબંધિત વ્યવસ્થાને અમલી કરવા માટેના તમામ નવ નિયમોને લીલીઝંડી આપી દીધી હતી. શ્રીનગર બેઠકમાં નવી ટેક્સ વ્યવસ્થા માટે તમામ નવ નિયમોને જીએસટી કાઉન્સિલ દ્વારા મંજુર કરવામાં આવતા અનેક અડચણો દુર થઈ છે. કાઉન્સિલ દ્વારા કમ્પોઝીશન, વેલ્યુએશન, ટ્રાન્ઝેકશન, ઈનપુટ ટેક્સ ક્રેડિટ, ઈનવોઈસ, પેમેન્ટ, રિફંડ, રજીસ્ટ્રેશન અને રિટર્ન સાથે સંબંધિત બાબતોને અંતિમ ઓપ આપવામાં આવ્યા હતા. જીએસટી રેટ નક્કી કરતા પહેલા મુક્તિઓના મુદ્દે ચર્ચા થશે. જીએસટી કાઉન્સિલના સભ્યોએ કહ્યું છે કે મુક્તિની યાદી ગુરૂવારે સાંજ સુધી તૈયાર થઈ જશે. આશરે ૧૦૦ જેટલી વસ્તુઓને મુક્તિની કેટેગરીમાં રાખવામાં આવનાર છે. નાણામંત્રી અરૂણ જેટલી મુક્તિને જાળવી રાખવા રાજ્યોને અનુરોધ કરી ચુક્યા છે. મુક્તિની યાદી લઘુત્તમ રાખવા માટે કહેવામાં આવ્યું છે. મુક્તિની યાદીમાં ૩૦૦ વસ્તુઓ હોવી જોઈએ નહીં. બીજી બાજુ ૦ થી ૫ ટકાની કેટેગરીમાં આવનાર વસ્તુઓ પૈકી ૮૦ થી ૯૦ ટકા વસ્તુઓ મુદ્દે સર્વંસમતિ થઈ ચુકી છે. જોકે પેકેજ્ડ ફુડ આઈટમ્સ માટે રેટને લઈને મતભેદોની સ્થિતિ છે. હકીકતમાં ૦ થી લઈને ૫ ટકાની કેટેગરીમાં આવનાર વસ્તુઓના મુદ્દે જીએસટી કાઉન્સિલની બેઠકમાં પ્રથમ દિવસે ચર્ચા વિચારણા થઈ હતી. આવતીકાલે જીએસટી કાઉન્સિલની બેઠક જારી રહેનાર છે. હેન્ડીક્રાફ્ટ માટે જીએસટી રેટ ૧૨ રાજ્યો સાથે સંબંધિત છે. લંચ બાદ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્લેબ અને સેસના રેટ હેઠળ આવનાર વસ્તુઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠકમાં રાજ્યોના નાણાપ્રધાનો હાજરી આપી રહ્યા છે. કાઉન્સિલ જીએસટી નિયમોને આખરી ઓપ આપી શકે છે. સાથે સાથે રેટના મુદ્દા ઉપર પણ સર્વસંમતિ સધાઈ જશે. પહેલી જુલાઈથી જીએસટીને અમલી કરવાનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે. આ બેઠક રાજ્યના પાટનગરમાં સેરે કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં શરૂ થઈ હતી. જીએસટી મિટીંગને લઈને પહેલાથી જ તૈયારી ચાલી રહી હતી. પુડ્ડુચેરીના મુખ્યમંત્રી નારાયણ સ્વામીએ કહ્યું હતું કે સામાન્ય વ્યક્તિ પર બોજ ન આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. જુદા જુદા રેટના સ્લેબ હેઠળ વસ્તુઓ મુકી દેવામાં આવી છે. જીએસટી દ્વારા ચાર સ્લેબ તૈયાર કરાયા છે. જેમાં ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્લેબનો સમાવેશ થાય છે. જીરો રેટેડ વસ્તુઓ અને સાથે સાથે મુક્તિની વસ્તુઓ, તમાકુ, સિગારેટ, લકઝરી કાર જેવી ચીજવસ્તુઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
આગળની પોસ્ટ