Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિપક્ષ ખેડૂતોનાં નામે રાજનીતિ કરે છે : મોદી

અનુપ્રિયા પટેલનાં સંસદીય ક્ષેત્ર મિરઝાપુરમાં ૪૦૦૮ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી

લોકસભાની ચૂંટણી પહેલા પૂર્વાંચલના પ્રવાસ ઉપર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આક્રમક અંદાજમાં વિરોધ પક્ષો ઉપર પ્રહાર કર્યા હતા. મોદી સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં નજરે પડ્યા હતા. ઉત્તરપ્રદેશમાં ખેડૂત વસ્તી ધરાવતા મિરઝાપુર જિલ્લામાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસના નામનો ઉલ્લેખ કર્યા વગર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો ખેડૂતોના નામ ઉપર બનાવટી આંસુ દેખાડે છે પરંતુ ખેડૂતોના હિતમાં હજુ સુધી કોઇપણ પગલા લીધા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી બાણસાગર સિંચાઈ યોજના અટવાયેલી હતી પંરતુ અગહાઉની સરકારોએ તેને પૂર્ણ કરવા માટે કોઇ પ્રયાસ કર્યા ન હતા. ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય મૂલ્યો પણ આપવામાં આવ્યા નથી. આના માટે પણ તેમની સરકારે જ આવીને કામ કર્યું છે અને એમએસપીને દોઢ ગણી કરીને ખેડૂતોને રાહત આપી છે. ભોજપુરીમાં પોતાના ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું હતું કે, આ સમગ્ર ક્ષેત્ર દિવ્ય અને અલૌકિક છે. વિંધ્ય પર્વત અને ભાગીરથી વચ્ચે આ ક્ષેત્ર સદિયોથી અપાર સંભાવનાઓથી ભરપુર છે. હાલમાં જ ફ્રાંસના પ્રમુખ આવ્યા હતા અને માતા વિંધ્યાવાસીનીના સંદર્ભમાં સાંભળીને આશ્ચર્યચકિત થયા હતા. પૂર્વાંચલના લોકોના જીવનમાં કૃષિ મહત્વપૂર્ણ છે. બાણ સાગર યોજનાથી આ ક્ષેત્રના દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજનાની રુપરેખા ૪૦ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી પરંતુ કામ શરૂ થતાં ૨૦ વર્ષ લાગી ગયા છે ત્યારબાદ અનેક સરકારો આવી છે પરંતુ આ યોજના પુરી થઇ શકી નથી. વર્ષ ૨૦૧૪માં જ્યારે તેમની સરકાર આવી ત્યારે અટવાયેલી આ યોજનામાં આનું પણ નામ સામેલ હતું. અમે બાણ સાગર યોજનાને પૂર્ણ કરવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી. યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદથી સવા વર્ષના ગાળામાં જે ગતિથી વિકાસની કામગીરી થઇ છે તેના લીધે જ આ યોજના પણ પૂર્ણ થઇ શકી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, અગાઉની સરકારોએ યોજનાઓને પૂર્ણ કરવા તરફ ધ્યાન આપ્યું ન હતું. જે લોકો હાલના દિવસોમાં ખેડૂતોના નામ ઉપર હોબાળો કરી રહ્યા છે તે લોકોને પુછવાની જરૂર છે કે, તેમના શાસનકાળમાં દેશભરમાં ફેલાયેલી આ પ્રકારની અધુરી સિંચાઈ યોજનાઓ કેમ આગળ વધી શકી નથી. બાણ સાગર યોજનાને પૂર્ણ કરીને અમે ઇચ્છા શક્તિનો પરિચય આપી ચુક્યા છે. દેશને પણ આર્થિકરીતે આ પ્રકારની પાર્ટીઓથી નુકસાન થયું છે. બાણ સાગર યોજના ૩૦૦ કરોડ રૂપિયાથી શરૂ થઇ હતી પરંતુ અગાઉની સરકારોના ઉદાસીન વલણના લીધે આ યોજના પર હવે ૩૫૦૦ કરોડ રૂપિયાનો જંગ ખર્ચ થયો છે.
લોકોના પૈસાના બગાડ માટે અગાઉની સરકારો જવાબદાર છે. મોદીએ અપના દલના સ્થાપક સોનેલાલ પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમમે ઉમેર્યું હતું કે, પૂર્વાંચલ અમારી વિકાસની પ્રાથમિકતા છે. અહીંના ગરીબ, શોષિત અને વંચિત લોકો માટે સોનેલાલ પટેલ જેવા કર્મશીલ લોકોએ જે સપના જોયા હતા તે સપનાઓને અમે આગળ વધારી રહ્યા છીએ. ખેડૂતોના નામ ઉપર માત્ર રાજનીતિ થતી રહી છે. સોનેલાલ પટેલની પુત્રી અનુપ્રિયા મિરઝાપુરમાંથી સાંસદ તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પાંચ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ચુક્યા છે. આના માટે કેન્દ્રની યોજનાઓની ભૂમિકા મોટી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વાંચલના પોતાના પ્રવાસના બીજા દિવસે મિરઝાપુરમાં આશરે ૪૦૦૮ કરોડની યોજનાઓની ભેટ આપી હતી. મોદીએ એકબાજુ ૩૪૨૦ કરોડ રૂપિયાની બાણ સાગર સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે વારાણસીને મિરઝાપુર સાથે જોડનાર ચુનાર પુલનું લોકાર્પણ કર્યું હતું. આ પુલને બનાવવામાં ૬૯ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલના સંસદીય ક્ષેત્ર મિરઝાપુરમાં મેડિકલ કોલેજનું શિલાન્યાસ કર્યું હતું. મોદીની સાથે કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના દરેક મંડળમાં એક મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. પિપરાડાડમાં બની રહેલી આ મેડિકલ કોલેજને બનવામાં ૨૬૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. આ ઉપરાંત મોદી મિરઝાપુરની સરહદથી લઇને અલ્હાબાદ સુધીના નેશનલ હાઈવે ૭૬ના વિસ્તૃતિકરણની કામગીરીનું શિલાન્યાસ કર્યું હતું. સમગ્ર પૂર્વાંચલના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. યોગીએ કહ્યું હતું કે, સરકાર વર્ષોથી પેન્ડિંગ રહેલી યોજનાઓને પ્રાથમિકતાના આધાર પર હાથ ધરીને પૂર્ણ કરી રહી છે. યુવાનોને રોજગારી કોઇપણ અડચણ વગર આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બાણ સાગરની આ યોજના કોઇ નવી યોજના નથી. આ યોજનાને ખુબ પહેલા બની જવાની જરૂર હતી પરંતુ સરકારો ખેડૂતોની ભલાઈની ઇચ્છા શક્તિ રાખતી ન હતી. ખેડૂતોની અપેક્ષાઓને પૂર્ણ કરવાનું કામ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ ૧૯૯૦ બાદ પ્રદેશની અંદર ચાર વખત સમાજવાદી પાર્ટી અને ચાર વખત બહુજન સમાજ પાર્ટીની સરકાર રહી છે પરંતુ વિકાસ તેમના એજન્ડામાં ક્યારેય રહ્યા નથી જેથી બાણ સાગર યોજના પણ અટવાયેલી હતી.

Related posts

દેશના લોકો કોન્ટ્રાક્ટ પર વડાપ્રધાન ઈચ્છતા નથી : નકવી

aapnugujarat

ચીર કે બહા દો લહૂ દુશ્મન કા, યહી મજા હૈ મુસલમાન હોને કા : ઈન્દોરમાં લાગ્યા પોસ્ટર્સ

aapnugujarat

અમિત શાહની ત્રણ દિનની ગુજરાત યાત્રા આજથી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1