પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે તા. ૩૦ મેથી તા. ૦૧ જુન સુધી ૩ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પ્રવાસની વિગતો આપતા પંડ્યાએ જણાવ્યું હતું કે, પંડિત દિનદયાળ જન્મશતી વિસ્તારક યોજના અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છોટા ઉદેપુર તાલુકાના દેવલીયા ગામે સવારે ૧૦.૦૦ કલાકે બુથ સ્તરે વિસ્તારક કામગીરીમાં જોડાશે. તેમની સાથે ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત પ્રદેશના આગેવાનો ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી બનશે.
પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપા સંગઠનના પ્રાથમિક એકમ એવા બુથ સ્તરે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે બુથના કાર્યકરો, ગ્રામજનોને મળશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય યોજનાના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યો પ્રદેશોમાં ગરીબ કલ્યાણ વર્ષ અંતર્ગત પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ માટે ગૌરવપૂર્ણ બાબત એ છે કે, ગુજરાતના સપૂત એવા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા ૧૫ દિવસના વિસ્તારક યોજનાના તા. ૨૮ મેથી શુભારંભ થયેલા પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં સહભાગી થવાના છે. તેમની હાજરી માત્રથી ભાજપાના સમગ્ર રાજયના કાર્યકર્તાઓમાં એક નવી ઉર્જાનો સંચાર થતો હોય છે, ઉત્સાહ બેવડાતો હોય છે અને રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શનથી નવી દિશા દર્શન મળતી હોય છે. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહ સાંજે વડોદરા મુકામે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનને પણ સંબોધશે.