Aapnu Gujarat
બ્લોગ

સંજય દત્ત : તમામ અડચણો વટાવીને સુપરસ્ટાર બન્યો

મર્દાના ખેલ અને વનની સફર અંગે શરૂ?આતથી આકર્ષણ હતું, વર્ષો સાથે એ વધતું ગયું. સાથે સાથે સ્નાયુઓને કસતી વ્યાયામ પણ શરૂ કરી દીધી… ડ્રગ્ઝના નશા માટે જાણીતા બની ગયેલા યુવાન અભિનેતાના કેટલાંક વખાણવા લાયક વ્યસનો અંગે બહુ ઓછા વાકેફ છે. ઊંચો અને કસરતથી સજેલી કાયાવાળો સંજય કહે છેઃ ‘હું મૂળે આઉટડોર અર્થાત બહાર ફરવાવાળો છું. મને સાહસભર્યાં ખેલકૂદ વધુ ગમે છે. એવી રમતો મારી માનીતી છે. મોરેશિયસ અને માલદીવ જેવા ટાપુઓ અવી મર્દાની રમતો માટે શ્રેષ્ઠ સ્થળો છે.’ વાંચો સંજયના શબ્દોમાં એની માનીતી રમતો વિશે.

બૉડી બિલ્ડીંગ (વ્યાયામ)ઃ તંદુરસ્ત કાયા અંગે સભાન સંજય રોજ સવારે અઢીથી ત્રણ કલાક વ્યાયામ કરે છે. ‘વ્યાયામ શરીરને લચીલું બનાવવા જરૂરી છે. એનાથી હું શારીરિક રીતે સજ્જ રહું છું. શરૂમાં હું વ્યાયામ અને એના લાભથી અજાણ હતો. સ્ટંટમેન અને દોસ્ત ગેવીને મને વ્યાયામની ખૂબીથી વાકેફ કર્યો. વ્યાયામ શરીરને કેવી તાકાત બક્ષે છે એ વિસ્મયજનક બાબતો મને ગેવીને સમજાવી. એ પછી મેં આ અંગેના પુસ્તકો વાંચ્યાં અને પછી જાતે વ્યાયામ શરૂ? કર્યો. જો કે શરીર-સંવર્ધન અંગેની હરીફાઈમાં માનતો નથી. સ્પર્ધામાં આવતા વ્યાયામવીરો પોતાના ફૂલેલા સ્નાયુ દેખાડે છે. મને એવા દેખાડવામાં રસ નથી. શરીર બનાવવામાં રસ છે.’ આ શોખ એને એટલો ગમી ગયો છે કે પોતાના બંગલામાં સંજયે એક વ્યાયામશાળા બનાવી છે જ્યાં અત્યંત આધુનિક સાધનો વસાવ્યાં છે. સંજય અને એના ચારેક મિત્રો ગેવીનના માર્ગદર્શન મુજબ અહીં વ્યાયામ દ્વારા શરીર કસે છે. ‘હું શારીરિક સજ્જતાની દ્રષ્ટિએ પગ, હાથ, કમર, ખભાના સ્નાયુઓ કસે એવો વ્યાયામ કરું છું. શરીર સજ્જ હોય તો તમે સતત તાજગી અનુભવો છો અને હળવા રહો છો. ગમે એવા આકરા શૂટિંગ-સમય પત્રકને હું જરાય ઊંઘ કે થાક વિના જીરવી જાઉં છું. ફિલ્મોમાં ફાઈટના દ્રશ્યો કરવામાં કે જોખમી સ્ટંટ કરવામાં પણ કસાયેલું શરીર ઉપયોગી થઈ પડે છે.’

ફિશીંગ (મચ્છીમારી)ઃ સંજય જ્યારે જ્યારે વિદેશમાં હોય ત્યારે ત્યાંના સમુદ્રતટે ગયા વિના રહેતો નથી. તેમાંય માલદીવ અને મોરેશિયસના સમુદ્રતટ એના માનીતા છે. ‘આ ટાપુઓ પર હોઉં ત્યારે ભાડાની બોટ લઈને ઊંડા પાણીમાં મચ્છીમારી કરવા નીકળી પડું છુ‘. જો કે ઊંડા પાણીની મચ્છીમારી જોખમી છે. જે તે વિસ્તારમાં પવનની ગતિવિધિ, સમુદ્રની ભીતરના આંતરપ્રવાહો અને સ્થાનિક હવામાનની પૂરી જાણકારી વિના અજાણ્યા સ્થળે મચ્છીમારી કરવી જોખમી થઈ પડે. નિષ્ણાતોમાં ચાર પ્રકારની મચ્છીમારી જાણીતી છે અને મને એ ચારે પ્રકારની મચ્છીમારીમાં મોજ પડે છે. મૂળ તો ગલમાં જીવડું મૂકીને માછલીને આકર્ષવાની જે સરળ પદ્ધતિ છે એ જ મુજબ હોય છે. મચ્છીમારી માટે શ્રેષ્ઠ સમય ઉનાળો છે. મચ્છીમારી કરનારે વાતાવરણનું નિરીક્ષણ કરવું જોઈએ. જે તરફ પક્ષીઓ ઉડતાં દેખાય એ તરફ વધુ માછલીઓ હોઈ શકે. છેલ્લે મેં મોરેશિયસ તથા માલદીવમાં ઘણી માછલીઓ પકડી. જેમાંની કેટલીક તો ૧૪૦૦ થી ૧૫૦૦ કિલો વજનની હતી.’

સ્નોર્કેલીંગઃ સ્નોર્કેલીંગ પાણીની અંદર ઊંડે તરવાની રમત છે. એ માટે ગોગલ્સ, ચહેરા પરનો માસ્ક, શ્વાસ લેવાની નાની ટ્યુબ તથા પગમાં પહેરવાના ફ્લીપર્સ જોઈએ. શ્વસનની ટ્યુબ મોઢામાં રાખવાની હોય છે. એનો બીજો છેડો પાણીની ઉપર હોય છે. આ રમતમાં વધુ પડતા ઊંડે જવાનું હોતું નથી. સંજયના મતે આ રમત ઉત્તેજનાપૂર્ણ છે. ‘સાહસિક સ્વભાવ હોવાથી મને એમાં વધુ મજા પડે છે. સામાન્ય રીતે પરવાળાના ટાપુ પર આ રમત વધુ આનંદાયક નીવડે. પાણીની અંદર આ ટાપુઓ અત્યંત નયનરમ્ય દ્રશ્યો સર્જે છે. અત્યંત વ્યસ્ત રહેવાથી આ રમતનો સમય મને મળતો નથી એનો અફસોસ છે. આવા શોખ માટે પૂરતો સમય જોઈએ. વિદેશમાં હોઉં ત્યારે સમય કાઢીને મોજ માણી લઉં ખરો.’

સ્કુબા ડાઈવીંગઃ અન્ડરવોટર ડાઈવીંગનો આ બીજો પ્રકાર છે. ‘આમાં ફેર માત્ર એટલો જ કે રમનાર એક્વાલંગ તરીકે ઓળખાતું શ્વસનક્રિયાનું સાધન સાથે લઈ જાય છે. આ રમત એકલા રમી શકાય નહીં. કોઈ મિત્ર સાથે હોવો જરૂ?રી છે. પાણીની ભીતરના પ્રવાહોની તમને જાણ ન હોય ત્યારે આ રમત જોખમી ખરી. થોડાં વરસ પહેલાં મારાં ફેફસાનું ઓપરેશન થયા પછી આવી રમતો રમવાની ડૉક્ટરે મને મનાઈ કરેલી એટલે હવે હું રમતો નથી.’

સ્વીમીંગઃ ‘આખા શરીરને વ્યાયામનો લાભ આપવા ઉપરાંત થાક દૂર કરીને અંગે અંગમાં તાજગી અનુભવવા તરવાનું જ?રી છે. એ તમને ફિટ રાખે છે અને આખા શરીરની તાણ ઘટી જાય છે. રોજ સ્વીમીંગ પુલમાં બે કે ત્રણ ચક્કર મારું એટલે આખા દિવસના પરિશ્રમ માટે હું તૈયાર થઈ જાઉં.’

શિકારઃ આઉટડોર વ્યક્તિ હોવાથી સંજયને વન્યજીવન અને પ્રકૃતિનો ભારે લગાવ છે. શહેરી જીવનથી કંટાળે એટલે જંગલ નરફ ભાગી જાય. ‘થોડા મિત્રોને લઈને મધ્યપ્રદેશનાં જંગલોમાં તંબુ તાણું. એ શાંતિ, એકાંત અને વિકરાળ વાતાવરણ મને મુગ્ધ કરી દે છે. વન્યજીવન મારો ઉત્સાહ અને ચેતના નવપલ્લવિત કરી દે છે. ક્યારેક નેપાળની સરહદે એક મિત્રના ફાર્મ હાઉસ પર પહોંચી જાઉં છું. શહેરી વાતાવરણ ત્યાંથી માઈલો દૂર હોય છે. ન ટેલિફોન, ટીવી, વિડિયો, છાપા-બહારની દુનિયાથી તદ્દન અલગ! ત્યાં ઘોડેસવારી કરવી, પશુપક્ષીઓને મુક્તપણે વિહરતા જોવા અને તેમને વિડિયો કૅમેરામાં મઢી લેવા જેવી પ્રવૃત્તિ હોય છે. મેં વાઘ દંપતીનું સંવનન, દુર્લભ સાબર તથા મૃગ વિશે થોડી ખાસ ફિલ્મો ઊતારી છે.’ શિકાર પર આપણે ત્યાં પ્રતિબંધ મૂકાયો ત્યારથી સંજય હવે શિકાર કરતો નથી પરંતુ આ વિશેનું એનું જ્ઞાન અને માહિતી અદભુત છે. જુદાં જુદાં હથિયારો, શિકારીને ઉપયોગી રાયફલો-બંદૂકો વિશે પણ એ ઘણું જાણે છે. શિકાર વિશેના એના વિચારો પરસ્પર વિરોધી લાગે એવા છે. દા.ત. શિકાર પરનો પ્રતિબંધ નકામો છે એમ એ કહે છે ‘કાયદેસર પ્રતિબંધથી કંઈ વળે નહીં. લોહીતરસ્યા શિકારીઓ તો ગેરકાયદે શિકાર કરવાના. એકતરફ સરકાર વન્યજીવનના સંવર્ધનની વાતો કરે છે. બીજી બાજુ રાજકારણીઓ જંગલો કપાવી નાખે છે. તો જંગલના જીવો જાય ક્યાં? સરકાર શું કરે છે?

આ બધી વાતોમાં તમને શી રીતે રસ પડ્યો? ‘નાનો હતો ત્યારથી હું સાહસપ્રિય તોફાની તેમ જ મસ્તીખોર રહ્યો છું. વન્યજીવનનું મને શરૂ આકર્ષણ રહ્યું છે. મોટો થતો ગયો તેમ તેમ એ આકર્ષણ અદમ્ય થતું ગયું. સમય નથી એવું કહેવાને બદલે સારા શોખ માટે સમય કાઢવામાં હું માનું છુ‘.’સંજય ૨૯ જુલાઈએ જન્મ્યો છે એટલે જ્યોતિષની દ્રષ્ટિએ લીયો (સિંહ) છે. અત્યંત સંવેદનશીલ તથા ઉગ્ર સ્વભાવનો છે. એ એકસરખી ઉત્કટતાથી કોઈને ચાહે કે ધિક્કારે છે. ઘડિયાળો (ખાસ કરીને રૉલેક્સ), વસ્ત્રો અને કોલોનનો શોખીન છે. મોન્ટાના, ગિયાની વરસેક એના માનીતા ડિઝાઈનરો છે. એના વૉર્ડરૉબમાં ઢગલાબંધ ડેનીમ જિન્સ છે. પણ એના માનીતા ડેનીમ છે. અરમાની એનું માનીતું કોલોન છે. સંગીતનો શોખીન છે. કાન ફાડી નાખે એવા ઊંચા અવાજે હાર્ડ રૉક મ્યુઝિક સાંભળે છે. એના સંગ્રહમાં ૨૫૦ લેસર ડિસ્ક છે. ડેફ લેપર્ડ તથા ગન્સ એન રૉઝીઝ એના માનીતા પૉપ ગ્રુપ છે. શર્મિલા ટાગોર તથા મીશેલ ફાઈફર એની માનીતી હીરોઈન છે.

આ છે, સંજય દત્તની આજ

એ ફરી નિર્માતા બન્યો; ‘પ્રસ્થાનમ’નું શૂટિંગ શરૂ કર્યું.સંજય દત્તે ૧ જૂન, ૨૦૧૮ના દિવસે એના માતા નરગિસ દત્તની જન્મતિથિએ પોતાની નવી ફિલ્મ ‘પ્રસ્થાનમ’નું શૂટિંગ શરૂ કર્યું છે. સંજયે આની જાણ ટિ્‌વટર પર કરી છે અને પોતાની સમગ્ર ટીમ માટે શુભેચ્છા વ્યક્ત કરી છે. ‘પ્રસ્થાનમ’ દ્વારા સંજય દત્ત સાત વર્ષે બોલીવૂડમાં નિર્માતા તરીકે પુનરાગમન કરશે. ૨૦૧૧માં એણે ‘રાસ્કલ્સ’ ફિલ્મ બનાવી હતી. ‘પ્રસ્થાનમ’ ૨૦૧૦માં આવેલી તેલુગુ રાજકીય થ્રિલર ફિલ્મની હિન્દી રીમેક હશે. આ ફિલ્મમાં મનીષા કોઈરાલા, અલી ફઝલ અને અમાઈરા દસ્તુરની મહત્વની ભૂમિકાઓ હશે.

Related posts

વણજારા સંસ્કૃતિની જૂની જાહોજલાલી સાવ આથમી ગઈ

aapnugujarat

તેણે ફક્ત મોબાઇલ નંબર માગ્યોને મે પ્રેમમાં આખુ જીવન સમર્પિત કરી દિધુ

aapnugujarat

evening tweet….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1