Aapnu Gujarat
ગુજરાત

નકલી હીરા પધરાવી ઠગાઇ કરતી ગેંગનો પર્દાફાશ

અસલી હીરાના સોદાનું છટકું ગોઠવી સી.જી.રોડના એક જવેલર્સ વેપારીને રૂ.૩૦ લાખના નકલી હીરા પધરાવી દેવાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગઠિયાના છટકામાં આબાદ છેતરાયેલા વેપારી તરફથી નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. બીજીબાજુ, ઘટનાની જાણ શહેર પોલીસના અન્ય પોલીસમથક અને ક્રાઇમબ્રાંચને પણ કરી દેવાતાં સમગ્ર શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દેવાયું હતું અને શંકાસ્પદ વાહનો અને શખ્સોની તપાસ હાથ ધરાઇ હતી, જે દરમ્યાન નકલી હીરા પધરાવી લાખો રૂપિયા પડાવતી ગેંગના મુકેશ ઉકાજી ભાટી અને રાધાબહને બાબુભાઇ ધર્માજી સલાટ(મારવાડી)ને ન્યુ સીજી રોડ ઓએનજીસી સર્કલ પાસેથી રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઇના રૂ.૩૦ લાખ પણ જપ્ત કરી લીધા હતા. પોલીસે ગેંગના અન્ય સભ્યોને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ બંગલોઝમાં રહેતા ડો. પુરુષોત્તમભાઇ ફુલ્લુમલ હરવાણીએ નરોડા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ કરી હતી. જેમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે તા.ર૩ જૂનના રોજ સવારના આઠ વાગ્યાના સુમારે પુરુષોત્તમભાઇ સેટેલાઇટમાં ખમણની લારી પર ખમણ લેવા માટે ગયા હતા ત્યારે એક ગઠિયો તેમની પાસે આવ્યો હતો અને તેની પાસે રહેલા બે હીરા કાઢીને તેમને બતાવ્યા હતા. ગઠિયાએ પુરુષોત્તમભાઇને હીરા ખરીદવા માટે ઓફર કરી હતી અને વધુ હીરા પણ તેની પાસે હોવાનું કહ્યું હતું ત્યારે હીરા અસલ છે કેમ તેની ખાતરી કરવા માટે બે હીરા આપ્યા હતા. ગઠિયાએ પુરુષોત્તમભાઇનો મોબાઇલ નંબર લઇ લીધો હતો અને તેનો નંબર પણ આપી દીધો હતો. પુરુષોત્તમભાઇને બે હીરા આપીને ગઠિયો જતો રહ્યો હતો. પુરુષોત્તમભાઇ હીરા લઇને સીજીરોડ ખાતે આવેલ તેમના મિત્ર મગનભાઇ શેલડિયાની નંદી જ્વેલર્સની દુકાનમાં હીરાની ચકાસણી કરવા માટે ગયા હતા. મગનભાઇએ હીરા ચેક કરતાં તે અસલ હોવાનું પુરુષોત્તમભાઇને કહ્યું હતું. ગઠિયા પાસે આવા અનેક હીરા હોવાનું પુરુષોત્તમભાઇએ મગનભાઇને કહ્યું હતું. મગનભાઇએ હીરા ખરીદવાની તૈયારી બતાવતાં પુરુષોત્તમભાઇએ મગનભાઇના મોબાઇલથી ગઠિયાને ફોન કર્યો હતો. ગઠિયાએ બન્ને જણાને સોનીની ચાલી પાસે મળવા માટે બોલાવ્યા હતા જ્યાં બીજા દિવસે તેઓ મળવા ગયા હતા. હીરા વિશે પૂછતાં ગઠિયાએ જણાવ્યું હતું કે નરોડા વિસ્તારમાં સાઇડ પર કામ કરતો હતો ત્યારે એક કારવાળો મોડી રાતે વૃક્ષની નીચે કંઇક દાટીને જતો રહ્યો હતો. કારવાળો જતો રહ્યો ત્યારબાદ આ ગઠિયાએ વૃક્ષની નીચે ખોદીને જોતાં તેમાં હીરા ભરેલું પાઉચ મળ્યું હતું, જેમાં ૩ર૪૪ નંગ હીરા હતા. મગનભાઇને હીરાની ખરીદી માટે ગઠિયા પાસે ભાવતાલ નક્કી કર્યો હતો.
જોકે મગનભાઇને ભાવ વધુ લાગતાં તેઓ નીકળી ગયા હતા. જેથી ગઠિયાએ તા.૨૬મી જૂને મગનભાઇના મોબાઇલ પર ફોન કર્યો હતો અને રૂ.૩૦ લાખમાં હીરા વેચવા તૈયારી બતાવી હતી. સોદો નક્કી થતાં ગઇકાલે ગઠિયાએ મગનભાઇને ૩૦ લાખ રૂપિયા લઇને કઠવાડા રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસે બોલાવ્યા હતા. ગઇકાલે મગનભાઇ, તેમનો પુત્ર ભાવેશ અને પુરષોત્તમભાઇએ ત્યાં પહોંચી ગઠિયાને હીરા બાબતે પૂછતાં હીરા તેની બહેન પાસે હોવાનુ કહી તેની પાસે લઇ ગયો હતો. મગનભાઇએ ૩૦ લાખ રૂપિયા ગઠિયાને આપ્યા ત્યારે ગઠિયાએ હીરા ભરેલું પાઉચ મગનભાઇને આપ્યું હતું. આ સોદા દરમિયાન ગઠિયાનો મિત્ર કારમાંં બેઠો હતો. ગઠિયાએ આપેલા હીરા મગનભાઇ એમરી પર ચેક કરતા હતા ત્યારે તકનો લાભ લઇને ગઠિયો, તેનો મિત્ર અને મહિલા ત્યાંથી નાસી ગયાં હતાં. મગનભાઇએ હીરા ચેક કરતાં તે ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઇમબ્રાંચે નકલી હીરા પધરાવતી ગેંગના આ સભ્યોને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઇ મહત્વની સફળતા મેળવી હતી.

Related posts

ધ્રાંગધ્રા પંથકના બે યુવાનો રણમાં ફસાયા

editor

બનાવટી શરાબ બનાવવાની ફેકટરીનો પર્દાફાશ થયો

aapnugujarat

સાબરકાંઠામાં એબીવીપીના કાર્યકરોએ ચીનનો કર્યો વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1