Aapnu Gujarat
ગુજરાત

રથયાત્રા રૂટ ઉપરના ૨૨૫ ભયજનક મકાનોને નોટિસ

આગામી તા. ૧૪ જુલાઈએ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં ભયજનક મકાનોને લઇ ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રથયાત્રાના રૂટમાં ૨૨૫ જેટલા મકાનો ભયજનક એટલે કે, જોખમી જણાયા છે, જેને લઇ હવે અમ્યુકો તંત્ર દ્વારા આ ૨૨૫ ભયજનક મકાનોને નોટિસ ફટકારવાની દિશામાં કવાયત હાથ ધરી છે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ દેસાઈ, મેયર બીજલબહેન પટેલ, શાસક પક્ષના નેતા અમિત શાહ વગેરેએ શહેરના નવ નિયુક્ત શાસકોએ અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાતાં આગામી રથયાત્રામાં હેરિટેજ સિટીને લગતો ટેબ્લો પ્રદર્શિત કરવાની જાહેરાત મીડિયા સમક્ષ કરી હતી. આગામી રથયાત્રાની પહેલા રૂટ પરના રસ્તાનાં રિપેરિંગ કરવાની તેમજ સાફ સફાઈની કામગીરીને પણ પ્રાથમિકતા આપવાની તંત્રને તાકીદ કરાઈ છે. એક પ્રકારે હેરિટેજ સિટી રથયાત્રાનું આયોજન હાથ ધરાયું છે. રથયાત્રા પહેલાં અમ્યુકો તંત્ર દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રથયાત્રા રૂટ પરનાં ભયજનક મકાનોનો સર્વ હાથ ધરાયો હતો. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અઠવાડિયા પહેલાં આ સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી જે સર્વે ગઈકાલે પૂર્ણ થતાં તંત્ર દ્વારા રથયાત્રા રૂટમાં કુલ ૨૨૫ મકાનને ભયજનક તરીકે શોધી કઢાયાં હતાં. જાણકાર સૂત્રો કહે છે, કોટ વિસ્તારમાં ૧૬થી ૧૮ કિ.મી. લાંબા રથયાત્રા રૂટ પર ખાડિયા વોર્ડમાં સૌથી વધુ ૧૨૯ ભયનજક મકાન તરીકે અલગ તારવાયા છે. ત્યારબાદ દરિયાપુરમાં ૭૮ મકાન, જમાલપુરમાં ૧૦ મકાન, શાહીબાગમાં ૬ મકાન અને શાહપુરમાં સૌથી ઓછાં ૨ મકાનને ભયજનક જાહેર કરાયાં છે. હવે આગામી અઠવાડિયામાં આ તમામ ભયજનક મકાનના કબજેદારોને તંત્ર દ્વારા વ્યક્તિગત ધોરણે નોટિસ ફટકારાશે તેમજ લાલ રંગનાં સ્ટીકર ચીપકાવીને આ મકાનનો ઝરુખો કે ઓટલો ભયજનક હોઈ ત્યાં વધુ લોકોએ રથયાત્રા નિહાળવા ઊભા ન રહેવું તેવી તાકીદ કરાશે. ગત વર્ષે રથયાત્રાના રૂટમાં ૨૩૨ ભયજનક મકાન હતાં, જે પૈકી ૧૮થી ૧૯ મકાનમાં કબજેદારોએ રિપેરિંગ કામ હાથ ધર્યું હતું અને ત્રણ મકાનને તંત્ર દ્વારા સ્વખર્ચે ઉતારી લેવાયાં હતાં. ચાલુ વર્ષે પણ તંત્ર દ્વારા અતિ જોખમી હાલતનાં ભયજનક મકાનને રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓની સલામતી માટે ઉતારી લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રથયાત્રા વખતે હજુ પણ એકપણ ભયનજક મકાન જમીનદોસ્ત થઈને કોઈ ગંભીર પ્રકારની દુર્ઘટના સર્જાઈ નથી. આઠેક વર્ષ પહેલાં એક ભયનજક મકાનનો ઝરૂખો તૂટતાં બે-ચાર લોકો ઘવાયા હતા. જેથી અમ્યુકો તંત્ર દર વર્ષે રથયાત્રા દરમ્યાન આ મામલે ભારે સાવધાની દાખવી રહ્યું છે.

Related posts

નવરંગપુરા ફાટક પાસે મેટ્રો જંકશન બનાવવાની માંગણી

aapnugujarat

જિગ્નેશ મેવાણી ૧૦.૨૫ લાખની સંપત્તિના માલિક

editor

વીએસ હોસ્પિટલને બચાવવા કોંગી નેતાઓના ફાંસીના દોરડા ગળામાં લટકાવીને ઉગ્ર દેખાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1