Aapnu Gujarat
ગુજરાત

નવરંગપુરા ફાટક પાસે મેટ્રો જંકશન બનાવવાની માંગણી

અંદાજે ૧૦ હજાર કરોડથી પણ વધુના ખર્ચે આકાર પામી રહેલ મેટ્રો રેલ પ્રોજેકટમાં ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગ, રૂટની અગવડતા, નાગરિકોને હાલાકી સહિતની અનેક ખામી રહી ગઇ છે જેમાં સૌથી મોટી ચૂક તો એ થઇ છે કે, મેટ્રો રેલના હાલના રૂટમાં મુખ્ય જંકશન જૂની હાઇકોર્ટ પાછળ દર્શાવાયું છે, કે જયાં વાસ્તવમાં જગ્યા જ નથી અને તેના પરિણામે ટ્રાફિક અને પાર્કિંગની પારાવાર હાલાકી અને સમસ્યા ઉભી થશે. આ સંજોગોમાં નાગરિકોની સુવિધા, ટ્રાફિક નિયમન અને પાર્કિંગની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી મેટ્રો રેલ રૂટનું પૂર્વ-પશ્ચિમનું મુખ્ય જંકશન નવરંગપુરા પોલીસ સ્ટેશન સામે રેલ્વે ફાટક પર બનાવવા આજે સિનિયર સીટીઝન ગ્રુપ અને જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિએ માંગણી કરી છે. આ મામલે મેટ્રો રેલના સંબંધિત તમામ સત્તાવાળાઓથી લઇ રાજય સરકાર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ હકારાત્મક અભિગમ નહી દાખવાતાં આ સંસ્થાઓ દ્વારા આગામી દિવસોમાં લડત આપવાની સરકારને ચીમકી ઉચ્ચારી છે. સંસ્થાઓએ મેટ્રોના રૂટ ડાયવર્ઝન માટે પણ સૂચન કર્યું છે. મેટ્રો રેલની ખામીઓ વિશે ધ્યાન દોરતાં જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા અને મેગા સિનિયર સીટીઝન ફેડરેશનના અધ્યક્ષ ઇન્દ્રવદન શાહ, મધુકરભાઇ મજીઠીયાએ જણાવ્યું હતું કે, મેટ્રો રેલના પૂર્વ-પશ્ચિમના મુખ્ય જંકશન પર રોજના આશરે બે લાખ લોકોની અવરજવર થશે. આ મુખ્ય જંકશન જૂની હાઇકોર્ટ પાછળ હાલના રૂટમાં દર્શાવાયું છે પરંતુ ત્યાં તો ઓલરેડી જગ્યા નથી અને તેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા, પાર્કિંગની પારાવાર મુશ્કેલી અને નાગરિકોને ભયંકર હાલાકી ઉભી થશે. તેના બદલે મેટ્રોનું મુખ્ય જંકશન નવરંગપુરા પોલીસ સ્ટેશન સામે રેલ્વે ફાટક પર આપવું જોઇએ અને તેનાથી આ તમામ સમસ્યા હલ થઇ જશે. વળી, બીજી ગંભીર ચૂક એ રહી ગઇ છે કે, સાબરમતી રિવરફ્રન્ટ પર મેટ્રો રેલનું સ્ટેશન જ આપવામાં આવ્યુું નથી.ખરેખર તો, રિવરફ્રન્ટ પરથી હજારો મુસાફરો મેટ્રો રેલનો લાભ લઇ શકે પરંતુ ત્યાં સ્ટેશન જ અપાયું નથી. આ સિવાય પણ રૂટના જે રસ્તાઓ ૧૮ મીટર પહોળાઇના છે ત્યાંથી મેટ્રોનો રૂટ અપાયો છે, તેના બદલે ૨૪ અને ૩૦ મીટર પહોળા કેટલાક રસ્તાઓ પરથી રૂટ ડાયવર્ઝન કરી રૂટ આપવામાં આવે તો ટ્રાફિક, નાગરિકોની મિલ્કત-જગ્યાની કપાત સહિતની અનેક સમસ્યાઓનું નિરાકરણ આપમેળે થઇ શકશે. સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ ઉમેર્યું હતું કે, કોમર્સ છ રસ્તાથી સ્ટેડિયમ ક્રોસ રોડ હેવમોર થઇ જૂની હાઇકોર્ટ પાછળનો રૂટ છે, તેને ડાયવર્ટ કરી ખરેખર કોમર્સ છ રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા, સીજી રોડ, નવરંગપુરા બસ સ્ટેન્ડ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સેલ્સટેક્ષ ભવન થઇ રિવરફ્રન્ટથી શાહપુરનો રૂટ આપવો જોઇએ અને નવરંગપુરા પોલીસ સ્ટેશન સામે રેલ્વે ફાટક પર પૂર્વ-પશ્ચિમનું મેટ્રો રેલનું મુખ્ય જંકશન આપવું જોઇએ તો, લાખો શહેરજનોને ફાયદો થશે.

Related posts

अहमद को सीएम बनाने की अपील क्यों की पाक ने : मोदी

aapnugujarat

વરસાદના પગલે અમદાવાદમાં ફલાઈટ, ટ્રેન, બસ વ્યવહાર ખોરવાયો

aapnugujarat

અમદાવાદ જિલ્લાની ૧૩૭ વોર્ડ અને ૮ સરપંચની પેટાચૂંટણી ૨૦ જાન્યુઆરીએ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1