Aapnu Gujarat
ગુજરાત

વીએસ હોસ્પિટલને બચાવવા કોંગી નેતાઓના ફાંસીના દોરડા ગળામાં લટકાવીને ઉગ્ર દેખાવો

વીએસ હોસ્પિટલને બચાવવાની માંગણી સાથે અમ્યુકો કચેરી ખાતે ઉગ્ર દેખાવો અને તોડફોડ કરવાના પ્રકરણમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત કાર્યકરો સામે દાખલ થયેલી ફરિયાદના કેસમાં કોંગ્રેસના નેતાઓએ આજે અનોખો વિરોધ કરી ઢોલ-નગારાં વગાડતાં પોલીસ અટકાયત વ્હોરી હતી અને ભાજપ સરકારના ઇશારે અમ્યુકો તરફથી કોંગ્રેસના નેતાઓ વિરૂધ્ધ ફરિયાદ કરી લોકલાગણી અને પ્રજાનો અવાજ દબાવવાનો હીન પ્રયાસ થઇ રહ્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. વીએસ હોસ્પિટલના મામલે લોકોની લાગણીને વાચા આપવાના ભાગરૂપે કોંગ્રેસ ફરી એકવાર અનોખી રીતે કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવો કર્યા હતા. જેમાં વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા શહેરના બે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા, મ્યુનિસિપલ કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, બદરુદ્દીન શેખ સહિતના અગ્રણીઓએ આજે સવારે શહેર કોંગ્રેસ સમિતિમાં ફાંસીના માંચડા રૂપે ગળામાં દોરડા લટકાવી તેમજ ઢોલનગારા લઇને મ્યુનિસિપલ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને ભાજપ તેમ જ શાસક પક્ષ વિરૂધ્ધમાં જોરદાર નારા લગાવી વાતાવરણ ગજવી મૂકયું હતું. કોંગ્રેસના આ તમામ નેતાઓ અને કાર્યકરો ઢોલ નગારા વગાડતાં, ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતાં પોલીસને તેઓની અટક કરવાની ફરજ પડી હતી. પોલીસ તમામને શાહીબાગ પોલીસ હેડકવાર્ટર લઇ ગઇ હતી અને ત્યાં જરૂરી ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામને મુકત કરી દેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની વી.એસ.હોસ્પિટલને કથિત ખાનગીકરણના વિરોધમાં અને વીએસ હોસ્પિટલને બચાવવાની માંગણી સાથે ત્રણ-ચાર દિવસ પહેલા વિપક્ષ કોંગ્રેસ દ્વારા દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કચેરી ખાતે ઉગ્ર દેખાવો અને વિશાળ ધરણાં યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા વીએસ હોસ્પિટલના કથિત ખાનગીકરણના વિરોધમાં ભાજપની વિરૂધ્ધમાં જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા વીએસ હોસ્પિટલને બચાવો, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં કાપ ના મૂકો, ગરીબ દર્દીઓની ૧૧૫૫ પથારીઓમાં ઘટાડો ના કરો સહિતની માંગણીઓ સાથેના પ્લે કાર્ડ, બેનરો અને સૂત્રો લખેલા બોર્ડ દર્શાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને એક તબકકે કચેરીમાં તોડફોડ કરાઇ હતી. જેને પગલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો સહિત ૨૦૦ લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, આજે સવારે કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ, મ્યુનિ. કોગ્રેસ નેતા દિનેશ શર્મા, મ્યુનિ. કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, બદરુદ્દીન શેખ સહિતના અગ્રણીઓ વી.એસ.હોસ્પિટલ બચાવોના નારા સાથે શહેર કોંગ્રેસ સમિતિ ખાતે અનોખી રીતે ઉગ્ર વિરોધ પ્રદર્શન-દેખાવો યોજયા હતા. જેમાં કોંગી આગેવાનો ફાંસીના માંચડા લઇ, ગળામાં ફાંસીના દોરડા લટકાવી, ઢોલ-નગારા સાથે ભાજપ અને અમ્યુકોના શાસક તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. જેને લઇ સમગ્ર વાતાવરણ ગરમાયું હતુ.

Related posts

અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ

editor

પાટડીના જૈનાબાદમાં ગ્રામ્યજનો અને મહિલાઓ પીવાના પાણી માટે વલખા

aapnugujarat

બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1