Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતે દરેક વર્ગને યોજનાના લાભો આપ્યા : વિજય રૂપાણી

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીએ ઈનોવેટીવ અને પાથ બ્રેકીંગ ઈનિશિયેટીવ્સના કારણે છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતે સાધેલી પ્રગતિની જાણકારી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિ આયોગની ચોથી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં ભાગ લેતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિવિધ સમાજકલ્યાણ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી તેના લાભ રાજ્ય સરકારે સુપેરે પહોંચાડ્યા છે. આ બેઠકમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પાછલા દોઢ દાયકામાં ગુજરાતના કૃષિ વિકાસ દરમાં ડબલ ડિઝિટની વૃદ્ધિ થઈ છે. રાજ્ય સરકારની જીએસએફસી અને જીએનએફસી જેવી ફર્ટિલાઈઝર ઉત્પાદક કંપનીઓ ખેડુતોને ખાતરનો યોગ્ય ઉપયોગ કરવા માટે જે માર્ગદર્શન આપી રહી છે તેને પરિણામે ઓછા ખાતરના ઉપયોગથી મહત્તમ ખેત ઉત્પાદન મેળવી શકાયું છે. સોઈલ હેલ્થ કાર્ડ આપીને તેમની જમીનની ગુણવત્તાની જાણકારી વ્યાપકરૂપે અપાઈ છે એટલું જ નહીં માઈક્રો ઈરીગેશન માટે સબસિડી પણ સરકાર આપે છે. સુક્ષ્મ સિંચાઈ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ૪૧ લાખ એકર કરતા વધુ ખેતીલાયક જમીનને લાભ આપવામાં આવ્યો છે. સામાન્ય અને સીમાંત ખેડુતોને ૭૦ ટકા અને અનુસુચિત જાતિ-જનજાતિના ખેડુતોને ૮૫ ટકા સુધી આર્થિક મદદ આપવામાં આવે છે. આ સાથે ખેડુતોને શૂન્ય વ્યાજ દરે કૃષિ ધિરાણ ઉપલબ્ધ કરાવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૪૯૦૦ કરોડના મૂલ્યની લગભગ ૧૦ લાખ ૭૫ હજાર મેટ્રિક ટન મગફળી, કપાસ, રાયડો, ચણા અને તુવેર દાળને લધુત્તમ ટેકાના ભાવે ખરીદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે તેને હાંસલ કરવા ગુજરાત સરકાર સફળ રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે તાજેતરમાં હાથ ધરેલા સુજલામ્‌ સુફલામ જળ અભિયાનની સફળતા વર્ણવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ૧૨૦૦૦ લાખ ધનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધશે અને ૩૨ નદીઓ પુનર્જીવિત થઈ છે. આ અભિયાનમાં ૧૩,૦૦૦થી વધુ તળાવ-ચેકડેમને ઊંડા કાર્ય અને ૫૦૦૦ કિમીથી વધુની નહેરોની સફાઈ કરવામાં આવી છે. આ અભિયાનથી ૨.૬૨ લાખ નાગરિકોને ૮૨ લાખ માનવદિનની રોજગારી પ્રાપ્ત થઈ હતી. રૂપાણીએ રાજ્યમાં વધી રહેલા મેડિકલ ટુરીઝમનો ઉલ્લેખ કરી ગૌરવભેર જણાવ્યું હતું કે, ગુજરાતનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય સેવાઓ અને સુવિધાઓ તેમજ રાજ્ય સરકારની પ્રોગ્રેસિવ હેલ્થ પોલિસી થકી ગુજરાતને હેલ્થ સેક્ટરમાં શ્રેષ્ઠ બન્યું છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલી મા અમૃતમ્‌ અને મા વાત્સલ્ય યોજના આજે લાખો લોકો માટે જીવનદાયી યોજના બની ગઈ છે. ૫૦ લાખથી વધુ પરિવાર આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આરંભ કરેલી આયુષ્યમાન ભારત યોજના અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, આ યોજનાને રાજ્યમાં યોગ્ય રીતે અમલી બનાવવા ગુજરાત પુરી રીતે સજજ છે. આ અંગે તમામ પ્રાથમિક તૈયારી પુરી કરી દેવામાં આવી છે. આ યોજનાના અમલમાં પણ ગુજરાત અવ્વલ રહેશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

પંચમહાલ જીલ્લામાં શિયાળુ ખેતી માટે વાવણી શરૂ

editor

આણંદના કોંગ્રેસના ધારાસભ્યના પુત્રોએ જાહેર કાર્યક્રમમાં હવામાં ફાયરીંગ કર્યું

aapnugujarat

અરવલ્લી : ગામેળું તળાવ પણ ઉંડુ કરવાનો વિધિવત આરંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1