Aapnu Gujarat
ગુજરાત

કોલસા આધારિત ગેસિફાયર ઉપયોગ પર પ્રતિબંધ

મોરબી-વાંકાનેર પંથકોમાં ચાલતી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ કરવા પર ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે પ્રતિબંધ ફરમાવી દીધો છે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરના વપરાશ માટે સાફ ઇન્કાર કરી દીધો છે. કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગથી ફેલાતા જોખમી અને ગંભીર પ્રદૂષણને લઇ હાઇકોર્ટે ભારે ચિંતા વ્યકત કરી તેના નિવારણના હેતુસર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સત્તાવાળાઓને આ મામલે અગાઉ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જારી કરેલા અગત્યના હુકમની અમલવારી માટે સ્પષ્ટ અને કડક તાકીદ પણ કરી છે. એટલું જ નહી, હાઇકોર્ટે પર્યાવરણ અને પ્રકૃતિના જતન અને રક્ષણ માટે પણ જરૂરી પગલાં લેવા જીપીસીબીને નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે નવી ટેકનોલોજીથી ચાલતાં ગેસીફાયરનો ટ્રાયલ બેઝ પર ઉપયોગ કરવાની સ્થાનિક ઉદ્યોગોને છૂટ આપવા અંગે યોગ્ય નિર્ણય લેવા પણ જીપીસીબીને હુકમ કર્યો હતો. મોરબી-વાંકાનેર પંથકમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગના કારણે ફેલાતા પ્રદૂષણને લઇ હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, અગાઉ આ જ મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી થઇ હતી, જેમાં હાઇકોર્ટે જીપીસીબીને ઘણા મહત્વના નિર્દેશો કર્યા હતા. એટલું જ નહી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ મોરબી પંથકની સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરના વપરાશને લઇ તા.૧૪-૧૧-૨૦૧૭ના રોજ મહત્વનો ચુકાદો જાહેર કરી જીપીસીબીને આવા ગેસીફાયરનો ઉપયોગ કરતાં સિરામિક ઉદ્યોગ અને એકમોને બંધ કરી દેવા આદેશ કર્યો હતો. પરંતુ તેમછતાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ હજુ ચાલુ જ રહ્યો છે અને જીપીસીબી સત્તાવાળાઓ દ્વારા કોઇ જ પરિણામલક્ષી પગલાં લેવાયા નથી. દરમ્યાન સરકારપક્ષ અને જીપીસીબી સત્તાવાળાઓ તરફથી સોગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, જીપીસીબીએ એનજીટીના હુકમના પાલન અનુસંધાનમાં કસૂરવાર ઔદ્યોગિક એકમોને નોટિસો ફટકારી કાર્યવાહી કરી છે. મોરબી પંથકમાં કુલ ૭૨૯ એકમો છે, તેમાંથી ૪૩૦ એકમો કોલસા આધારિત ગેસીફાયરનો વપરાશ કરતા હોવાનું માલૂમ પડયું છે. તેના કારણે હવા અને જળનું પ્રદૂષણ ફેલાય છે.
જીપીસીબીએ આ મામલે કડક કાર્યવાહી કરીને તાજેતરમાં ૧૦૦ એકમો બંધ કરાવ્યા હતા અને હવે ૨૬૪ એકમો જ ચાલુ છે. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ કરી ધમધમતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝના એકમોને લઇ ગંભીર અને જોખમી પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે, જે ખતરનાક અને ભરપાઇ થઇ શકે તેવું નથી અને તેથી જ જીપીસીબી સત્તાવાળાઓએ આવા એકમો મારફતે હવે વધુ પ્રદૂષણ ફેલાય નહી અને સ્થાનિક વાતાવરણને નુકસાન થાય તે નહી માટે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

Related posts

મ્યુનિ. બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો બિન્દાસ્ત ઉંઘતા દેખાયા

aapnugujarat

૩ મહિના થી ઘરેલું હિંસાથી પીડિત મહિલા નુ વેરાવળ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈને સુખઃદ સમાધાન કરાવ્યુ

editor

ડભોઇ નગરપાલિકાના મહિલા પ્રમુખ તરીકે કાજલ બેન દુલાણીની વરણી

editor

Leave a Comment

UA-96247877-1