Aapnu Gujarat
ગુજરાત

ભાજપના રાજમાં ખુલ્લેઆમ ગેરકાયદે ભ્રષ્ટાચાર ચાલે છે : સુરેશ મહેતા, પીયુસીએલના ગૌતમ ઠાકર

થોડા સમય પહેલાં જ પર્દાફાશ થયેલા રાજયના જમીન વિકાસ નિગમ લિ.ના લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના છાવરવા અને પ્રજાનું ધ્યાન તેના પરથી હટાવવા જળસંચય અભિયાનનું નાટક ઉભુ કર્યું છે. જળસંચય અભિયાન એ બીજું કંઇ નહી, પરંતુ જમીન વિકાસના કૌભાંડને છાવરવાનું તરકટ માત્ર છે. વાસ્તવમાં જમીન વિકાસ નિગમ લિ.ના ખૂબ જ સંવેદનશીલ કૌભાંડને ઢાંકવા ભાજપ સરકારે જળસંચય અભિયાનનું નાટક કર્યું પરંતુ તેમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો છે. સૌથી નોંધનીય વાત તો એ છે કે, આ અભિયાનની મુદત તા.૩૧મી મેના રોજ પૂર્ણ થઇ ગઇ હોવાછતાં હજુ સુધી ભાજપ સરકાર કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જળસંચય અભિયાનના કોઇ સાચા હિસાબો ગુજરાતની પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી અને આમ કરીને ભાજપ સરકારે ગુજરાતની નિર્દોષ પ્રજા સાથે ગંભીર છેતરપીંડી અને વિશ્વાસઘાત આચર્યા છે એમ અત્રે રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, પીયુસીએલના જનરલ સેક્રેટરી ગૌતમ ઠાકર, ગુજરાત સોશ્યલ વોચના મહેશ પંડયા સહિતના આગેવાનોએ ભાજપ સરકાર પર ગંભીર અને આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું. જમીન વિકાસ નિગમ લિ.ના લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના કૌભાંડમાં રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ નૈતિકતાના ધોરણે પણ રાજીનામું આપી દેવું જોઇએ તેવી માંગણી પણ આ મહાનુભાવોએ કરી હતી. જમીન વિકાસ નિગમ લિ.ના ભ્રષ્ટાચારનું કૌભાંડ સરકારની મિલીભગત સિવાય શકય જ નથી અને આ કૌભાંડને છાવરવા સરકારે જળસંચય અભિયાનનું તૂત ઉભુ કર્યું છે એમ કહી કેટલીક ચોંકાવનારી હકીકતો મીડિયા સમક્ષ ઉજાગર કરતાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, પીયુસીએલના જનરલ સેક્રેટરી ગૌતમ ઠાકર અને ગુજરાત સોશ્યલ વોચના મહેશ પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, જમીન વિકાસ કૌભાંડના પર્દાફાશ બાદ સરકારે ગણતરીના કલાકોમાં જળસંચય અભિયાનની જાહેરાત કરી હતી અને જળસંચયની વિવિધ યોજનાઓ નિગમ પાસેથી આંચકી નર્મદા અને જળસંપત્તિ વિભાગને સુજલામ સુફલામના નામે આપી દેવાઇ પરંતુ સુજલામ્‌ સુફલામ્‌ યોજના પોતે જ સરકારનું કરોડો રૂપિયાનું મસમોટુ કૌભાંડ હતું. ખુદ તેના વિશે કેગના અહેવાલમાં પણ ગંભીર ટીકાઓ થઇ હતી. જળસંચય અભિયાનમાં પણ સરકાર દ્વારા ગંભીર ગેરરીતિઓ અને પ્રજાને ગેરમાર્ગે દોરતી ભ્રામક વાતો કરવામાં આવી છે. જે મુજબ, રાજયમાં ખેડૂતોની સંખ્યા ૫૨ લાખ છે, તેની સામે ખેત તલાવડીઓની સંખ્યા માત્ર ૨,૬૧,૭૮૫ છે. જળસંચય અભિયાન અંતર્ગત રાજયના એક લાખ તળાવોમાંથી માત્ર ૧૩ હજાર જ તળાવો ઉંડા કરાયા છે. જે ૧૦ ટકા ગુજરાતીઓની તરસ છીપાવવા માટે પણ પૂરતા નથી. તેમણે ઉમેર્યું કે, સરકાર પોતે જ કબૂલે છે કે, રાજયના ૮૨૫૦ ગામોમાં પાણીની નબળી ગુણવત્તા છે, ૨૭૯૧ ગામો ફલોરાઇડથી દૂષિત પાણી ધરાવે છે, ૪૫૫ ગામો નાઇટ્રેટવાળુ પાણી ધરાવે છે અને ૭૯૨ ગામો ખારાશવાળુ પાણી ધરાવે છે. આમ કુલ ૧૦૨૮૮ ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. એટલે કે, ગુજરાતના ૧૮૭૧૫ ગામોમાંથી ૫૫ ટકા ગામોમાં પીવાનું પાણી શુધ્ધ નથી. બીજું કે, ખુદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, તળાવો ચેકડેમ ઉંડા કરવાતી નીકળનારી ફળદ્રુપ માટી એક પણ પૈસાની રોયલ્ટી લીધા વિના ખેડૂતોને અપાશે પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દૂધિયા ગામમાં આ અભિયાન માટે રૂ.પાંચ કરોડ ફાળવાયા અને ત્યાંથી નીકળેલી માટી એક ટ્રેકટરના રૂ.૩૦૦થી રૂ.૮૦૦ના ભાવે વેચી રૂ.૩૪૫ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરાયો છે. જળસંચય અભિયાન માટે અગાઉ ૫૨૭ જેસીબી, ૨૦૦૦ ટ્રેકટર અને ૨૭ હજાર મજૂરોનો ઉપયોગ કરાયો હોવાનો સરકારે દાવો કર્યો હતો પરંતુ પાછળથી આ અભિયાન બહુ સફળ થયુ છે તેવી ભ્રામક વાતો ઉભી કરી ૪૬૦૦ જેસીબી મશીન, ૪૨ હજાર ટ્રેકટર અને ત્રણ લાખ મજૂરોને કામે લગાડાયા હોવાના દાવાઓ કર્યા તો જો મશીનો અને મજૂરોનું સંખ્યાબળ વધ્યું તો જે ૧૧ લાખ કયુસેક પાણી સંગ્રહની વાત હતી તેમાં તો વધારો થયો નહી. જો સરકારની મશીનરી, મજૂરો અને કામગીરીનો વ્યાપ વધ્યો તો, સામે પાણી સંગ્રહની ક્ષમતા પણ વધવી જોઇએ અને આઠ ટકા જેટલી વધે…પરંતુ તેમ થયુ નથી. સરકારે અભિયાન પૂર્ણ થયાને બાર દિવસ વીતી ગયા છતાં હજુસુધી જળસંચય અભિયાન અંતર્ગત કેટલી કામગીરી થઇ, કેટલી માટી કઢાઇ, કેટલા તળાવો ઉંડા કરાયા, કેટલી ખેતતલાવડી બનાવાઇ, કેટલો ખર્ચ થયો, કેટલું પાણી સંગ્રહિત થશે તે સહિતની જળવ્યવસ્થાપનની તમામ બાબતોનો કોઇ હિસાબ ગુજરાતની પ્રજા સમક્ષ રજૂ કર્યો નથી, તેથી સરકાર આવા નાટક કરી પ્રજાને માત્ર છેતરી જ રહી છે તે સ્પષ્ટ થઇ ગયું છે. વાસ્તવમાં જમીન વિકાસ કૌભાંડને છાવરવા માટે સરકારે જળસંચય અભિયાનનું તરકટ ઉભુ કર્યું છે પરંતુ ગુજરાતની પ્રજાએ સરકારની માનસિકતાને ઓળખી લેવાની જરૂર છે. સરકારનો પ્રજા સાથે આ સૌથી મોટો વિશ્વાસઘાત છે. આ પ્રસંગે પીયુસીએલના ડો.રોહિત શુકલ, લોકશાહી બચાવો અભિયાનના દેવ દેસાઇ, પૂર્વ કેબીનેટ મંત્રી પ્રવીણસિંહ જાડેજાએ જળસંચય અભિયાનના તૂતને લઇ સરકાર પર ચાબખા માર્યા હતા.

Related posts

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 51મો જન્મોત્સવ ઉજવાયો

editor

ગુજરાત સરકાર તરફથી નીતિશકુમારને પૂર પિડીતો માટે ચેક અપાયો

aapnugujarat

ભાજપનાં ચાર ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1