Aapnu Gujarat
ગુજરાત

ભાજપનાં ચાર ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા

ભાજપના નવા ચૂંટાયેલા ચાર ધારાસભ્યોને આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભાજપે લોકસભામાં ક્લીન સ્વીપ સાથે ચાર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભગવો લહેરાવ્યો હતો. ઉંઝા, માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર (ગ્રામ્ય) બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા ધારાસભ્યોનો જ્વલંત વિજય થયો હતો. આજે આ ચારેય ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમની ઓફિસમાં ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ સાથે જ ગુજરાતની ૧૮૨ બેઠકો સાથેની વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને ૧૦૫નું થયું છે. માણાવદર બેઠક પરથી વિજેતા થયેલા ધારાસભ્ય જવાહર ચાવડા, જામનગર ગ્રામ્ય બેઠકના વિજેતા ધારાસભ્ય રાઘવજી પટેલ, ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર પરષોત્તમ સાબરિયા અને ઉંઝા પેટા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરનારા ધારાસભ્ય આશા પટેલને વિધાનસભા અધ્યક્ષે શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ ધારાસભ્યોના શપથગ્રહણ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી પૂર્વે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા તેમજ ઉંઝાના કોંગી ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપ્યું હતું. જ્યારે જામનગરના રાઘવજી પટેલે બે વર્ષ અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલ વિરુદ્ધ મતદાન કરીને છેડો ફાડ્‌યો હતો. ડિસેમ્બર ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાઘવજી પટેલ ભાજપમાંથી લડતાં તેમને કોંગ્રેસના વલ્લભ ધારવિયા સામે પરાજય થયો હતો. જો કે ધારવિયા પણ બાદમાં ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે ૭૧ ધારાસભ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. અગાઉ કોંગ્રેસના કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા હતા અને તેમને પુરવઠા મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો હતો. એકબાજુ લોકસભાની ચૂંટણી બાદ ભાજપની સ્થિતિ મજબૂત બની છે જ્યારે કોંગ્રેસની હાલત વધારે કફોડી બની ગઈ છે.

Related posts

૬૫ સભ્યોએ ચૂંટણીમાં આઠ લાખથી પણ ઓછો ખર્ચ કર્યો : ૨૦૧૨ની ચૂંટણીમાં ધારાસભ્યો કરેલા ખર્ચનું તારણ

aapnugujarat

Ahmedabad Airport પર ત્રીજુ ટર્મિનલ બની શકે

aapnugujarat

નરેન્દ્ર પટેલની છ ઓડિયો કલીપ વાયરલ થતાં સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1