Aapnu Gujarat
ગુજરાત

૨૫ લાખ નહીં આપો તો, પત્ની તેમજ બાળકોને ઉઠાવી જઇશું

શહેરના મોટેરા વિસ્તારમાં રહેતા ઓએનજીસીના અધિકારીને વ્યાજે રૂપિયા આપવા સિક્યોરિટી પેટે લીધેલા મકાનનાં બાનાખત અને ચેક પરત ન કરી છેતરપિંડી આચરી વધુ રૂપિયા માગવા બદલ તપોવન સર્કલ પાસેના ચંપાવત હાઉસમાં રહેતા પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે. આરોપી શખ્સો દ્વારા ઓએનજીસીના અધિકારીને જો પૈસા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી પત્ની અને બાળકોને ઉઠાવી જવાની ધમકી પણ અપાઇ હતી. ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા માટેની તજવીજ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, મોટેરા વિસ્તારમાં મારુતિનંદન-૧માં રહેતા અને ચાંદખેડા ઓએનજીસીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા વખતસિંહ ભૂરિયાને તેમનાં વતનમાં લીધેલાં મકાનમાં રૂ. ૧૪ લાખ ભરવાના હોઈ તેમના ઓળખીતા જગદેવસિંહ શેખાવતને પૈસા બાબતે વાતચીત કરી હતી. જગદેવસિંહ વ્યાજ વટાવનો ધંધો કરતા અને તપોવન સર્કલ પાસે ચંપાવત હાઉસમાં રહેતા ચંદનસિંહ ચંપાવતનો સંપર્ક કરાવ્યો હતો. સને ૨૦૧૪માં રૂ.ચાર લાખ માસિક પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જેના સિક્યોરિટી પેટે વખતસિંહે વતનમાં આવેલા મકાનનું બાનાખત અને ચેક આપ્યા હતા. વર્ષ ૨૦૧૬માં વ્યાજ અને રૂ.ચાર લાખની રકમ ચંદનસિંહને ચૂકવી દીધી હતી. ૨૦૧૬માં પૈસાની જરૂર પડતાં રૂ. ૧૬ લાખ તેઓએ માસિક ચાર ટકા લેખે લીધા હતા. જેના સિક્યોરિટી પેટે મોટેરાના મકાનનું રજિસ્ટર બાનાખત અને ૪૦ ચેક આપ્યા હતા. પૈસા ચૂકવ્યા બાદ તમામ બાનાખત અને ચેક પરત આપવાનું ચંદનસિંહે જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૭માં વખતસિંહે રૂ. ૧૬ લાખ અને વ્યાજ ચૂકવી દીધું હતું. જેમાં મોટેરાના મકાનનું બાનાખત તેઓએ રદ કરી દીધું હતું. વતનમાં આવેલા મકાનનું બાનાખત રદ કરવા અંગે ચંદનસિંહે તેઓને ભરોસો આપ્યો હતો. સમય મર્યાદા બાદ ચંદનસિંહ પાસેથી ચેક અને બાનાખત પરત માગતાં રૂ. ૨૫ લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. જુદાં જુદાં રાજ્યમાંથી કેસ કરાવવાની ધમકી આપી ચેક પરત આપ્યા ન હતા. કેટલાક ચેક ભરી અને ખોટા કેસ કરી દીધા હતા. જગદેવસિંહે ઘરે આવી અને ૨૫ લાખ ચંદનસિંહને આપવા પડશે જો નહિ આપે તો પત્ની અને બાળકોને ઉઠાવી જવાની ધમકી આપી હતી. જેથી તેઓએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઓએનજીસીના અધિકારીની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

અનાજ પુરવઠાથી વંચિત ગરીબોને સહારે મહિલા કોંગ્રેસ સમિતિ

editor

ગુજરાતમાં ભાજપના મળતીયાઓ દ્વારા કરોડોની છેતરપીંડી થાય છે : અમિત ચાવડા

aapnugujarat

કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા તેજાભાઈ દેસાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1