Aapnu Gujarat
ગુજરાત

બોડકદેવ વિસ્તારમાં કરોડોના દેવામાં ડૂબેલા બિલ્ડરે પત્ની અને પુત્રીઓને ઠાર મારી

જજીસ બંગ્લોઝ-બોડકદેવ વિસ્તારમાં આવેલ રત્નમ્‌ ટાવરમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા એક બિલ્ડરે આજે વહેલી સવારે રિવોલ્વર વડે ગાઢ નિંદ્રામાં પોઢી રહેલી પોતાની પત્ની અને અને બે પુત્રીઓની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર મારી હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તાર સહિત શહેરભરમાં હાહાકાર મચી ગયો હતો. બિલ્ડર દ્વારા કરોડો રૂપિયાના આર્થિક દેવા અને ઘરકંકાસને કારણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે પરિવારને ખતમ કરી નંખાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ખુદ બિલ્ડરે જ પોલીસ કંટ્રોલરૂમમાં જાણી હત્યાકાંડનો મેસેજ આપ્યો હતો અને પોતાને પોલીસ હવાલે કરી દીધો હતો. પોલીસ આવે ત્યાં સુધી આ હત્યારો પતિ તેમ જ પિતા ઘરમાં લાશો વચ્ચે બેસી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને આરોપી બિલ્ડર ધર્મેશ શાહની ધરપકડ કરી જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સનસનાટીભર્યા આ બનાવની વિગત એવી છે કે, બોડકદેવ વિસ્તારમાં ચીફ જસ્ટિસ બંગલો પાસે આવેલા રત્નમ્‌ ટાવરમાં ધર્મેશભાઇ પ્રેમચંદભાઇ શાહ (ઉ.વ. પ૦) પત્ની અમીબહેન, પુત્રી હેલી અને દીક્ષા સાથે રહે છે. ધર્મેશભાઇ વેજલપુર વિસ્તારમાં આવેલા સફલ પ્રિલયુડમાં દીવા ઇન્ફ્રાસ્ટ્રકચરના નામે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન અને સિવિલ એન્જિનીયરીંગનો વ્યવસાય કરે છે. આજે વહેલી સવારે પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે ધર્મેશભાઇએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી પત્ની અમીબહેન(ઉ.વ.૪૮)ને ગોળી મારી હત્યા કરી હતી. પત્નીની હત્યા બાદ રિવોલ્વર લોક થઇ ગઇ હતી, જેથી બીજી રિવોલ્વર વડે તેમણે બાદમાં પુત્રી હેલી(ઉ.વ.૨૨) અને દીક્ષા(ઉ.વ.૧૭)ને પણ ગોળી મારી તે બંનેની પણ હત્યા કરી નાખી હતી. ગોળીનો અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
ખુદ ધર્મેશભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી કે, મેં મારી પત્ની અને બે પુત્રીઓની હત્યા કરી નાખી છે. હત્યાનો મેસેજ મળતાંની સાથે જ વસ્ત્રાપુર પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો રત્નમ્‌ ટાવર પહોંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં એફએસએલના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ત્રણેયની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. પરિવારના મોભીએ જ પોતાની પુત્રીઓ અને પત્નીની હત્યા કરી નાખતાં આસપાસના રહીશોમાં પણ ચકચાર મચી ગઇ હતી. પોલીસે ધર્મેશભાઇ શાહની ધરપકડ બાદ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ધર્મેશભાઇની મોટી પુત્રી હેલીએ આર્કિટેક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોઇ પિતાની સાથે વ્યવસાયમાં જોડાયેલી હતી. દિક્ષાને આગળ વિદેશમાં અભ્યાસ કરવા જવાનું હોવાથી રૂ.૭૦ લાખનો ખર્ચો થવાનો હતો પરંતુ તેની વ્યવસ્થા નહી થતાં પરિવાર ટેન્શનમાં હતો.

Related posts

ધુળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લુ રહેશે

editor

વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ પાર્ટીનું મહામંથન

aapnugujarat

વી.એસ.હોસ્પિટલ બજેટ : પથારીઓને લઇ વિવાદ સામે આવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1