Aapnu Gujarat
ગુજરાત

ખોડલધામ : નરેશ પટેલે રાજીનામું પરત ખેંચ્યાની ચર્ચા

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજીનામાને લઇ છેલ્લા ૨૪ કલાકથી પાટીદાર સમાજ સહિત રાજયભરમાં ભારે અટકળો અને અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે તેવા સમાચાર આવ્યાને હજુ ૨૪ કલાક પણ નથી થયા, ત્યારે નરેશ પટેલને રાજીનામું પરત ખેંચી લેવા મનાઈ લેવાયા હોવાની વાત સામે આવી રહી છે. જોકે, ખુદ નરેશ પટેલે હજુ સુધી ન તો પોતે રાજીનામું આપ્યાની વાતને સમર્થન આપ્યું છે, કે પછી ન તો રાજીનામું પાછું ખેંચવાના અહેવાલોને. ટૂંકમાં, નરેશ પટેલનો સમગ્ર મામલો અને કારણ હજુ સુધી રહસ્યમય બની રહ્યા છે. સૌથી નોંધનીય વાત એ છે કે, ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાને નરેશ પટેલના રાજીનામાં અંગે કોઈ માહિતી નહોતી. ગજેરાએ મીડિયાને જણાવ્યું હતું કે, ન તો તેમને આ અંગે કોઈ જાણ કરવામાં આવી છે કે ન તેમને રાજીનામું મળ્યું છે. એક તબક્કે પરેશ ગજેરાએ જો નરેશ પટેલ ચેરમેનપદેથી રાજીનામુ આપશે તો તેઓ પણ પ્રમુખપદેથી રાજીનામુ આપી દેશે તેવી જાહેરાત કરી હતી. નરેશ પટેલે ખોડલધામમાં ઘૂસી ગયેલા રાજકારણથી કંટાળીને રાજીનામું આપી દીધું હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું હતું. તો, પરેશ ગજેરાએ જ તેમની સાથે દગો કર્યો હોવાના ગંભીર આક્ષેપો પણ ગઇકાલે થયા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીના સમયે ખોડલધામ ટ્રસ્ટની આગવાનીમાં થયેલી ખેંચતાણ અને મતભેદો સપાટી પર આવ્યા હતા. ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રમાં મજબૂત પાટીદાર નેતા મનાતા નરેશ પટેલે રાજીનામું આપ્યાની વાતથી જ ખળભળાટ મચી ગયો હતો. નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહોતી તેમ છતાંય રાજકોટમાં પાટીદાર યુવાનો અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિના યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા, અને તેમણે નરેશ પટેલના સમર્થનમાં, જ્યારે ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર શરુ કરી દીધો હતો.
આ પાટીદાર યુવાનોએ નરેશ પટેલ રાજીનામું પરત ન ખેંચે તો આજે વહેલી સવારથી જ ઉપવાસ પર ઉતરી ગયા હતા. દરમ્યાન હાર્દિક પટેલે પણ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ખોડલધામ કાગવડ પાટીદારોની એકતાનું સ્થાન છે, પરંતુ અમુક ટ્રસ્ટીઓના ભગવાકરણના કારણે નરેશભાઈએ આ પગલું લીધું છે. હાર્દિકે નરેશભાઈ સાથે દગો થયો હોવાનો પણ મત વ્યક્ત કર્યો હતો. દરમ્યાન છેલ્લા ૨૪ કલાકની અટકળો અને અનેક તર્ક વિતર્કો વચ્ચે નરેશ પટેલે પોતાનું રાજીનામુ પાછુ ખેંચી લીધી હોવાની વાત પણ સામે આવી રહી છે. જો કે, આ મામલે પણ કોઇ સત્તાવાર રીતે મીડિયા સામે આવ્યું ન હતું.

Related posts

रथयात्रा रूट पर के २३२ मकान को नोटिस 

aapnugujarat

ફેસબુક પર મોગલ માંઇ અંગે અભદ્ર ટિપ્પણીને લઇ ફરિયાદ

aapnugujarat

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1