Aapnu Gujarat
ગુજરાત

સાણંદ વ્યાજખોર આંતકના મામલામાં પાંચની ધરપકડ

સાણંદમાં તાજેતરમાં જ મુખ્ય બજાર પાસે એક સામાન્ય પરિવારના સભ્યોને ઘરની મહિલાઓની હાજરીમાં બેરહમીથી ફટકારવાના ચકચારભર્યા પ્રકરણમાં ભારે વિવાદ અને દબાણ બાદ આખરે સાણંદ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. વ્યાજની રકમને લઇ જાહેરમાં ધાકધમકી અને લાકડીઓ અને પાઇપોથી સામાન્ય પરિવારને ફટકારનાર વ્યાજખોર શખ્સો પૈકીના એક મુખ્ય આરોપી ભૂપતસિંહ દ્વારા તાજેતરમાં જ એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સન્માન કરાયું હતું અને તેના ફોટા પણ વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો હતો અને છેક સરકાર સુધી આ કેસમાં દબાણ આવ્યું હતું. જેને પગલે સાણંદ પોલીસ હરકતમાં આવી હતી અને આ પ્રકરણમાં આખરે પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. સાણઁંદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય હુમલાખોર શખ્સોને પકડવાની દિશામાં પણ તપાસ જારી રાખી છે. પોલીસે આરોપી વ્યાજખોરો સામે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સાણંદ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં કુલદીપ પરમાર, જયેન્દ્રસિંહ ઉર્ફે ભૂપતસિંહ, રાજેન્દ્રસિંહ વાઘેલા, બળભદ્રસિંહ વાઘેલા અને પૃથ્વીરાજસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય કોઇ શખ્સ હોય તો તેઓને પણ પકડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસ અને બેફામ અત્યાચારની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે પરંતુ શહેર પોલીસ દ્વારા આવા બેફામ અને છાકટા બનેલા વ્યાજખોરો વિરૂધ્ધમાં કોઇ અસરકારક કે આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં નહી આવતાં તેઓ જાણે બેકાબૂ બન્યા છે. સાણંદમાં વ્યાજખોરોના ત્રાસનો આવો જ એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો હતો. જેમાં સાણંદ મુખ્યબજાર ખાતે એક પરિવારે વ્યાજે લીધેલા નાણાં ચૂકવી દીધા હોવાછતાં કેટલાક વ્યાજખોરોએ નાણાં બાકી નીકળતા હોવાનું કહીને લાકડી અને પાઇપો વડે પરિવારના સભ્યોને ઘરમાંથી બહાર ખેંચી લાવી ઢોર માર માર મારવામાં આવતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. લાકડીઓ અને પાઇપોથી ફટકારવાના કારણે પરિવારના સભ્યોને ઇજા પણ પહોંચી હતી. તેઓ વ્યાજખોરોને પગે લાગી સતત વિનંતી કરતા રહ્યા હતા પરંતુ બેખોફ અને પોલીસનો જાણે ડર જ ના હોય તે રીતે વ્યાજખોરો તેમને સતત ફટકારતા જ રહ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વ્યાજખોરોએ પરિવારની મહિલાની હાજરીમાં જ અન્ય સભ્યોને લાકડીઓ અને પાઇપો વડે ફટકાર્યા હતા. સામાન્ય પરિવારના સભ્યો પર હુમલો કરનારા વ્યાજખોરો પૈકીના ભૂપતસિંહે તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું જાહેરમાં સન્માન કરતાં તેના ફોટાને લઇને પણ જોરદાર વિવાદ સર્જાયો હતો અને તેના કારણે સરકાર પર આરોપીઓ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી નહી થતી હોવાનો આક્ષેપ વહેતો થયો હતો, જેને લઇ દબાણ વધતાં આખરે સાણંદ પોલીસ હરકતમાં આવી હતી અને આજે પોલીસે ઉપરોકત પાંચેય આરોપીઓને સાણંદ અને તેની આસપાસના વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. હુમલાનો ભોગ બનનાર પ્રદીપ રાણાએ આપેલી ફરિયાદના આધારે પોલીેસ તમામ આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

ડીસામાં હિન્દુ સગીરાનું મુસ્લિમ યુવકે અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

aapnugujarat

કચ્છના જામકુનરિયામાં તીડનો આતંક!

editor

નિરવ મોદીને કસ્ટમ વિભાગે ઉપસ્થિત રહેવા ફરમાન કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1