Aapnu Gujarat
બ્લોગ

ઠગ અને પિંઢારા હીરો નહીં ગુનેગારોની ટોળકીઓ હતી…..

હાલમાં આમિર ખાન તેની ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને કારણે ચર્ચામાં છે આ પહેલા સલમાન ખાને વીર બનાવી ત્યારે પીંઢારા કોમ અંગે ખાસ્સી ચર્ચા થઇ હતી.જ્યારે દેશ પર અંગ્રેજોનું રાજ હતું ત્યારે આ બંને ગુનેગાર સંગઠનોનો ત્રાસ બહુ વધી ગયો હતો.તેમનો શિકાર પણ સામાન્ય વેપારીઓનો સમુહ અને લોકો જ બનતા હતા.પીંઢારાઓ અંગે જાણીતા ઇતિહાસકાર ગોવિંદ સરદેસાઇએ બહુ વિસ્તારપુર્વક માહિતી આપી હતી.પેંઢાર, પિંડારા તરીકે ઓળખાતા લૂંટારાની જેમ આ ઠગ લોકો પણ એક જાતના લૂંટારા જ હતા. ૧૩મી સદીમાં પણ આ લોકોનો ઉલ્લેખ મળે છે. પીંઢારા કરતા આ ઠગ લોકોનો ઉદ્ભવ વહેલા થયેલો, અને લગભગ ૧૯મી સદી સુધી એમનો ઉપદ્રવ રહેલો. પીંઢારાની જેમ આ લોકોનો સફાયો કરવાનું બહુમાન અંગ્રેજો લઈ જાય છે. પીંઢારાની સાથે સાથે આ લોકોનો પણ એ સમયે સુવર્ણ કાલ ચાલતો હતો. પીંઢારા એક તોફાન, એક બવંડર ની જેમ આવતા, જ્યારે આ ઠગ લોકો એકદમ ગુપચુપ શાંત ધરતીકંપની જેમ વિનાશ વેરી ચાલ્યા જતા.મુસલમાન ઇતિહાસકાર ફીરીસ્થા એ ઈ.સ.૧૬૮૯માં નોંધ્યા મુજબ ઔરંગઝેબના લશ્કરમાં મુસલમાન પઠાણોની અમુક ટુકડીઓ સામાન્ય નાના નાના કામો માટે રાખવામાં આવતી હતી. ખાસ તો ભારતનો દક્ષિણ વિભાગ જીતવા માટે ઔરંગઝેબ નીકળેલો ત્યારે. મુસલમાનો નબળા પડ્યા ને મરાઠાઓ મજબૂત થયા ત્યારે આ ટુકડીઓ મરાઠાઓના લશ્કરમાં કામ કરવા લાગી. છત્રપતિ શિવાજી સુધી તો એમની સેવાઓ લેવામાં આવી નહોતી. પણ પેશ્વા બાલાજી રાવે ગર્દીખાનની રાહબરી નીચે આ લોકોને સેવામાં રાખ્યા. આ લોકોનું કામ યુદ્ધ પત્યા પછી સામી છાવણીઓમાં આતંક ફેલાવવાનું અને લૂંટ ફાટ મચાવી બધું સળગાવી દેવાનું રહેતું. એ હિસાબે પીંડારી એટલે પીંઢારાનો જન્મદાતા ઔરંગઝેબ અને એમનો વિકાસ કરનારા પાલનહાર એટલે મરાઠા.૧૮મીસદી સુધી આ બર્બર, અતિશય ક્રૂર, ભયાનક લુટારાઓ બરુન અને હીરો નામના બે સરદારોની આગેવાની હેઠળ બેરારના રાજા અને ભોપાલના નવાબની સેવા કરતા હતા. આ રાજાઓ અને નવાબોની નિયત પણ ખોરી જ હતી. બરુન બેરારના રાજાની જેલમાં જ મૃત્યુ પામ્યો. ત્યાર પછી કરીમ ખાન, ચિટો, વસિલ ખાન અને દોસ્ત મહમદ નામના સરદારો ઉભા થયા. મોટા ભાગે આ લોકો પઠાણો હતા પણ સ્થાનિક પછાત જાતિઓ પણ આમાં ઉમેરાતી હતી, ખાસ તો આદિવાસીઓ, રોહિલ્લા પણ ખરા. લૂંટારાઓની કોઈ જાત હોતી નથી. નર્મદાનો ખીણ પ્રદેશ આ લોકોનો ગઢ હતો. સિંધિયા, હોલકર, ભોપાલના નવાબ, નાગપુરના ભોંસલે આ બધાં આ લૂંટારાઓની સેવા લેતા. એમને કોઈ ખાસ વેતન નાં મળે. એક બીજાના વિસ્તારમાં જઈ લૂંટ ફાટ કરવાની. ૧૮૦૬માં કરીમ ખાનને સિંધિયાએ કેદ કરેલો ત્યારે એના ભત્રીજા નામદાર ખાને લૂંટફાટ ચાલુ રાખેલી, અને ૬ લાખ રૂપિયા આપી ને કરીમ ખાનને છોડાવેલ. મરાઠાઓ નબળા પડ્યા હતા. એટલે એમનો આ લોકો ઉપરનો કાબુ જતો રહેલો. લશ્કરમાં કોઈ કામ હોય નહિ. પાસે ઘોડો હોય એટલે જેતે સરદારના હાથ નીચે ઘૂસી જવાનું. આ લોકોના ગ્રૂપને દુરાહ અથવા બેન્ડ કહેવામાં આવતું, એનો એક નેતા હોય. હોલકરના પક્ષમાં કામ કરતો હોય તે પીંઢારા હોલકર શાહીને સિંધિયાના પક્ષમાં હોય તે પીંઢારા સિંધિયા શાહી તરીકે ઓળખાતા. ચિટોના હાથ નીચે ૧૦,૦૦૦, કરીમ ખાનના હાથ નીચે ૬૦૦૦, દોસ્ત મહમદના હાથ નીચે ૪૦૦૦ ઘોડા મતલબ માણસો કામ કરતા. હોલકર શાહી હોય તે સિંધિયાના તાબાના ગામોમાં લૂંટ ચલાવતા. એમ બધા એક બીજાના ગામોમાં લૂંટ ચલાવતા. પણ બધા એકના એક.નર્મદા ખીણ પ્રદેશમાં દશેરા ઉપર બધા ભેગાં થાય. બધી ટુકડીઓના સરદારો ભેગાં થઈ નિર્ણય લે અને એક ખાસ નેતા ચૂંટે એને લાભુર કહેવાય. ખાસ તો નીમવારમાં ભેગાં થતા. રેડ પાડવાની, મતલબ ગામ ભાગવાની સ્ટ્રેટેજી તૈયાર થાય. શિયાળામાં યોજના મુજબ જુદી જુદી દિશાઓમાં નક્કી કરેલા ગામો પર હલ્લો બોલાવવાનો. સાત થી આઠ ફૂટ લાંબા ભાલાઓ સાથે ઘોડેસવારો તૂટી પડે. પાછળ સળગાવવાની સામગ્રી સાથે બીજી ટુકડી તૈયાર હોય. સીધા પૈસાદારોના ઘર શોધી કાઢવાના ભયાનક તાંડવ મોતનું શરુ. લૂંટાય તેટલું લૂંટી લેવાનું, સામા થાય એને મારી નાખવાના. સ્ત્રીઓ પર બળાત્કાર કરવાના, અને ટોર્ચરની કોઈ સીમા જ નહિ. ના લઈ જવાય તેવું હોય તેને બાળી નાખવાનું, પાછળથી આખા ગામને સળગાવી દેવાનું. થોડી વાર પછી જુવો તો બધું ઉજ્જડ દેખાય કોઈ માને નહિ કે અહીં કોઈ ગામ હશે. તરતજ બીજે ગામ હલ્લો શરુ. અઠવાડીયાંઓ ઘણી વાર તો મહિનાઓ સુધી અત્યાચાર ચાલે. પછી એમના નર્મદા ખીણ પ્રદેશમાં જતું રહેવાનું. સ્થાનિક વેપારીઓને લૂંટમાં મળેલું ઝવેરાત આપવાનું રોકડી કરવા. આરામથી ખાઈ પીને મોજ કરવાની, ફરી દશેરાએ ભેગાં થવાનું. એમના અત્યાચારોથી બચવા ઘણી સ્ત્રીઓ જાતે આપઘાત કરતી, અને ઘણા ગામ લોકો તો જાતે જ ગામ બાળી ને જંગલોમાં ભાગી જતા. નબળા મરાઠી રાજાઓ કશું કરી શકતા ના હતા. મરો તો પ્રજાનો હતો.ઠગ લોકોનો ઉદ્ભવ વહેલા થયેલો, અને લગભગ ૧૯મી સદી સુધી એમનો ઉપદ્રવ રહેલો. પીંઢારાની જેમ આ લોકોનો સફાયો કરવાનું બહુમાન અંગ્રેજો લઈ જાય છે. પીંઢારાની સાથે સાથે આ લોકોનો પણ એ સમયે સુવર્ણ કાલ ચાલતો હતો. પીંઢારા એક તોફાન, એક બવંડર ની જેમ આવતા, જ્યારે આ ઠગ લોકો એકદમ ગુપચુપ શાંત ધરતીકંપની જેમ વિનાશ વેરી ચાલ્યા જતા.તમે પ્રખ્યાત ગુજરાતી થ્રિલર લેખક હરિકિશન મહેતાની પ્રખ્યાત નવલકથા ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ વાંચી હશે? ઠગ એક ગુનેગાર જાત હતી એને એક ધાર્મિક કલ્ટનું સ્વરૂપ આપી દીધેલું. આ લોકો મહાકાલીના ભક્ત હતા. ઠગ લોકોમાં હિંદુ તથા મુસ્લિમ લોકો પણ હતા તો સાથે સાથે એમાં થોડા શીખ ઠગ પણ નોંધાયેલા છે. ઠગ લોકો ખુબજ હોશિયાર, મક્કમ મનોબળ વાળા, વેશ પરિવર્તનમાં કાબેલ, નૃત્ય અને સંગીત કાળમાં નિષ્ણાત, રાંધણ કળામાં પણ નિષ્ણાત હતા. આ બધું એમને ધંધાના ભાગ રૂપે કોઈ સારા ઠગ ગુરુ પાસેથી શીખવું પડતું.એમની મોડસ ઓપરેન્ડી જોઈએ. કોઈ વેપારી કે કોઈ શ્રીમંત ફેમિલી બીજે ગામ જતું હોય એની ભાળ મેળવી લેવામાં આવતી. એ જમાનામાં વેપાર વણજારો દ્વારા મતલબ કૅરેવાન દ્વારા ચાલતો. કોઈને લગ્ન પ્રસંગે જવું હોય ત્યારે પણ આવી રીતે જ પ્રવાસ કરવો પડતો. ઠગ લોકો ૨૫ કે ૫૦ના જૂથમાં આ વણજાર કે વેપારીની સાથે વેશ બદલી સામેલ થઈ જતા. શરૂઆતમાં કોઈ વિશ્વાસ ના રાખે, પણ જાતજાતની વાર્તા બનાવી એકવાર સાથે થઈ જાય પછી, વિશ્વાસ જીતવાની કળામાં નિષ્ણાત આ લોકોને અંદર ભળી જતા વાર ના લાગતી. વિશ્વાસ જીતવા અને અનુકૂળ મોકાની રાહ જોવાની જબરદસ્ત ધીરજ ધરાવતા, માઇલો સુધી સાથે પ્રવાસ કરતા કોઈને ખ્યાલ ના આવે કે એક દિવસ સત્યાનાશ થવાનો છે. રાતે નાચ ગાન કરતા અને સરસ ખાવાનું બનાવી શિકારને જમાડતા ને ખુશ કરી દેતાં. લગભગ મોટા ભાગે રાતે બધા જમીને આરામ કરતા હોય કે ખરા બપોરે ઝોકું ખાતા હોય ત્યારે મોકો લઈ લેતા. સરદાર કોડવર્ડ બોલતો તમાકુ લાવોને બધા તૈયાર થઈ જતા. વણજારના મજબૂત માણસોની નજદીક એક એક માણસ ગોઠવાઈ જતો. અને બીજા કોડવર્ડની સાથે એકાએક દરેક ઠગના હાથમાં છુપાવેલો પીળા રંગનો રેશમી રૂમાલ આવી જતો ને દરેક શિકારના ગળે સજ્જડ ફાંસો આપી દેવાતો. મજબૂત ઠગના મજબૂત હાથમાંથી છૂટવું મુશ્કેલ. શિકાર મજબૂત હોય એની ખાતરી તો અગાઉથી જોડે રહેતાં જ ખબર પડી જાય. એટલે એવા મજબૂત શિકારનાં પગ પકડી રાખવા એક વધુ માણસ અગાઉથી જ ગોઠવાઈ જતો. બસ પછી કોઈ પ્રતિકાર કરનારું ના રહે એટલે સ્ત્રીઓ અને બાળકો સુધ્ધાને મારી નાંખવામાં આવતા અને મૃતદેહોને કૂવામાં કે જમીનમાં દાટી દેવાતાં. લૂંટનો માલ લઈને પછી ગુમ થઈ જવાનું. આ લોકોની ઠંડી ક્રૂરતા એવી કે રસાલામાંથી કોઈને જીવતો રહેવા દેતાં નહિ. નાના બાળકની દયા પણ આ લોકોને આવતી નહિ.
ઠગ લોકોને ઠગ વિદ્યા મહાકાલી માતાએ શીખવી છે એવું ઠગ લોકો માનતા હતા, અને એમાં માતાના આદેશ મુજબ લોહી વહાવ્યા વગર હત્યાઓ થવી જોઈએ. અને બધી હત્યાઓ માતાજીની બલી રૂપે માનવામાં આવતી. એટલે ઠગ લોકો ગાંઠ મારેલા રૂમાલને ગળે વીંટીને હત્યા કરતા. એમાં બીજો ઠગ શિકારના પગ પકડી રાખતો. રૂમાલ પણ ખાસ ખાખી કલરનો પીળાશ પડતો હોય. પાપ ને ધાર્મિકતાનો રંગ ચડાવી દેવાથી જોયું કેવું પુણ્ય બની ગયું? ધાર્મિક લોકોએ જેટલા પાપ કર્મો કર્યા હશે એટલાં નાસ્તિક લોકોએ નહિ કર્યા હોય. ધાર્મિક લોકોએ જેટલી માનવ હત્યાઓ કરી હશે એટલી નાસ્તિકોએ કદાપિ નહિ કરી હોય.ઈ.સ.૧૭૯૦ થી ૧૮૦૩ સુધીમાં એક જ બેહરામ નામના ઠગે ૯૩૧ કતલ કરેલી છે. રામસિંઘ નામનો એક શીખ ઠગ પીંઢારા સાથે મળીને કામ કરતો હતો. એણે શેખ દુલ્લો નામના પીંઢારાની હત્યા પણ કરેલી. એક સામટી હત્યાઓ કરવા માટે ગજબનું પ્લાનિંગ, પરફેક્ટ ટીમ વર્ક જોઈએ. એ ઠગ લોકો પાસે જન્મજાત હતું. આ લોકો ભયાનક સિરિયલ કીલર્સ હતાં. આ લોકોને હત્યા ના કરે તો ઘણી વાર ચેન ના પડે. એમ આ લોકો માનસિક બીમાર પણ કહેવાય ને આ બીમારી પેઢી દર પેઢી વારસામાં મળતી હતી. ઠગ અને પીંઢારા ભારતના ઇતિહાસનું એક કાળું પાનું, કલંક હતા. સમાજના આ લોકો દુશ્મનો હતા. પીંઢારાનો નાશ કર્યા પછી અંગ્રેજોએ એક માસ્ટર પ્લાન બનાવ્યો. ૧૮૩૫માં વિલિયમ હેનરી સ્લીમેન નામના સિવિલ સર્વિસ મેનને “ઠગ અને ડકૈત” વિભાગ રચીને એના સુપ્રિન્ટેન્ડેન્ટ બનાવ્યો. સ્પેશલ ડેડીકેટેડ પોલીસવાળાઓનો એક ફોર્સ રચ્યો. જાસૂસો રોક્યા. બહુ મોટા પાયે ઝુંબેશ ચલાવી. હજારો ઠગોને જેલમાં નાખ્યા. પકડેલા ઠગોને છોડવાના વચનો આપી જાસૂસ બનાવી વધારે માહિતી કઢાવી અને હજારો ઠગોને ફાંસી લટકાવી દીધા જરાપણ દયા રાખ્યા વગર. ૧૮૩૯મા એજ વિલિયમ હેનરી આ વિભાગના કમિશ્નર બન્યા. ૧૮૭૧માં ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ ઑફ ૧૮૭૧ આવ્યો. ઠગ અને ડકૈત વિભાગ, ભારત સ્વતંત્ર થતા વિખ્યાત સિ.આઈ.ડી. ખાતા તરીકે પરિવર્તીત પામ્યો. લગભગ મોટા ભાગે આ ઠગ કલ્ટ ૧૮૭૦ સુધીમાં લુપ્ત થયો. આ હતા મહાકાલીના ભક્તો, માસ્ટર માઈન્ડેડ, કોલ્ડ બ્લડેડ મર્ડરર. બધા મહાકાલીના ભક્તો ઠગ ના હતા.

Related posts

ઇરાનમાં મોંઘવારી સામે પ્રદર્શન

aapnugujarat

भारत किसी का पिछलग्गू नहीं

editor

વેક્સિન જીવન બચાવી શકે છે પણ સંક્રમણ અટકાવી શકતી નથી

editor

Leave a Comment

UA-96247877-1