Aapnu Gujarat
બ્લોગ

ઇરાનમાં મોંઘવારી સામે પ્રદર્શન

ઇરાનના જુદા જુદા શહેરોમાં વિરોધ પ્રદર્શન થવા લાગ્યા છે. પ્રદર્શનનું કારણ મોંઘવારી અને બેકારી છે. આ સામાન્ય વાત છે. દરેક દેશમાં એક સમયાંતરે વિરોધ પ્રદર્શન થા પણ કેટલાક વિરોધ પ્રદર્શન પાછળ એવા પરિબળો હોય છે કે સત્તા પરિવર્તન થઈ શકે તેથી જ ઇરાનના વિરોધ પ્રદર્શનને અલગ રીતે જોવામાં આવી રહ્યાં છે. ઇરાનમાં અસલી લોકતંત્ર નથી. મુલ્લાંઓનું વર્ચસ્વ વધારે છે. પ્રજાસત્તાકને બદલે ધર્મસત્તાક દેશ વધારે છે. કેટલાક સ્લોગનો મુલ્લાંઓ વિરુદ્ધ બોલાયાં તેનાથી સત્તાધીશો ચોંક્યાં છે.
ભારતમાં અણ્ણાનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચાલ્યું હતું. ધીમે ધીમે તેનો વ્યાપ વધ્યો. કેટલાક રાજકીય પક્ષોએ પાછલા બારણે તેને સમર્થન આપેલું. આંદોલનમાંથી જ કેટલા જુદા પડ્યાં અને રાજકીય પક્ષ બનાવ્યો. આમ આદમી પાર્ટી ઉભી થઈ તેણે દિલ્હીની વિધાનસભામાં સત્તા મેળવીને સૌને ચોંકાવી દીધાં. એ આંદોલનની આડઅસર હેઠળ દિલ્હીની કેન્દ્ર સરકાર પણ બદલાઇ ગઇ. કેટલાક જાણકારો ઇરાનમાં સત્તા પરિવર્તનનો સમય પાકી ગયો છે અને વર્તમાન વિરોધમાંથી ફણગો ફૂટી શકે છે એમ માનવા લાગ્યાં છે.
બીજી બાજુ અમેરિકાએ નિવેદન આપીને ઇરાનની સરકારનો વિરોધ કર્યો છે. નાગરિકોને સરકાર સામે વિરોધ કરવાનો અધિકાર છે તેવું નિવેદન આપ્યું છે. અમેરિકા જગતમાં અસંતોષ ઉભો થયો તેવા દેશોમાં ચંચુપાત કરતું રહે છે. જોકે અમેરિકાનું વલણ દર વખતે એકસરખું નથી હોતું. ઘણીવાર જુલમી શાસકોને અમેરિકાનું સમર્થન મળતું રહ્યું છે. આ વખતે પણ અમેરિકાના વલણના કારણે ઉલટાના ઇરાનના શાસકો મજબૂત થશે તેમ કેટલાકને લાગે છે. અમેરિકા દખલ કરે તેનાથી લોકજુવાળ બદલી શકે છે. લોકોનો રોષ ધાર્મિક નેતાઓ સામે છે તેના બદલે ધર્મની વાત આવશે તો રોષ અમેરિકા તરફ વળશે એમ માનવામાં આવે છે.
ઇરાન સામે અમેરિકા પ્રેરિત આર્થિક પ્રતિબંધો મૂકાયેલા છે. ઇરાનમાં તેના કારણે પણ નારાજી તો છે જ. આર્થિક પ્રતિબંધોના કારણે ઇરાનના અર્થતંત્ર પર અસર થઈ છે. ફુગાવો વધ્યો, મોંઘવારી વધી અને ક્રૂડની કમાણી પર અસર થવાથી નવા ઉદ્યોગોની સ્થાપના ધીમી પડી છે. તેથી બેકારી પણ વધી. આવક ઘટી અને મોંઘવારી વધી. આ અસંતોષથી નાગરિકો એટલા કંટાળ્યા છે કે ડર વિના શહેરોમાં હડતાળો અને દેખાવો થઈ રહ્યાં છે. સરકારે માફકસર કડક વલણ રાખ્યું છે. કેટલાકની ધરપકડ અને થોડાં મોત થયાં છે, પણ સ્થિતિ ગમે ત્યારે સ્ફોટક બની શકે છે.
આવી સ્ફોટક સ્થિતિમાં અમેરિકાના પ્રમુખે સોશ્યલ મીડિયામાં મૂકેલો મેસેજ ભડકાવનારો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે ઇરાનના લોકો પરિવર્તન ઇચ્છે છે. ઇરાનના શાસકો તેના લોકોથી જ ડરે છે. અત્યાચારી શાસન લાંબો સમય ચાલી શકે નહીં અને એ સમય દૂર નથી જ્યારે ઇરાનના લોકોએ પસંદગી કરવાની આવી. ધ વર્લ્ડ ઇચ વોચિંગ!
ટ્રમ્પના સત્તા પરિવર્તનના આવા સ્પષ્ટ ઇશારાથી ઇરાનમાં હલચલ મચી છે. જોકે ટ્રમ્પ વહીવટીતંત્ર માત્ર નિવેદનો કરીને અટકી જશે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા જૂથોને કોઇ સહાય પહોંચાડશે તે સ્પષ્ટ નથી. બીજું ઇરાનનો વિરોધ આંતરિક બાબતોને કારણે વધારે છે. આવા સંજોગોમાં બહારથી ખતરો ઊભો થાય તો વર્તમાન શાસકોને પ્રચારની તક મળી જાય. ઇરાન સામે વિદેશી તાકાતો ઉભી થઈ છે અને દેશને બચાવવા સૌએ એક રહેવું પડશે એ લાઇન ચાલે તો વિરોધ જૂથોની પકડ ઢીલી પડવા લાગે.
ઇરાન અણુશસ્ત્રો વિકસાવે છે તે કારણ આગળ ધરીને અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા છે. તેની નારાજગી ઇરાનના નાગરિકોમાં કંઈક અંશે છે. ઇરાનના નાગરિકો એ પણ જાણે છે કે અમેરિકાની દખલગીરીથી ઉલટાનું નુકસાન થઇ શકે છે. ઇરાક અને કુવૈતના મામલે અમેરિકાએ કરેલી દખલગીરીથી સરવાળે અરબ અને મુસ્લિમ દેશો નારાજ થયા હતા. લિબિયા, ઇજિપ્ત કે સિરિયામાં શાસકો સામે અસંતોષ ઉભો થયો ત્યારે લોકતાંત્રિક દેશ તરીકે અમેરિકાએ નાગરિકોની ભેર કરી હતી. જનતા પર જુલમ ન કરી શકાય તે અમેરિકાની લાઇન બરાબર છે, પણ અમેરિકાના નિવેદનોનો ઉપયોગ શાસકો રાષ્ટ્રભાવના જગાડવા માટે કરી શકતા હોય છે. લિબિયા અને સિરિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ તેમાં ઉલટાની જનતાની હાલત બદતર થઈ હતી તે દાખલો ઇરાનના લોકો સામે છે.
ઇરાનમાં ધર્મસત્તાક વ્યવસ્થા સામે અસંતોષ ઊભો થયો છે તે વાત સાચી છે, પણ ઇરાનના નાગરિકો સંપૂર્ણ લોકતાંત્રિક અને ધર્મની દખલ વિનાના સેક્યુલર (સેક્યુલર અહીં જુદા અર્થમાં છે) શાસન માટે તૈયાર છે ખરા તે એક સવાલ છે.
ઇરાનમાં ૨૦૦૯માં પણ ભારે અસંતોષ ઉભો થયો હતો. તે વખતે મોંઘવારી મુર્દાબાદની સાથે (દેશના પ્રમુખ) રુહાની મુર્દાબાદ, સરમુખ્યતાર મુર્દાબાદ એવા નારા લાગ્યા હતા. તેવા જ નારા ફરી લાગી રહ્યાં છે. ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એવી સ્થિતિનો વિરોધ ત્યારે પણ થયો હતો.
સિરિયા અને પેલેસ્ટાઇનમાં લડતા જૂથોને ઇરાનમાંથી જંગી આર્થિક મદદ જતી હતી. ઇસ્લામના નામે થતી આવી મદદનો પણ વિરોધ જાગ્યો હતો, કેમ કે દેશની આર્થિક સ્થિતિ નબળી હતી. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ સામે લડતા મુસ્લિમને મદદ કરવાને બદલે દેશના મુસ્લિમોનું વિચારો એવી લાગણી ઊભી થઈ છે તેમ ઇરાનને જાણનારા લોકો કહી રહ્યાં છે.
આ વિરોધ વચ્ચે લોકો રઝા પહેવલીને યાદ કરે ત્યારે ઇરાનના વર્તમાન શાસકોએ ચોંકવું પડે. પહેવલી રાજાઓને હટાવીને ધાર્મિક આગેવાનોએ સત્તા હાથમાં લઈ લીધી હતી. આનાથી તો પહેલવી સમ્રાટોનું શાસન સારું હતું – એવા વાક્યો નારાજ નાગરિકોના મોઢે ચડ્યાં છે તે ચેતવણીની નિશાની છે. લાંબો સમય ઇરાનમાં સત્તા પર રહ્યા પછી ધાર્મિક આગેવાનોમાં પણ સડો પેઠો છે. લારીજાની નામના એક ઉદ્યોગપતિ પરિવારની પકડ સત્તાધીશો પર છે તે ઇરાનમાં ખાનગી રહ્યું નથી. હાલમાં સત્તા પર નહીં રહેલા ભૂતપૂર્વ પ્રમુખ મહમુદ અહમદીનેજાદના જૂથ દ્વારા લારીજાની ભાઇઓની ખુલ્લેઆમ ટીકા થઈ રહી છે. ટીકા વધી પડી ત્યારે ઇરાનના સર્વસર્વા આયાતોલ્લા ખમેનાઇએ ટકોર કરવી પડે કે તકવાદી બનીને આ રીતે ટીકાઓ ના કરો. વર્તમાન શાસકો સાથે પણ લારીજાની ભાઇઓનું ગઠબંધન ગોઠવાઈ ગયું છે અને શાસક જૂથમાં પણ બે ભાગલા પડી ગયાં છે. લારીજાની પરિવાર પ્રમુખ રુહાની સાથે છે, જ્યારે હાર્ડલાઇન જૂથ આ ગઠબંધનનો વિરોધ કરી રહ્યું છે.
નેતાઓ અને ઉદ્યોગપતિઓના ગઠબંધન સામે રોષ, સુધારાવાદી સામે હાર્ડલાઇન જૂથોની ખેંચતાણ, મોંઘવારી, બેકારી અને અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ – દેશ અસંતોષથી સળગી ઉઠી એવી સામગ્રી તૈયાર પડી છે. કેવો ભડકો થશે ઇરાનમાં?જ્યારે ઇરાનમાં આ આંદોલન ચાલી રહ્યાં છે ત્યારે ભારતમાં પણ તેની ભૂમિકા બંધાઇ રહી છે આમ તો મોદી સરકાર પોતાની નીતિઓ દ્વારા વિકાસનો રાગ આલાપી રહી છે પણ હકીકત એ છે કે મોંઘવારીમાં ભયંકર વધારો થયો છે.

Related posts

હોલિવુડની એકવીસમી સદીની ઉત્તમ ફિલ્મો

aapnugujarat

આઠવલેએ ભાજપ પર દબાણ ઉભુ કરવા માટે ૧૫ લાખ રૂપિયાની વાત કરી..!!?

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1