Aapnu Gujarat
ગુજરાત

નિરવ સહિતના ડિફોલ્ટર્સના મહાયજ્ઞમાં નામજોગ સ્વાહા

વિશ્વ અધિકાર દિવસની ઉજવણી દરમ્યાન આજે અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખના નેજા હેઠળ જૂની રૂપાલી સિનેમા સામે સરદાર બાગની ફુટપાથ પર જાહેરમાં ગ્રાહક જાગૃતિ મહાયજ્ઞ યોજી તેમાં પ્રજાના પૈસા લૂંટી ફરાર થઇ ગયેલા નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોક્સી જેવા મોટા ડિફોલ્ટર્સના નામજોગ સ્વાહા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેંકડો ગ્રાહકો દ્વારા આવા ડિફોલ્ટર્સની નામજોગ સ્વાહા ગ્રાહક મહાયજ્ઞમાં કરી અનોખી રીતે વિરોધ વ્યકત કરાયો હતો. તો, જન ધન લૂંટ યોજના બનાવનારા આવા ડિફોલ્ટર્સ વિરૂદ્ધ બેનરો દર્શાવી દેખાવો યોજાયા હતા. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા છેલ્લા ૪૦ વર્ષોથી ગ્રાહકોની જાગૃતિ, તેમના હક્ક અને અધિકારોની લડાઇ માટે સતત વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના કાર્યક્રમ દરમ્યાન ગ્રાહકોના હક્કો અને અધિકારોની રક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક લાખ સહીઓ સાથેનું આવેદનપત્ર મોકલવાની જાહેરાત કરાઇ હતી. જેમાં આજે પહેલા જ દિવસે ૩૫૦૦ સહીઓ એકત્ર કરાઇ હતી. તો, આ પ્રસંગે જાગૃત ગ્રાહકોએ વીમાકંપનીઓ, ટુર ઓપરેટરો, બિલ્ડરો સહિત અન્યો સામે ૩૫૦ જેટલી ફરિયાદો આપી હતી. વિશ્વ અધિકાર દિવસની ઉજવણી દરમ્યાન આજે બપોરે ૨-૩૦થી ૩-૩૦ દરમ્યાન જૂની રૂપાલી સિનેમા સામે સરદાર બાગની ફુટપાથ પર ભારત દેશના ૧૨૫ કરોડ અસંગઠિત ગ્રાહકોના હક્કો અને અધિકારોની સુરક્ષા અને સલામતી માટે સરકાર, પ્રશાસન, ગ્રાહક કોર્ટો, રાજકીય પક્ષો અને એનજીઓ સર્વોચ્ચ અગ્રીમતા આપે અને જાગો ગ્રાહક જાગો, સરકારને જગાડોના વિશાળ બેનરો, પ્લેકાર્ડ અને સૂત્રો સાથે જોરદાર પ્રદર્શન અને દેખાવો પણ યોજવામાં આવ્યા હતા. સાથે સાથે આ વખતની અનોખી ઉજવણીમાં ગ્રાહકોની જાગૃતિ માટે ગ્રાહક જાગૃતિ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ અંગે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષાને લઇ કેન્દ્ર સરકાર કે રાજય સરકાર ગંભીર નથી અને તેથી ગ્રાહક સુરક્ષા ધારાના ૩૧ વર્ષો બાદ પણ જીવનના તમામ ક્ષેત્રોમાં ગ્રાહકો છેતરાઇ રહ્યા છે. આ માટે ગ્રાહકોની અજાગૃતતા, ઉદાસીનતા અને ફરિયાદ દાખલ કરવામાં આળસ પણ એટલા જ જવાબદાર છે. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે સરકાર અને સીસ્ટમ પર પ્રહાર કરતાં ઉમેર્યું કે, દેશમાંથી નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, રોટોમેક કંપનીના કોઠારી, વીડિયોકોન, ડાયમંડ કંપનીના હસમુખ શાહ સહિતના મોટા કૌભાંડીઓ બેંકોમાંથી હજારો કરોડોની લોન લઇ વિદેશમાં ફરાર થઇ ગયા છે, તો તેમાંના કેટલાક હવે આ લોનની રકમ ભરપાઇ કરવામાં લાચારી દર્શાવી રહ્યા છે પરંતુ આ પૈસા સરકાર કે બેંકોના નથી પરંતુ દેશની ૧૨૫ કરોડ જનતાની મહેનત-પરસેવાની કમાણી છે. આ માટે કેન્દ્ર સરકાર, તમામ એજન્સીઓ, બેંક મેનેજમેન્ટ, સીએ-ઓડિટરો, સેન્ટ્રલ વિજિલન્સ કમીશન અને પોલીસ સહિતની સમગ્ર સીસ્ટમ અને તંત્ર જવાબદાર છે. વાસ્તવમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકાર, નાણાં મંત્રાલય, આરબીઆઇ અને બેંકો વિરૂદ્ધ સુઓમોટો રિટ દાખલ કરી રૂ.૧૦૦ કરોડથી વધુ રકમની લોન લેનાર તમામ ડિફોલ્ટરો સામે અસરકારક અને સબકસમાન પગલા ભરી તેઓને તાત્કાલિક જેલભેગા કરી દેવા જોઇએ. કેન્દ્ર સરકારે પણ વટહુકમ બહાર પાડી રૂ.એક કરોડથી વધુ લોન લેનાર તમામ ડિફોલ્ટરને ઓછામાં ઓછી દસ વર્ષની જેલની સજા અને પરિવારના સભ્યો સહિતની તમામની નામી-બેનામી મિલકતો જપ્ત કરવાની કાનૂની જોગવાઇ જારી કરવી જોઇએ એમ સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉમેર્યું હતું. વિશ્વ અધિકાર દિવસની આજની ઉજવણી દરમ્યાન સેંકડો ગ્રાહકોએ ભાગ લીધો હતો અને પોતાનો વિરોધ-આક્રોશ વ્યકત કર્યો હતો. સાથે સાથે ગ્રાહકોના હિતમાં તાકીદે નિર્ણયો લેવા સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી.

Related posts

નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડેમના દરવાજા, રિવરબેડ કેનાલ પાવર હાઉસની કામગીરી નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા કેન્દ્રિય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇ

aapnugujarat

અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાનીનો વિજય નિશ્ચિત છે જેથી રાહુલને બીજી બેઠક પરથી ચૂંટણી લડવાની ફરજ પડી છે : ભરત પંડ્યા

aapnugujarat

લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓ સક્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1