Aapnu Gujarat
ગુજરાત

નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડેમના દરવાજા, રિવરબેડ કેનાલ પાવર હાઉસની કામગીરી નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા કેન્દ્રિય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇ

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇએ તેમની દ્વિદિવસીય નર્મદા જિલ્લાની મુલકાત દરમિયાન આજે કેવડીયા કોલોનીમાં સરદાર સરોવર – નર્મદા ડેમ સાઇટની મુલાકાત લઇ, સાધુ ટેકરી પાસે સ્ટેચ્યુ ઓફ યુનીટી, વ્યુ પોઇન્ટ, ડેમ ઉપર મુકાયેલા દરવાજાની કામગીરી નિહાળી તેનાથી અત્યંત પ્રભાવિત થયા હતા અને કામગીરી બદલ સંતોષ વ્યક્ત કરી સૌ કોઇને અભિનંદન આપ્યા હતા. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, નિગમના કેનાલના ડાયરેક્ટરશ્રી સી.વી. નાદપરા, ચીફ એન્જિનીયરશ્રી પી.સી. વ્યાસ, અધિક્ષક ઇજનેરશ્રી આર.જી. કાનુનગો વગેરે પણ શ્રી સાઇની ઉક્ત મુલાકાત દરમિયાન સાથે રહ્યાં હતા.

નર્મદા નિગમના ઇજનેરશ્રીઓ તરફથી આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇને નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ૨૯ પીયરને ૧૨૧.૯૨ મીટરથી ૧૪૪.૫૦ મીટરની ઉંચાઇ સુધી લઇ જવાની મંજૂરીની સાથોસાથ ૩૦ બ્રીજ સ્પાન અને ધનુષ આકારના ૩૦ રેડીયલ ગેટ મૂકવાની અપાયેલી મંજૂરી અન્વયે ડેમના પીયર ઉંચા કરવાની કામગીરી પૂર્ણ કરવાની સાથોસાથ ૩૦ દરવાજા ગોઠવવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હોવાની જાણકારી અપાઇ હતી. નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ આપેલી સમયાવધિ કરતાં ૧૦ મહિના વહેલું આ કામ પૂર્ણ કરાયું છે. રિવરબેડ પાવર હાઉસની મુલાકાત દરમિયાન ૨૦૦ મેગાવોટના ૬ ટર્બાઇન દ્વારા ૧૨૦૦ મેગાવોટ વિજ ઉત્પાદનની કરાતી કામગીરી ઉપરાંત કંટ્રોલ રૂમમાંથી જાપાનીઝ ટેકનોલોજીના ઉપયોગથી સંબંધિત રાજ્યોને વિજ વિતરણની ઓટોમેટીક કામગીરીથી પણ તેઓ અત્યંત પ્રભાવિત થયાં હતા. ઓથોરીટી તરફથી ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળ્યેથી રીવરબેડ પાવર હાઉસ દ્વારા હજીપણ ૪૦ ટકા વધુ વિજ ઉત્પાદન મેળવી શકાશે તેવી જાણકારી શ્રી સાઇને અપાઇ હતી.

કેવડીયામાં સાધુ ટેકરી ખાતે વિશ્વમાં સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના પ્રગતિ હેઠળના કામને નિહાળ્યા બાદ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇએ જણાવ્યું હતું કે, આ સ્થળે ઉભી થનારી અનેકવિધ સુવિધાઓ સહિતની આવી અત્યાધુનિક કામગીરી ખૂબ જ પડકારજનક છે, ત્યારે આ પડકારભરી કામગીરી બદલ રાજ્ય સરકારને અભિનંદન આપવાની સાથેસાથે કામગીરી સાથે જોડાયેલા ઇજનેરોની સેવાઓને તેમણે બિરદાવી હતી.

ડેમના લગાડાયેલા દરવાજાની કામગીરી પણ તેમણે નિહાળી હતી અને આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇ સહિતના મહાનુભાવોએ નર્મદા ડેમમાં નર્મદે – સર્વદેના મંત્ર સાથે શ્રીફળ વધેર્યા હતા. મા-નર્મદા મૈયાના પાવન તટ પરની ગુજરાતની સૌથી શ્રેષ્ઠ કલ્યાણકારી ભૂમિ-નર્મદા ડેમની આ ભૂમિને સત્યમ, શિવમ્, સુંદરમ્ સાથે વર્ણવી ઉમેર્યું હતું કે, બ્રહ્મા-પરમાત્માના રૂપમાં આ કલ્યાણકારી યોજના લોકો માટે ખરેખર આશિર્વાદરૂપ બની છે અને ગુજરાતની આવી શ્રેષ્ઠ-પાવન કલ્યાણકારી ભૂમિની આજની આ મુલાકાત-દર્શનથી પોતે ગૌરવની લાગણી અનુભવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.

ડેમ સાઇટની મુલાકાત અગાઉ રેવા ભવન ગેસ્ટ હાઉસના કોન્ફરન્સ હોલ ખાતે નિગમના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને ઇજનેરશ્રીઓ તરફથી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નર્મદા ડેમ સાઇટની વિવિધ કામગીરીની જાણકારી ઉપરાંત ડેમના અસરગ્રસ્ત ગામોના અસરગ્રસ્ત પરિવારોને સરકારશ્રી તરફથી પુનર્વસન સંદર્ભે અપાયેલા પેકેજ સહિતના અન્ય વિવિધ લાભો અને ઉપલબ્ધ કરાયેલી સુવિધાઓ અંગે પણ જાણકારી અપાઇ હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનીટીના નિર્માણને લગતી શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇ સહિતના મહાનુભાવોએ આજે નર્મદા ડેમ સાઇટની મુલાકાત પહેલાં ગરૂડેશ્વર ખાતે દત્ત મંદિરની મુલાકાત લઇ પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ ડેમ સાઇટની મુલાકાત બાદ શૂલપાણેશ્વર મંદિરની પણ મુલાકાત લઇ પૂજા-અર્ચના કરી આરતીનો લાભ લીધો હતો.

આજે આયોગના અધ્યક્ષ શ્રી નંદકુમાર સાઇ કેવડીયા કોલોનીના રેવા ભવન ગેસ્ટ હાઉસ ખાતે આવી પહોંચતા નર્મદા નિગમ તરફથી શ્રી સાઇ સહિતના મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતુ.

Related posts

સ્વાઇન ફ્લુ લીધે મહિલાનું મોત થતાં ભારે સનસનાટી

aapnugujarat

કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટેના ઉમેદવારોના માપદંડો દૂર

aapnugujarat

રેતી ખનન ના પાપે 10 વર્ષના બાળક નું મોત રેતી ખનનના ખાડામાં ડૂબી જતા મોત થયું.

editor

Leave a Comment

UA-96247877-1