Aapnu Gujarat
બ્લોગ

પરીક્ષાની પુરબહાર મોસમમાં વાલીઓએ સમજવાની વાત

પરીક્ષાની આ પૂરબહાર ખીલેલી મોસમમાં વિદ્યાર્થી, વાલી અને સમાજે જોવા, જાણવા અને ચેતવા જેવી અનેક બાબતો ઊભી થઈ છે. અબ્રાહમ લિંકને એક વાલી તરીકે પોતાના બાળકના શિક્ષકને એક પત્ર લખ્યો હતો જે ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો. આજે ૨૧મી સદીમાં અબ્રાહમ લિંકન વિદ્યાર્થી તરીકે હાજર હોત તો જરૂર વિદ્યાર્થીઓને લઈને જગતના દરેક વાલીઓને એક પત્ર લખ્યો હોત. વાલીઓનું વિદ્યાર્થીઓ પરનું દબાણ એટલું બધું વધી ગયું છે કે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા કરતાં માતા-પિતાને આપેલા વચનની વધારે ચિંતા હોય છે. વાત સમજવા જેવી છે. એક બાજુ પરીક્ષાનું ટેન્શન અને બીજી બાજુ માતા-પિતાની અપેક્ષા પૂરી કરવાનું ટેન્શન.. વિદ્યાર્થી ક્યાંથી વાંચી શકે ? તેને પુસ્તકના અક્ષરોમાં પણ તેના મગજમાં ભરાયેલી અપેક્ષા જ વંચાય કે નહિ ?આમાં વાંક થોડો માતા-પિતા સહિત આખેઆખી શિક્ષણપ્રણાલીનો પણ ખરો. આપણે ત્યાં માર્ક્સનું વધારે મહત્ત્વ છે. આપણી પરીક્ષાપદ્ધતિઓ જ એવી છે કે જ્યાં ગોખણિયું અને પુસ્તકિયું જ્ઞાન જ સફળતા અપાવે છે. એમાંય વળી બધાના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાની અસર વિદ્યાર્થીની કારકિર્દી પર ખૂબ જ મોટી થાય છે, માટે પુત્ર કે પુત્રી બોર્ડમાં હોય એટલે વિદ્યાર્થી કરતાં માતા-પિતા આ પરીક્ષાને વધુ મહત્ત્વ આપતાં થઈ ગયાં છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાને ખૂબ ગંભીરતાથી લે છે જે ખરાબ વાત નથી. વાલીઓની આ જાગૃતિ કહી શકાય, પણ જાગૃતિના નામે વિદ્યાર્થી પર જે અપેક્ષા-ઉપેક્ષાનું વજન મૂકવામાં આવે છે તેની ચિંતા આપણે કરવી જોઈએ. પરીક્ષા આવે એટલે એવું જ લાગે કે પરીક્ષા વાલીઓની છે કે વિદ્યાર્થીઓની ! તમે જોયું હશે કે ૧થી ૭ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકની વિગત વિદ્યાર્થી કરતાં તેની મમ્મીને વધુ સારી રીતે ખબર હશે! વિદ્યાર્થીને પરીક્ષાની રીત કઈ છે તે ખબર નહીં હોય પણ તેનાં માતા-પિતાને આજે જરૂર ખબર હશે!નવી પેન, નવો કંપાસ, નવું પેડ, નવાં પુસ્તકો, અલગ રૂમ… શું આ બધાંથી જ વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થતો હોય છે. ના ! આખી રાત તેની દેખરેખ રાખો, ચા-કાફીના થર્મોસ ભરીને બાજુમાં મૂકી દો… આ બધું તો ઠીક કહેવાય. ખરી જરૂર તો તેને હિંમત આપવાની છે. પરીક્ષામાં જ્યારે વિદ્યાર્થીને ન આવડતું હોય ત્યારે તે ખરા અર્થમાં કટોકટીમાં ફસાઈ ગયો હોય છે. એક તરફ પાસ થવાનું ટેન્શન, જીવનમાં આગળ વધવાનું ટેન્શન અને બીજી બાજુ નાપાસ થાય તો ઘરે બધાં શું કહેશે, ઘરે મોં કોને અને કેમ બતાવવું તેનુંય ટેન્શન. આવા સમયે વિદ્યાર્થીને માત્ર અને માત્ર હિંમત આપવાની જરૂર છે.આખી રાતના ઉજાગરા પછી સવારે પેપર આપવા જવાનું અને પેપર આપીને બહાર નીકળે એટલે તરત પેપર કેવું ગયું ? આ પ્રશ્ર્‌નનો મારો સહન કરવાનો ! જો પેપર સારું ગયું હોય તો કંઈ વાંધો નહિ, બધાં ખુશ, પેપર ખરાબ ગયું હોય અને ડરનો માર્યો વિદ્યાર્થી ખોટું બોલે કે પેપર સારું ગયું છે તો વિદ્યાર્થી સિવાય બધાં ખુશ અને જો હિંમત કરીને વિદ્યાર્થી સાચું કહી દે કે પપ્પા-મમ્મી પેપર ખરાબ ગયું છે તો બસ ! પત્યું ! જે સમયે વિદ્યાર્થીને સૌથી વધુ પ્રોત્સાહિત કરવાની જરૂર હોય તેવા સમયે આપણે તેનું મોરલ જ તોડી નાખીએ છીએ. શું એમ ન કહેવાય કે જાણે એક પેપર ખરાબ ગયું હજુ બીજાં ઘણાં પેપર બાકી છે, તે સારાં જશે, જે થયું તેનો વિચાર કરવાની જગ્યાએ હવે જે થવાનું છે તેનો વિચાર કર. આ પ્રોત્સાહનથી જ વિદ્યાર્થીમાં બીજા પેપરમાં મહેનત કરવાની શક્તિ મળશે.પરીક્ષા આવે એટલે રમવાનું બંધ, ટીવી જોવાનું બંધ, મનોરંજન બંધ… બસ માત્ર વાંચવાનું. શું આ યોગ્ય કહેવાય? મનોચિકિત્સકો પણ વાંચવાની સાથે સાથે થોડો રેસ્ટ અને મનોરંજન કરી લેવાનું કહે છે, પણ સમજે એ બીજા ! અરે કેટલાક વાલીઓ તો જાહેરમાં કહેતાં ફરે છે કે અમારો છોકરો / છોકરી તો બોર્ડમાં છે, એટલે અમે ટીવી બંધ કરી દીધું છે, કૅબલ કનેક્શન કઢાવી નાખ્યું છે. શું તમારા બોર્ડમાં ભણતાં છોકરા / છોકરીમાં એટલી સેન્સ નથી કે પરીક્ષા વખતે શું કરવાનું ? શું આ બધું કરવાની જરૂર માતા-પિતાને પડે ખરી !
આટલું ભણ્યા પછી શું જોવું ?, શું ન જોવું ?, પરીક્ષા વખતે શું કરવું?, એની ખબર ન પડતી હોય તો આટલાં વર્ષનું ભણતર શું કામનું? પણ હકીકત તો મા-બાપ સંતાનોને સમજવામાં જ ભૂલ કરી બેસતાં હોય છે. પહેલાં આપણે આપણા સંતાનોને સમજવાની જરૂર છે. તેના પર વિશ્ર્‌વાસ તો મૂકી જુઓ.તમે જોયું હશે કે પરીક્ષા આવે એટલે ટીવી સમાચાર પત્રોમાં રીતસરનો પરીક્ષાલક્ષી માહોલ ઊભો થઈ જાય છે. પરીક્ષાલક્ષી પેન, યાદશક્તિ વધારવાની દવા… જેવી પ્રૉડક્ટનો જાહેરાત આપી મારો શરૂ થઈ જાય છે. મા-બાપ (પેરેન્ટ્‌સ) પાછાં જાહેરાતનું સાચું માની જે-તે વસ્તુ ખરીદીને પોતાના પુત્ર/પુત્રીને આપી પણ દે છે. શું યાદશક્તિની દવા ચાર દિવસ પીવાથી વિદ્યાર્થી પાસ થઈ જશે ?! ના ! આખું વર્ષ મહેનત કરી હશે તો જ તે પાસ થશે ને ! આ આપણે સૌ જાણીએ છીએ પણ તેમ છતાં યાદશક્તિની દવાનો અતિરેકભર્યો ડૉઝ આપણે આપતાં અચકાતાં નથી.ગીતામાં ‘કર્મ’નો સિદ્ધાંત લખ્યો છે. કર્મથી જ સફળ થઈ શકશો, પણ તેમ છતાં આપણા સૌમાં એક માનસિક રોગ ઘૂસી ગયો છે. એ રોગ છે કર્મ કર્યા વિના કંઈક મેળવી લેવાનો. પરીક્ષા આવે એટલે અંધશ્રદ્ધા ફેલાવતી જાહેરખબરોનો રીતસરનો મારો ટીવી/પ્રિન્ટ મીડિયામાં શરૂ થઈ જાય છે. કયા રંગનાં કપડાં પહેરવાથી ?, શું ખાઈને જવાથી ?, કયા મંત્રનો જાપ કરવાથી પરીક્ષામાં સફળ થવાશે ?, તે બધું આપણે સહજતાથી સ્વીકારી લઈએ છીએ. અરે ભાઈ! પરીક્ષા છે તો વાંચો, મનન કરો, લક્ષ્ય પર એકાગ્રતાથી કામ કરો. બસ ! શું લાલ રંગનો શર્ટ પહેરવાથી પાસ થઈ જવાશે ?! શું આખું વર્ષ વાંચ્યું ન હોય અને માત્ર એક મંત્રનો જાપ કરી પરીક્ષા આપવા જવાથી સફળ થવાશે? પણ આપણે આ સીધી વાત સમજતા નથી. મંત્રનો જાપ કરવામાં જેટલો સમય જાય તેટલો સમય જો વિદ્યાર્થી થોડું વાંચી લે તો તેને વાંચેલું જરૂર કામ લાગશે. વાત માત્ર કર્મની છે. વાંચશો તો લખી શકશો અને લખશો તો પાસ થશો. બસ આટલું જ સમજવા જેવું છે.હમણાં થોડા વરસોથી એક ટ્રેન્ડ વધારે ફૂલ્યોફાલ્યો છે. પોતાના સમાજમાં વિદ્યાર્થીઓને ઇનામ આપવાનો અને રૅન્ક આપવાનો. એ ઉપરાંત પણ જુદાં-જુદાં જ્ઞાતિમંડળો વર્ષભર પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબૂક – પેન – દફતર – કંપાસ જેવાં સાધનો ફ્રી અથવા સાવ સસ્તામાં વિતરિત કરતાં હોય છે. રિઝલ્ટ બાદ જે તે સમાજમાં અવ્વલ આવેલા વિદ્યાર્થીઓને મૅડલ, સર્ટિફિકેટ કે રોકડ પણ અપાય છે, પણ સમાજે અને જ્ઞાતિમંડળોએ નોટબૂક, ઇનામ વગેરેથી ઉપર ઊઠીને વિચારવાની જરૂર છે.
વિદ્યાર્થીની પરીક્ષા આવે ત્યાં સુધી વિદ્યાર્થીને મૉરલ સપોર્ટ મળી રહે તેવી પ્રવૃત્તિઓ શરૂ કરવી જરૂરી છે. પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવેલ એકાદ વિદ્યાર્થીને ઇનામ / મૅડલ આપવું તો બહુ સામાન્ય વાત છે, પરંતુ સમાજના એકે એક વિદ્યાર્થીનો સરખો જ ગ્રૉથ થાય તે માટે કંઈક નવાં પગલાં ભરવાનો સમય આવી ગયો છે.વિદ્યાર્થીને ‘શુભેચ્છા’ પાઠવવાનો અને ‘બેસ્ટ ઑફ લક’ કહેવાનો અજબનો ટ્રેન્ડ આજકાલ વધી ગયો છે. કોઈનો ફોન આવે એટલે પેલો વાંચતો વાંચતો આવે અને શુભેચ્છા સાંભળે. મોટા ભાગનાં સગાં-સંબંધીનો ફોન આવે એટલે તેનો આખો દિવસ ‘થૅન્ક્‌્યુ’ કહેવામાં જ જાય. વાંચવા કરતાં લોકોની શુભેચ્છા સાંભળવામાં વિદ્યાર્થીનો વધુ સમય જઈ રહ્યો છે. નાના ઘરમાં રહેતાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓને વળી વધુ તકલીફ છે. એક રૂમ – રસોડામાં ઘરમાં પેલો વાંચે કે લોકોની શુભેચ્છા સાંભળે તેની ખબર જ ન પડે.આપણે બાળકની પોતાની મૌલિકતાને ખીલવા જ દેતાં નથી. પરીક્ષા અને સફળતાનો હાઉ ઘર અને મનમાં પેદા કરવાને બદલે આનંદની હળવી પળો તમે ક્યારેય માણી છે ? પરીક્ષાનો હાઉ ખતમ કરવા તેની સાથે ચર્ચા કરી છે ? તેમને કદી વાર્તા સંભળાવી છે? તેનો ઇન્ટરવ્યૂ લેવાની જગ્યાએ કોઈ અદ્ભુત ફિલ્મની વાત તેની સાથે કરી છે ? ફિલ્મ સાથે જોવા ગયા છો ? પરીક્ષા જ બધું નથી એવી વાત તમે તેના મનમાં બેસાડી દેવામાં સફળ થયા છો? સલાહ આપવાની જગ્યાએ તેને હૂંફ આપવાની કોશિશ કરી છે ? આ બધું કરી જુઓ… તમારો દીકરો / દીકરી જીવનની કોઈ પરીક્ષામાં નાપાસ નહિ થાય.અર્થમાં ‘પરીક્ષા’ બાબતે વાલીની આંખ સામેનું અયોગ્ય આવરણ દૂર કરે તેવી આશા છે.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ગાંધીજી તથા સરદારનો સંયુક્ત નિર્ણય

aapnugujarat

કર્ણાટકમાં ભાજપને ઝળહળતી સફળતા

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1