Aapnu Gujarat
ગુજરાત

૪૭ કરોડથી વધુ ચો.મી. ગૌચર જમીનો ઉપર ગેરકાયદે દબાણ

ગાયને લઇ ચિંતાની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારના રાજમાં ગૌચરની જમીનો ધીરે ધીરે ગાયબ થતી જાય છે તો, રાજયની કરોડો ચોરસ મીટર ગૌચરની જમીનો પર ગેરકાયદે અને અનઅધિકૃત દબાણો થઇ ગયા છે, જેને દૂર કરવામાં સરકારી તંત્ર અને સત્તાવાળાઓ નિષ્ફળ અને પાંગળા સાબિત થયા છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજયમાં ગૌચરની જમીનો પરના દબાણને લઇ પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ખુદ ભાજપ સરકાર દ્વારા એ વાતનો સ્વીકાર કરાયો હતો કે, રાજયના ૩૧ જિલ્લાઓમાં કુલ ૪૭ કરોડ, ૨૫ લાખ, ૯ હજાર, ૨૦૩ ચોરસમીટર(૪૭૨૫.૯૨.૦૩ હેકટર) ગૌચર જમીન પર વર્ષોથી અનઅધિકૃત દબાણો થયેલા છે. સરકારના આ સ્વીકાર બાદ વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રસના સભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. બીજીબાજુ, ગૌચરની જમીનો ગાયબ થઇ રહી હોવાના અને તેની પર આટલા મોટાપાયે અનઅધિકૃત દબાણો થઇ ગયા હોવાની સામે આવેલી વાતને લઇ રાજયભરમાં ખાસ કરીને માલધારી સમાજમાં જબરદસ્ત ખળભળાટ મચી જવા પામ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ગૌચરની જમીનો પર જે દબાણો થયા છે તેમાં ખેતીના અનએ ધાર્મિક સ્થાનોના દબાણોનો પણ સમાવેશ થાય છે. રાજયના સૌથી સંવેદનશીલ અને આરક્ષિત એવા ગીર અભયારણ્યમાં ૫૭.૫૩૫૮ હેકટર વિસ્તારમાં ત્રણ દાયકાઓથી અનઅધિકૃત દબાણો થયેલા છે. જેમાં ૫૬.૧૭૫૭ હેકટર જમીન પર ખેતીના દબાણો અને ૧.૩૬.૦૧ હેકટર જમીન પર ધાર્મિક સ્થાનોના દબાણો હોવાની વાત સામે આવી છે. ત્રણ-ત્રણ દાયકાઓ બાદ પણ સરકારી તંત્ર કે સ્થાનિક સત્તાવાળાઓ આ દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહ્યા હોવાની વાત પણ સામે આવી હતી. ગુજરાત વિધાનસભા ગૃહની આજની કાર્યવાહી દરમ્યાન આજે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજયના પંચાયત મંત્રીને ગૌચરની જમીનો પરના દબાણને લઇ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના પ્રત્યુત્તરમાં સરકાર તરફથી સ્વીકાર કરાયો હતો કે, રાજયના ૩૧ જિલ્લાઓમાં કુલ ૪૭ કરોડ, ૨૫ લાખ, ૯ હજાર, ૨૦૩ ચોરસમીટર(૪૭૨૫.૯૨.૦૩ હેકટર) ગૌચર જમીન પર વર્ષોથી અનઅધિકૃત દબાણો થયેલા છે. દરમ્યાન વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાને લઇ પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજયના વનમંત્રી ગણપત વસાવાએ ભ્રષ્ટાચારની વાત કબૂલી હતી પરંતુ સાથે સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા વન અધિકારીઓ સહિતના કસૂરવારો સામે પગલા લેવાયા હોવાની જાહેરાત પણ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, મનરેગામાં બે કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર થયો હતો અને તેનો તપાસ રિપોર્ટ બે વર્ષ બાદ પણ આવ્યો ન હતો. આ કૌભાંડમાં નાના માણસો સામે કેસ થયા પરંતુ મોટા અધિકારીઓ કે કસૂરવારો સામે કોઇ પગલા લેવાયા નથી. તેમણે એવી દહેશત વ્યકત કરી હતી કે, જો આ કસૂરવારો સામે તાકીદે પગલા નહી લેવાય તો તેઓ પણ વિદેશ ભાગી જશે. જેથી વનમંત્રી ગણપત વસાવાએ પ્રત્યુત્તર વાળતાં જણાવ્યું કે, સરકાર આ મામલામાં જે કોઇ કસૂરવાર હશે, તેને છોડવાની નથી. ધરોઇ રેન્જમાં મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરીમાં ગેરરીતિ સામે આવતાં સરકારે ત્રણ ફોરેસ્ટ ઓફિસરને સસ્પેન્ડ કર્યા હતા અને કલાસ વન અને કલાસ ટુના અધિકારીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહી કરી છે. એટલું જ નહી, આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરાઇ છે.

Related posts

સદનપુર ગામમાં પરિણીતાએ આપઘાત કર્યો

editor

રાજ્યના ૯૬ તાલુકાના ૨૬ લાખ ખેડુતોને સહાય મળશે

aapnugujarat

બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ સાત યુવક-યુવતી ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1