Aapnu Gujarat
ગુજરાત

દિગ્વિજય લાયન્સ ફાઉ. દ્વારા અદ્યતન સંકુલનું લોકાર્પણ થશે

આજે માણસ જયારે પૈસા અને વૈભવી સુખો મેળવવાની આંધળી દોટમાં સંબંધો અને માનવતા કોરાણે મૂકી રહ્યા છે ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલ સામે આવેલ દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ(કેન્સર અને કિડનીના) અને તેમના સગાવ્હાલાના રોકાણની વ્યવસ્થા માટે પંદર માળનું અદ્યતન સંકુલ તૈયાર થઇ રહ્યું છે, જેમાં ઓકિસજન પાઇપલાઇન, એસી સહિતની સુવિધાયુકત ૧૫૫થી વધુ રૂમો હશે. સૌથી આશ્ચર્ય અને રાહતની વાત એ છે કે, આ સુવિધાયુકત રૂમોનું ભાડા પેટે માત્ર રૂ.૧૫૦થી રૂ.૨૫૦ જેટલુ નજીવુ વસૂલવામાં આવશે. રૂ. દસ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા આ ભગીરથ સેવા કાર્યમાં હજુ અઢી કરોડ રૂપિયાની ખેંચ વર્તાતા દિગ્વિજય લાયન્સ કલબના ટ્રસ્ટીઓએ અમદાવાદ સહિત રાજયભરના દાતાઓને આ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના આ ઉમદા સેવા કાર્યમાં ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે આશીર્વાદ સમાન એવું દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આ સંકુલ એપ્રિલ મહિનાના મધ્યમાં લોકાપર્ણ કરાશે. આજે નવા સંકુલ-સેનેટોરીયમ પ્રોજેક્‌ટ સંબંધી કાર્યક્રમમાં રાજયના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલ, રાજયના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજયના મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલ અને પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી દ્વારા આ ભગીરથ સેવા કાર્યમાં ઉદાર હાથે દાન આપનાર દાતાઓને ભારે આદર સાથે સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિરંજનભાઇ જાની અને એકટીંગ ચેરમેન લલિત સંઘવી અને મેનેજીંગ ડિરેકટર સી.આર.દલાલે જણાવ્યું હતું કે, દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન વર્ષોથી માનવસેવાના કાર્યોમાં અગ્રેસર છે અને સને ૧૯૭૩થી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા આવતા દર્દીઓના સગાવ્હાલા અને પરિવારજનોને સિવિલના ગેટ નં-૩ની સામે લાયન્સ કલબ ઓફ દિગ્વિજયનગર દ્વારા સ્પોન્સર્ડ દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના વર્ષો જૂના સંકુલમાં માત્ર રૂ.૨૦ના ક્ષુલ્લક દરે રહેઠાણ અને ભોજનની સુવિધા પૂરી પાડતું આવ્યું છે. જો કે, હવે કિડની અને કેન્સરના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થતાં દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ.દસ કરોડના ખર્ચે નવા સંકુલના સેવાકાર્યનો ભગીરથ પ્રોજેકટ હાથ ધર્યો છે, જેનુ નિર્માણકાર્ય પૂર્ણતાના આરે છે. નવા સંકુલમાં ૧૫૫થી વધુ રૂમોની સેવા હશે, જે ઓકિસજન પાઇપલાઇન, એસી સહિતની સુવિધાથી સજ્જ હશે. અગાઉ સંકુલમાં દર્દીઓને રહેવા માટેની સુવિધા ન હતી પરંતુ કિડની અને કેન્સરના દર્દીઓને તકલીફ ના પડે તે હેતુથી તેમને હવે નવા સંકુલમાં રોકાવાની અને તેમની સાથે સાથે તેમના સગાવ્હાલા અને પરિવારજનોને રોકાણની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. જો કે, આ સેવાયજ્ઞમાં હવે દાનની જરૂરિયાત ઉભી થઇ છે, તેથી શહેર સહિત રાજયભરના દાતાઓને અમારી આ સેવાકાર્યમાં જોડાવા માટે અનુરોધ કરીએ છીએ અને ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કરીએ છીએ. કારણ કે, આ ગરીબ અને જરૂરિયામંદ દર્દીઓ અને તેમના પરિવારજનો-સગા વ્હાલાઓની સેવા કરવાની વાત છે. કિડની અને કેન્સરના દર્દીઓની હાલત સૌથી કફોડી અને દયનીય હોય છે. તેઓ શરીરના દર્દી અને પીડાની સાથે લડત લડતા તેમના પરિવારજનો આર્થિકરીતે પાયમાલ થઇ ગયા હોય છે ત્યારે આપણા તરફથી માનવતાની હુંફ આપવી એ જ સાચો માનવધર્મ ગણાશે. આજના કાર્યક્રમ દરમ્યાન ગેસ્ટ ઓફ ઓનર લાયન સુભાષ દાસાની(પીજીપી), પિયુષ દેસાઇ (ચેરમેન-વાઘબકરી ટી), ખજાનચી રાજેન્દ્ર લાલવાણી, નંદલાલ જ્ઞાતિ, ઇન્દિરાબહેન રાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વજિરિયા જંગલના કાકડિયા ગામે ટાઇગર સફારી બનશે

aapnugujarat

રામપરાથી ગોરખમઢીના બિસ્માર રસ્તા,તંત્રના આંખ આડા કાન

editor

ભાજપા પ્રદેશ અધ્યક્ષ વાઘાણીની અધ્યક્ષતામાં ‘‘શ્રી કમલમ્’’ ખાતે સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત વિવિધ સહકારી ક્ષેત્રોના આગેવાનોની બેઠક યોજાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1