Aapnu Gujarat
બ્લોગ

પુર્વોત્તરમાં કોંગ્રેસની પીછેહટ,કેસરિયાની બોલબાલા

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા આ ત્રણેય રાજ્યોમાં ભાજપે પગ પેસારા કરવા માટે ખુબ મહેનત કરી હતી, અને તેનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ અને ગઠબંધનને બહુમતી મળી છે અને આ બે રાજ્યોમાં ભાજપ ગઠબંધનની સરકાર રચાશે, જ્યારે મેઘાલયમાં કોંગ્રેસ તરફી મતદારોનો ઝોક રહ્યો છે તેમ છતાં ભાજપે જાહેર કર્યું છે તેઓ મેઘાલયમાં સરકાર રચવાનો દાવો કરશે.ત્રિપુરામાં ભાજપને ૪૩ બેઠક મળી છે, જ્યારે ડાબેરીઓને ૧૬ બેઠક મળી છે. કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. અગાઉ ૨૦૧૩માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી, ત્યારે ત્રિપુરામાં ડાબેરીઓ ૪૯ બેઠકો પર વિજયી થયા હતા, કોંગ્રેસને ૧૦ બેઠક મળી હતી, અને ભાજપને એક પણ બેઠક મળી નથી. આમ ભાજપે ૨૫ વર્ષ જુનું ડાબેરીઓનું શાસન ઉખેડી નાંખ્યું છે. ભાજપને ૩૬ બેઠક મળી, અને તેમનો સાથી પક્ષ ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા સાથે મળીને કુલ ૪૩ બેઠકો પર જીત મેળવી છે. મેઘાલયમાં કોંગ્રેસને ૨૧ બેઠકો પર જીત મળી છે. ભાજપ ૨ બેઠકો અને અન્ય ૧૭ બેઠકો પર વિજય થયા છે. કોંગ્રેસ મોટા પક્ષ તરીકે ઉભરીને આવ્યો છે. તે બીજી વખત સરકાર રચવાનો દાવો કરશે. ૨૦૧૩માં થયેલી ચૂંટણી વખતે કોંગ્રેસને ૨૮ બેઠકો પર જીત મળી હતી, અને એનપીપીને ૨ બેઠક પર જીત મળી હતી. ૨૦૧૮ની ચૂંટણીમાં યુડીપીને ૮ અને અન્યને ૯ બેઠક મળી છે, નવી સરકાર રચવા માટે આ બે ખુબ મહત્વના પુરવાર થશે.નાગાલેન્ડમાં ભાજપને ૨૯ બેઠકો અને એનપીએફને ૨૯ બેઠકો મળી છે. કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નથી, અન્યને ૨ બેઠકો મળી છે. ૨૦૧૩ના પરિણામ પર એક નજર કરીએ તો ભાજપને ૩૮ બેઠકો, એનપીએફને ૧ બેઠક અને કોંગ્રેસને ૮ બેઠક મળી હતી. ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ૬૦ બેઠકોની વિધાનસભામાં ભાજપ અને ગઠબંધન સાથેના પક્ષને ૨૯ બેઠકો અને એનડીપીપીને ૨૯ બેઠકો મળી છે, હવે આમાં અન્યની બે બેઠકો મહત્વની પુરવાર થશે. પણ નાગાલેન્ડમાં ભાજપ અને સાથી પક્ષની સરકાર બનશે.ત્રિપુરામાં છેલ્લા ૨૫ વર્ષના ડાબેરીઓના શાશનનો અંત આવ્યો છે. ત્રિપુરામાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું ખાતું પણ નહોતી ખોલી શકી, પરંતુ આ વખતે રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. આ વખતે ભાજપે પોતાની જીતનો ભગવો લહેરાવ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ત્રિપુરામાં ભાજપની ઐતિહાસિક સફળતાનો શ્રેય વડાપ્રધાન મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના કાર્યકર્તાઓને આપ્યો છે. ત્રિપુરામાં ભાજપની જીત પાછળ અન્ય એક વ્યક્તિનો પણ મહત્વનો ફાળો છે અને તે છે ત્રિપુરામાં ભાજપના નેતા સુનીલ દેવધર. જન્મથી મરાઠી સુનીલ દેવધરે છેલ્લા પાંચ વર્ષોમાં પૂર્વોત્તર રાજ્યોમાં પાર્ટીનો એવો પ્રચાર કર્યો છે કે ત્રિપુરામાં પણ ભાજપે વિરોધીઓને મ્હાત આપી દીધી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન સુનીલ દેવધરને વારાણસી પણ મોકલ્યાં હતાં.પ્રાપ્ત માહિતી અનુસાર સુનીલ દેવધરે પૂર્વોત્તર રાજ્યોમાં લોકો સાથે સારી રીતે જોડાવા માટે તેમની ભાષા શીખી. તેમણે બૂથ સ્તર પર જઈને સારૂ કામ કરી બતાવ્યું. તેઓ મેઘાલયના ખાસી ને ગારો જનજાતિના લોકો સાથે તેમની જ રીતે વાત કરવા લાગ્યા અને સાથે જ તેમણે બાંગ્લા ભાષા પણ શીખી લીધી. આ પ્રકારે તેઓએ સ્થાનિક લોકો સાથે તેમની જ ભાષામાં વાત કરીને પ્રભુત્વ મજબૂત બનાવ્યું. સુનીલ દેવધરે મીડિયા સાથે કરેલી વાતમાં જણાવ્યું હતું કે બૂથ સ્તર પર મેં કામ કર્યું છે અને ત્રિપુરામાં વામ દળો, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ દળોમાંથી લોકોને બીજેપીમાં જોડવાની શરૂઆત કરી.તેમણે જણાવ્યું કે અહીંયા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહ્યા છે અને નારાજ થયેલા માર્ક્સવાદી નેતાઓને પણ પાર્ટી સાથે જોડવાની તક મળી. આમ સમય જતા ભાજપનો વ્યાપ વધતો ગયો અને પાર્ટી વધારે મજબૂત બનતી ગઈ. વિધાનસભા ચૂંટણી પહેલા વામદળો, કોંગ્રેસ અન તૃણમુલ કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપ સાથે જોડાયા જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો. અને પરિણામે પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં જીતનો તાજ પહેર્યો.
ઈશાન નામનો ખૂણો હોય છે એવું વિદ્યાર્થીઓને શિક્ષક શીખવે છે કે કેમ તે સવાલ છે, કેમ કે આપણે ઉત્તર-પૂર્વ લખતા થઈ ગયા છીએ. આપણે દસ દિશાઓ નક્કી કરીને તેના નામ પણ આપી શક્યા છીએ, પણ આપણને ચારેક દિશાઓ જ સમજાય છે. રાજકારણમાં એકથી વધુ દિશા હોય છે, પણ મોટા ભાગના નેતાઓએ એક કે બે દિશા જ દેખાતી હોય છે. એ દિશામાં તમે ચાલ્યા જાવ અને ત્યાં અવરોધ આવે ત્યાં અટકી જાવ.કોંગ્રેસ એવી એક દિશામાં જ ચાલનારી પાર્ટી રહી છે. આઝાદીની લડતમાં મુખ્ય ભૂમિકાને કારણે નાનામાં નાના ગામની નેતાગીરી આ પક્ષ સાથે હતી. પ્રથમ સાડા ત્રણ દાયકા દરમિયાન સત્તા આપોઆપ મળતી રહી. કાર્યકરો ઉભા કરવાની, નવું નેતૃત્ત્વ ઉભું કરવાની કોંગ્રેસને જરૂર નહોતી. રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો ઊભા થવા લાગ્યા હતા. લોકોએ એકાદ મુદત તેમને આપી, પણ કોંગ્રેસના શાસન કરતાંય નબળું શાસન મળ્યું એટલે વળી કોંગ્રેસને સત્તા આપી. કોંગ્રેસને આ દિશા ફાવી ગઈ હતી. વચ્ચે એકાદ મુદત ભલે બીજા શાસન કરી લે, સત્તા ફરી પોતાની પાસે આપોઆપ આવશે.પરિવર્તન પણ લોકો કરે, મુદ્દાઓ પણ લોકો નક્કી કરે. શાસક પક્ષની ખામીઓ પણ લોકો શોધી કાઢે – કોંગ્રેસે કશું કરવાનું નહીં. ત્રિપુરામાં આ રીતે એક વાર ડાબેરી, એક વાર કોંગ્રેસ એ રીતે સત્તા પરિવર્તન થયા પછી, પરિવર્તન થવાનું બંધ થઈ ગયું હતું. છેલ્લાં ૨૫ વર્ષથી ડાબેરી શાસન હતું. લોકો ડાબેરીઓને હરાવવા ઇચ્છતા હતા, પણ વિકલ્પ કોણ આપે તે સવાલ હતો. કોંગ્રેસ પોતાની એકમાર્ગી રાજનીતિને કારણે નવો વિકલ્પ આપી શકે તેમ નહોતી. લોકોએ પોતાની રીતે વિકલ્પ શોધવાનો છે એમ ત્રિપુરા કોંગ્રેસ માનતી હતી. લોકોએ વિકલ્પ શોધી પણ લીધો. ત્રિપુરાના લોકોએ ભારતીય જનતા પક્ષનો વિકલ્પ શોધી કાઢ્યો.ત્રિપુરાના પરિણામથી એમ નથી સમજવાનું કે ભાજપે ડાબેરીઓને હરાવ્યા છે. ભાજપે અહીં કોંગ્રેસને સાફ કરી નાંખી તેના કારણે સત્તા મળી છે. ડાબેરીઓને પણ નુકસાન થયું છે, પણ કોંગ્રેસની જેમ તે સાફ નથી થઈ ગઈ. ભાજપ સામે વિકલ્પ તરીકે તે ઉભી જ છે.ત્રિપુરામાં ભાજપે ફક્ત ૦.૩ ટકા મતોની લીડ લીધી છે, પણ અહીં આ વખતની લીડ કરતાં, ગત વખતની ચૂંટણીથી કેટલા વધુ મતો મળ્યા તે અગત્યનું છે. ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને ૪૧.૫ ટકા મતો વધુ મળ્યા છે તે અગત્યના છે. ૨૦૧૩ની ચૂંટણીમાં ફક્ત દોઢ ટકો મત અને આ વખતે સીધા ૪૩ ટકા.
અમુક પ્રાદેશિક પક્ષો અને હાલના સમયમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને જ આવા જમ્પ મળ્યા છે. આવા જમ્પ ત્યારે જ મળે છે, જ્યારે લોકો પોતે પરિવર્તન શોધી કાઢે. નાગરિકો ઈચ્છતા હોય તેવું પરિવર્તન આપવા માટે ઉપલબ્ધ રાજકીય પક્ષો સક્ષણ ના હોય ત્યારે નવો જ પક્ષ લોકોએ શોધવો પડે. ત્રિપુરામાં ભાજપ એ નવો પક્ષ જ ગણાય. આ નવા પક્ષે કોંગ્રેસને અહીં સાફ કરી નાખી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૩૬.૫૦ ટકા મતો મળ્યાં હતાં ત્યાંથી કોંગ્રેસ સીધો ધબાય નમઃ કરીને ૧.૮ ટકા મતો પર આવી ગયો છે. ડાબેરીઓએ પણ છ ટકા ગુમાવ્યાં છે. ૪૮.૧૦માંથી ૪૨.૭૦ થઈ ગયા. પ્રાદેશિક પક્ષોની સ્થિતિ લગભગ સરખી રહી છે. ગત વખતના ૭.૬૧ સામે, આ વખતે ૭.૫૦. ૦.૧૧ મતો ઓછા જ થયા છે. એ રીતે ત્રિપુરામાં ત્રિપાંખીયો જંગ હોવા છતાં મતોની ટકાવારી મતદારોના મિજાજ સાથે મેળ ખાય છે. ડાબેરી મતો ગુમાવ્યા એટલે સત્તા પણ ગુમાવવી પડી. કોંગ્રેસને સમ ખાવા એકેય સીટ ના મળી.આ પરિણામો પાછળ ત્રણ મહત્ત્વની સ્ટ્રેટેજી કામ કરી ગઈ છે.
સંગઠનઃ રાજકીય પક્ષો માટે સંગઠન જરૂરી છે. કોંગ્રેસ પાસે તે રેડીમેડ હતું. ગાંધીજીએ આઝાદીનું આંદોલન સમગ્ર દેશને સંગઠિત કરીને ચલાવ્યું હતું તેનો વારસો મળ્યો તેના પર કોંગ્રેસનું ગાડુ ચાલ્યું, પણ સમય વીતવા સાથે નવું સંગઠન બન્યું નહીં. આગળ જતા સંગઠન માત્ર એક પરિવાર દ્વારા પોતાના વફાદારોની ગોઠવણ પૂરતું જ મર્યાદિત રહી ગયું. તેની સામે એક સદી પહેલાં શરૂ થયેલું આરએરએસનું સંગઠન સતત તેને મજબૂત બનાવવામાં માને છે. કોંગ્રેસની જેમ તેમાં પણ એક વર્ગના વફાદારોની જ ગોઠવણ વધારે છે, પણ તે વાત હજી પ્રબળપણે અને પ્રગટપણે બહાર આવી નથી. તેનું એક કારણ એ પણ છે કે જરૂર જણાય ત્યાં બીજા વર્ગોની મદદ લઈને પણ સંગઠન મજબૂત બનાવાયું છે.ઇશાન ભારતના રાજ્યોમાં આદિવાસીઓની સંખ્યા મોટી છે. આરએસએસ ઘણાં દાયકાથી આ આદિવાસીઓ વચ્ચે કામ કરીને સંગઠન મજબૂત બનાવી રહ્યું છે. આદિવાસી નેતાઓને તૈયાર કરીને આગળ કરાયા. કોંગ્રેસમાંથી અને સ્થાનિક પક્ષોમાંથી જ્યાંથી પણ મળ્યા ત્યાંથી મજબૂત સ્થાનિક નેતાઓને ભેળવી દેવાયા. તેમને સંગઠનમાં સારી રીતે ગોઠવીને સંગઠનને મજબૂત બનાવાયું. કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોએ પોતાના નેતાઓ પણ ગુમાવ્યા અને સંગઠન પણ એટલું નબળું પડ્યું. ડાબેરી વિચારધારા તાજી અને નવી લાગતી હતી ત્યારે લોકો આકર્ષાયા અને તેનું સંગઠન બન્યું હતું પરંતુ સમય જતા તેની તાજગી ઓછી થઈ અને આ વિચારધારામાં કંઈ સાર નથી નીકળતો એવું લાગ્યું ત્યારે નવી પેઢી તેમાં આવતી અટકી ગઈ.
મુદ્દાઃ ચૂંટણી મુદ્દાથી જીતાય છે. વિકાસ કરીને ચૂંટણી જીતી શકાય છે તે ભ્રમ છે. હજી સુધી તો આ વાત જ સાચી છે. વિકાસ આપોઆપ થાય છે તેમાં એફિશિયન્સી આવે તો તે એફિશયન્સીને એક મુદ્દો બનાવી શકાય, પણ તેને વિકાસનો મુદ્દો ના કહેવાય. વાસ્તે વિકાસ સિવાયનો જ મુદ્દો ભારતમાં ચૂંટણી જીતવા જોઈએ. બીજા પક્ષો આવા મુદ્દા શોધતી નથી અને જે મુદ્દો હોય તેને જાળવતી નથી. ભાજપ પાસે મજબૂત સંગઠન હોવાથી નવા મુદ્દા તેને મળી શકે છે. મૂળભૂત રીતે તેણે છેલ્લાં ઘણાં દાયકાથી ચકાસેલા મુદ્દાઓ હોવાથી તે ફાવે છે. મતબેંકનું રાજકારણ હોય તેના કારણે કેટલાક વર્ગોને ફાયદો થાય છે તેવો પ્રચાર કરી શકાય છે. બાકીના વર્ગોને આ મુદ્દો સમજાવીને એકઠા કરવાના છે. તેથી મતબેંક માટે જોડાયેલા વર્ગોના જોડાણ સામે બધા જ વર્ગોનું સંયુક્ત જોર ઉભું થાય. ઇશાન ભારતમાં ભાજપનો મૂળભૂત મુદ્દો ફાવે તેવું ગ્રાઉન્ડ તૈયાર જ હતું. મુસ્લિમ અને ખ્રિસ્તી વર્ગો વધારે હોવાથી અને તેની સાથે એકાદ આદિવાસી કે સ્થાનિક વર્ગ જોડાઈને મતબેંકનું જે ગઠબંધન તૈયાર થયું હોય તેને તોડવું પડે. તેથી આ જોડાણને મુદ્દો બનાવી, સામે બધા જ વર્ગોનું જોડાણ એવો મુદ્દો ભાજપ સફળતાપૂર્વક ઉભો કરી શક્યો છે.આ ઉપરાંત નાના નાના મુદ્દાનું પણ ધ્યાન રખાયું છે. જેમ કે સ્થાનિક અહેવાલો પ્રમાણે તિપુરામાં કમર્ચારીઓને ફક્ત ચોથું પગારપંચ જ મળતું હતું. ભાજપે કહ્યું કે અમે તમને સીધું સાતમું પગાર પંચ આપીશું. આ રીતે નાનામાં નાનો મુદ્દો પણ પકડી લેવો પડે.
પ્રચારઃ માત્ર મુદ્દો પકડી લેવાથી કામ થતું નથી. બીજા પક્ષો પાસે પણ પોતાના મુદ્દો હોય છે. પરંતુ તેનો કેવી રીતે પ્રચાર કરો છો તે અગત્યનું છે. પ્રચારની પદ્ધતિ, શૈલી, નવિનતા, રસિકતા, વ્યાપકતા, સ્વીકાર્યતા વગેરેનું પણ કોર્પોરેટની માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સ્ટાઇલમાં વિચારવું પડે. પોસ્ટરો છપાવી દેવાથી, સભાઓ કરવાથી પ્રચાર નથી થતો. પ્રચાર સતત થતો રહેતો હોય છે. કોઈ ઘટના બની હોય તેના રિએક્શનમાં પણ પ્રચાર થઈ જતો હોય છે. પળેપળ પ્રચારનું માધ્યમ છે, તેમ ધ્યાન રાખીને સતત પ્રચાર, વાત વાતમાં પ્રચાર એ ભાજપ સિવાયના પક્ષોએ હજી શીખવા જેવું છે.ભાજપનો કાર્યકર તમને કેમ છો, કેવો તડકો લાગે છે? આ વખતે શિયાળામાં વહેલો તડકો પડવા લાગ્યો છે તે વાતમાં પણ પ્રચાર કરી શકે. દુષ્ટોનું અને વર્ણશંકરોનું શાસન આવ્યું છે એટલે કુદરત પણ રૂઢી છે એવો પ્રચાર આટલી નાની વાતમાં થઈ શકે. સામા છેડે થ્રીડી સહિતની આધુનિક રીત ઉપલબ્ધ હોય તો તેનો પણ ઉપયોગ કરવામાં છોછ નહીં. આ ત્રણેય બાબતોમાં ભાજપની તોલે આવો તેવો કોઈ પક્ષ નથી. પ્રાદેશિક પક્ષો પોતાની સ્થાનિક તાકાતના આધારે હજી પણ ભાજપ સામે જીતી શકે છે, પણ રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે કોઈ પડકાર રહ્યો નથી. બધાં પક્ષો એક થઈ જાય તે વધારે પડતો સરળ ઉપાય છે. બધાં પક્ષો એક થઈને એક વાર ભાજપને હરાવી શકશે, બીજીવાર નહીં. બીજી વાર ભાજપ મજબૂત થઈને આવશે. ઇન્દિરા ગાંધીને એક થઈને એકવાર જ હરાવી શકાયા હતા. કોંગ્રેસને તે પછી હરાવવા માટે ભાજપે લાંબી મહેનત કરી છે. કોઈ પક્ષ ભાજપ સામે ટક્કર લેવા માગતો હશે તો તેણે પણ લાંબી મહેનત કરવી પડશે.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ગાંધીજી તથા સરદારનો સંયુક્ત નિર્ણય

aapnugujarat

क्या मोदी का जादू फिसल रहा है..?

aapnugujarat

?? Brilliant Morning ??

aapnugujarat

Leave a Comment

UA-96247877-1