Aapnu Gujarat
ગુજરાત

ટેકાના ભાવમાં વધારો કરવા બે વર્ષથી દરખાસ્ત થઈ નથી : વિપક્ષ કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાં ફરી હલ્લો

ગુજરાત વિધાનસભાના આજના સત્ર દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ આજે ખેડૂતોના પોષણક્ષમ ટેકાના ભાવે ફરી એકવાર સરકાર પર હલ્લાબોલ કર્યું હતું. વિપક્ષે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, રાજયના ખેડૂતોના મુદ્દે રાજય સરકાર બિલકુલ નિરસ અને બિનકાર્યક્ષમ રહી છે. ખેડૂતોના હિતમાં સરકારે કોઇ જ નિર્ણયો કર્યા નથી અને ઉલ્ટાનું ખેડૂતો માટે પોકળ જાહેરાતો કરી ટેકાના ભાવે ખરીદીના નામે તેમને છેતરી રહી છે. વાસ્તવમાં ભાજપ સરકારે છેલ્લા બે વર્ષથી રાજયના ખેડૂતોના વિવિધ પાકની ખરીદી માટે પોષણક્ષણ ટેકાના ભાવોમાં વધારો કરવાની કોઇ દરખાસ્ત જ કેન્દ્ર સરકારમાં રજૂ કરી નથી, જે બહુ ગંભીર અને આઘાતજનક વાત કહેવાય. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ આજે પણ હાથમાં ખૂન થયુ ભાઇ ખૂન થયુ, લોકશાહીનુ ખૂન થયું, બચાવો ભાઇ બચાવો, લોકશાહી બચાવો સહિતના અનેક સૂત્રો લખેલા પોસ્ટરો દર્શાવી સરકાર અને અધ્યક્ષ સામે ભારે વિરોધ અને નારાજગી વ્યકત કરી હતી. આજે પણ વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસ અને શાસક પક્ષ ભાજપના ધારાસભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોનું ઘમાસાણ જોવા મળ્યું હતું. કોંગ્રસના ધારાસભ્ય શૈલેષ પરમારે શાસક પક્ષ પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોનો માત્ર વોટબેન્ક તરીકે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાગળ પર ખેડૂતોના હિતની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં ખેડૂતોને કપાસ, મગફળી, બટાકા, ટામેટાના પોષણક્ષમ ભાવો મળતા જ નથી. દરમ્યાન વિપક્ષે ગઇકાલે અધ્યક્ષ દ્વારા તમામ સભ્યોને ગઇકાલ સાંજ સુધી કરાયેલા સસ્પેન્શન અને ઉંઝાના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય આશાબહેન પટેલને બે દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કરવાના વલણને લઇ આજે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં વિરોધદર્શક સૂત્રોચ્ચાર અને લખાણો પ્રદર્શિત કરી શાસક પક્ષ ભાજપ અને અધ્યક્ષ વિરૂધ્ધ નારાજગી અને રોષ વ્યકત કર્યા હતા.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે તેમના ધારાસભ્યો સાથે વિશેષ બેઠક યોજી તેઓને ગૃહમાં પૂછવાના મુદ્દા અને પેટાસવાલો સૂચવ્યા હતા. દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને વિધાનસભામાં કોંગ્રેસપક્ષના દંડક એવા ધારાસભ્ય શૈલેષ પરમારે ઉંઝાના મહિલા કોંગી ધારાસભ્ય આશાબહેન પટેલના સસ્પેન્શનને લઇ બચાવ રજૂ કર્યો હતો અને શાસક પક્ષ ભાજપ દ્વારા આશાબહેન પાસે માફી મંગાવવાની જે માંગણી કરાઇ હતી, તેને ફગાવી હતી. વિપક્ષના આ નેતાઓએ જણાવ્યું કે, જે વખતે ધારાસભ્ય આશાબહેન પટેલના ઉચ્ચારણો થયા ત્યારે હાઉસ ઓર્ડરમાં ન હતુ અને તેથી તેમના શબ્દો રેકર્ડ પર આવ્યા જ નથી, તેથી આ મુદ્દે માફી માંગવાનો કોઇ સવાલ જ ઉભો થતો નથી. જો કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોઇપણ ધારાસભ્ય હોય પરંતુ તેમણે ગૃહમાં અણછાજતુ કે અશોભનીય વર્તન કરવું ના જોઇએ. કોંગ્રેસ આ મામલાને જીદનો પ્રશ્ન ના બનાવે.

Related posts

વાવ ખાતે મુખ્યમંત્રીએ સમૂહલગ્નમાં આપેલી હાજરી

aapnugujarat

પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહતના કામો પુરજોશમાં યથાવત જારી : મુખ્યપ્રધાન

aapnugujarat

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની ચાર વર્ષીય બાળા એંજલની અદ્‌ભુત યાદ શક્તિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1