Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ ટેરર એટેક : બે JCO સહિત પાંચ જવાનો શહીદ થયા

જમ્મુ-પઠાણકોટ માર્ગ પર સુંજુવાન આર્મી કેમ્પમાં ઘુસેલા ત્રાસવાદીઓ સામે ઓપરેશન સત્તાવારરીતે હજુ પરિપૂર્ણ કરવામાં આવ્યું નથી. સેનાએ વ્યાપક ઓપરેશન હાથ ધરીને ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમની પાસેથી હથિયારોનો જંગી જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે, આ ઓપરેશનમાં સેનાને પણ મોટુ નુકસાન ઉઠાવવાની ફરજ પડી છે. કારણ કે, આર્મી નિવાસી વિસ્તાર હોવાથી ખુબ જ સાવધાનીપૂર્વક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પાંચ જવાન શહીદ થયા છે જેમાં બે જેસીઓનો સમાવેશ થાય છે. અથડામણ દરમિયાન એક નાગરિકનું પણ મોત થયું છે. આ ઓપરેશન પર નજર આર્મી ચીફ બિપીન રાવત પોતે કરી રહ્યા છે. બિપીન રાવત શનિવારે મોડી રાત્રે જમ્મુ પહોંચ ગયા હતા. ભારતીય સેનાના જવાનો વધુ નુકસાન ન થાય તે હેતુસર આ ઓપરેશન ચલાવી રહી છે.
ઠાર મરાયેલા ત્રાસવાદીઓની પાસેથી એકે ૪૭ અને અન્ય ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આર્મી કેમ્પ પર ગઇકાલે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે આજે બીજા દિવસે પણ જારી રહ્યું હતું જેના ભાગરૂપે ચારેબાજુ ત્રાસવાદીઓની વ્યાપક શોધખોળ ચાલી રહી છે. કમાન્ડો પણ મેદાનમાં ઉતરેલા છે. ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ જમ્મુ શહેરમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. જે આજે પણ યથાવત રાખવામાં આવી હતી. ગઇકાલે શનિવારે વહેલી પરોઢે ૪.૫૫ વાગ્યાની આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર આસપાસની તમામ સ્કુલોને બંધ કરાવી દેવામાં આવી હતી. ઉધમપુરમાંથી કમાન્ડો તરત જ પહોંચી ગયા હતા. તાજેતરના સમયમાં ત્રાસવાદી હિંસા જમ્મુ કાશ્મીરમાં વધી ગઇ છે. ઓપરેશન ઓલઆઉટ સેનાએ હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે. જેથી ત્રાસવાદીઓ સેનાના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલા કરી રહ્યા છે. શનિવારના દિવસે ત્રાસવાદીઓ કેમ્પના પાછળના બારણાથી પ્રવેશી ગયા હતા અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્રાસવાદી જવાનો અને તેમના પરિવારના સભ્યોને ટાર્ગેટ બનાવવાના ઇરાદાથી ઘુસી ગયા હતા. જો કે તેમાં તેમને સફળતા મળી ન હતી. ત્રાસવાદી હુમલા બાદ ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને તીવ્ર ઓપરેશન હાથ ધર્યુ હતુ. સમગ્ર વિસ્તારમાં ડ્રોન મારફતે પણ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા જવાનો હુમલો કરવામાં આવ્યા બાદ કેમ્પની અંદર વ્યાપક શોધખોળમાં લાગી ગયા હતા. ગુપ્તચર સંસ્થાઓએ પહેલાથી કહ્યુ હતુ કે અફજલ ગુરૂને ફાંસી આપવાની વરસીના દિવસે એટલે કે નવમી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલા થઇ શકે છે. આ બાતમી મળ્યા બાદ પહેલાથી સુરક્ષા હતી પરંતુ આત્મઘાતી હુમલાખોરો કેમ્પમાં ઘુસી જવામાં સફળ રહ્યા હતા. અફઝલને નવમી ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે ફાંસી આપી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કાશ્મીરના પાટનગર શ્રીનગરના શ્રીમહારાજા હરિસિંહ હોસ્પિટલની અંદર લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કરીને એક પાકિસ્તાની ત્રાસવાદી અબુ હંજૂલા ઉર્ફે નાવિદ જટને છોડાવી લેવામાં સફળતા મેળવી હતી. આના કારણે ભારતીય સુરક્ષા તંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો.
આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. લશ્કરના પાકિસ્તાની ત્રાસવાદી નાવિદ જટને વર્ષ ૨૦૧૪માં દક્ષિણ કાશ્મીરના પુલગામમાંથી પકડી પાડવામાં આવ્યો હતો, તે ત્રાસવાદી શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હતો. પોલીસ કર્મી પાકિસ્તાની ત્રાસવાદી નાવિદને તપાસ માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા તે સમયગાળા દરમિયાન તોઇબાના આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલમાં ત્રાસવાદી હુમલા દરમિયાન હુમલાખોરોની સાથે બચી ગયેલો ત્રાસવાદી નાવિદ ફરાર થવામાં સફળ રહ્યો હતો. હુમલા દરમિયાન હોસ્પિટલની બહાર ભારે અંધાધૂંધી જોવા મળી હતી. કાકાસરાય વિસ્તારમાં હોસ્પિટલની બહાર જટ ઉર્ફે અબુ હંજલાને લઇ જતી પોલીસ ટુકડી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં જેલમાંથી નવિદ ફરાર થયા બાદ તેની શોધખોળ ચાલી રહી છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. હોસ્પિટલ નજીક હુમલો કરીને પોતાના સાથીને છોડાવી લીધા બાદ આ સપ્તાહના ગાળામાં જ બીજો મોટો હુમલો કરવામાં આવ્યો છે.

Related posts

5 ट्रिलियन डॉलर की अर्थव्यवस्था की नीव पिछली सरकारों ने रखी : प्रणब मुखर्जी

aapnugujarat

મોટાભાગના પક્ષોએ ઇવીએમમાં ફરીથી શ્રદ્ધા દાખવી છે : મુખ્ય ચૂંટણી કમિશનર

aapnugujarat

भाजपा की नैतिक हार : आनंद शर्मा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1