Aapnu Gujarat
Uncategorized

આવતીકાલથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે

આજથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી યોજાનાર મહા શિવરાત્રીના મેળામાં આવનાર લાખો યાત્રિકો માટે તળેટીમાં વિવિધ સુવિધા જળવાય રહે તે માટે તળેટીમાં મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં કલેકટર ડો. રાહુલ ગુ્‌પ્તાએ મહાનગર પાલિકાના અધિકારીઓને મેળા દરમ્યાન તળેટીમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે માઇક્રો પ્લાનીંગ કરી લેવા સુચના આપી હતી. પોલીસ વિભાગ દ્વારા પુરતો બંદોબસ્ત અને રવેડી દરમ્યાન શ્રધ્ધાળુઓને કોઇ અગવડતા ન પડે તેની તકેદારી રાખવા સુચના આપવામાં આવી હતી. મેળામાં આવનાર યાત્રીકને મેડીકલની ઇમરજન્સી સેવા મળી રહે તે માટે દવાખાના અને જરુરી દવા અને સાધનો તૈયાર રાખવા જણાવવામાં આવ્યું હતું.ગુજરાત અથવા દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળઓમાં કુંભનો મેળાની જેમ મહાદેવ ભોળાનાથના નામ (શિવ)સાથે જોડાયેલ શીવરાત્રીનો મેળો ગરવા ગિરનારની ગોદમાં યોજાય છે. ગુજરાત પ્રદેશ અનેક ભાતીગળ સાંસ્કૃતિક અસ્મિતાની ધરોહર છે. વનથી જન સુધી અને ગામથી નગર સુધી પ્રત્યેક ભારતવાસી મેળાનાં માણીગર છે.
મેળાનાં માધ્યમે સંસ્કારીતાની ધારા પ્રાંતે પ્રાંતમાં અવિરત વહેતી રહે છે. ભાષા, ધર્મ કે પ્રાંતના વાડાનાં સિમાડા ઓળંગીને એકમેકની સાથે આતપ્રોત થવાનો અનેરો મહિમા એટલે જ મેળો, મન મુકીને મહાલવાનો અનોખો અવસર એટલે મેળો, શિવરાત્રીનો મેળો એ તો હરી સાથે હર અને શિવ સાથે જીવનો સમન્યનો મેળો છે. અહીં હિમાલયની ગુફાઓમાં ધ્યાન ધરતા સિધ્ધપુરૂષો, કાશ્મીરથી કન્યા કુમારી સુધી પગપાળા યાત્રા કરનારા પરિવ્રાજક(સન્યાસી)ઓ, અખાડાઓનાં સંતો મહંતોનાં દર્શન થાય છે. તેમની સાથે જો વાત કરવાની તક મળે તો ધ્યાનમાં આવે કે તેઓ જ્ઞાન અને અનુભવોનો સાક્ષાત હિમાલય છે. આટલી વિદ્વત્તા હોવા છતા નમ્રતા, પ્રીતિસભર દ્રષ્ટી સહુ કોઇને પોતાનામાં સમાવી લેનારા સાગર જેવડી વિશાળ હોય છે.ગુજરાત રાજયમાં કુલ નાના મોટા ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. તેમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભવનાથ, માધુપુર, તરણેતરનાં મેળા તો જગ મશહુર છે. તેમાંય ભવનાથ તો ભકિત-ભોજન અને ભજનનો મેળો, તરણેતર નર્તન અને રંગનો મેળો અને માધુપુરનો મેળો એટલે કિર્તન અને રૂપનો મેળો મનાય છે.જૂનાગઢ જિલ્લામાં જ પરબ વાવડી ખાતે અષાઢી બીજનો મેળો, સતાધારનો મેળો, ભગવાન સોમનાથનાં દ્વાદશ જયોર્તિલીંગ ધામે કાર્તિકી પુનમે ભરાતો મેળો, લીલી પરિક્રમાનો કાર્તિકી એકાદશીનો મેળો, તુલશીશ્યામનો મેળો, ચોરવાડનો ઝુંડનો મેળો, ગુપ્તપ્રયાગનો મેળો વગેરે નાના અને મોટા મેળાઓ જૂનાગઢ અને આસપાસનાં પરગણામાં ભાતીગળ રીતે ભરાય છે.જૂનાગઢ એટલે આમેય સંત શુરા અને સાવજની ભોમકા, અહીં જ કાઠીયાવાડનાં ખમિરવંતા ભોળા માનવે ભગવાનને ‘કાઠીયાવાડે કોક દી ભુલો પડ ભગવાન તને મોંધેરો કરૂ મહેમાન સ્વર્ગ ભુલાવુ શામળા’ ભોળા ભાવે ભુલો પડી પોતાનાં ઘરે આતિથ્યભાવે નોતરૂ આપી શકે છે. અહીં અજાણ્યાને મીઠો આવકારો અપાય છે. ભુખ્યાને ભોજન અને દુખીને સહાયની સરવાણી કાયમ વહેતી રહે છે. આથી જ સતદેવીદાસ અને અમરમાંના પરબ જેવા ધામે સેવા-સરવાણી વહી હશે. શેઠ શગાળશા જેવા શાહ, દાનબાપુ કે આપા ગીગા જેવા સંતનાં બેસણા આ જિલ્લામાં થયા હોય એવી ધરાનું કેન્દ્ર બીંદુ એટલે ગરવા ગીરનારની ગોદ એટલે શિવ અને જીવનો સંગમ, પ્રતિ વર્ષ કુંભ મેળાની નાની આવૃતિ રૂપે મેળો ભરાય છે.શિવ સ્વંભુ અને પરબ્રહ્મ છે. એ અનાદી અને અનંત છે. અગ્નીસ્તંભ રૂપે એ જે દિવસે પ્રગટયા એ દિવસ એટલે મહાશિવરાત્રી. આથી શિવપુજનનો એ મુખ્યદિવસ મનાયો છે. એટલે જ શિવરાત્રી એ શિવની કલ્યાણકારી રાત્રી મનાઇ છે.મહાદેવ શિવ પાતાળની તપશ્ચર્યા પુર્ણ કરી પર્વતાધિરાજ ગિરનારમાંથી કૈલાસ ગયા એ દિવસથી સિધ્ધક્ષેત્ર ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોવાનું લોકજીભે ચર્ચાય છે.

Related posts

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં યોજાયેલ ‘‘સેવા સેતુ‘‘ કાર્યક્રમમાં ૧૦૦ ટકા પ્રશ્નોનો નિકાલ

aapnugujarat

પિતાના અવસાન બાદ મામાને ત્યાં આશરો લીધો, મામાએ જ ભાણીનું શિયળ લૂંટ્યું

aapnugujarat

વડગામ ર્ડા બાબાસાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી ને આખરી ઓપ અપાયો

editor

Leave a Comment

UA-96247877-1