Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ દ્વારા વફાદારોને ઇનામ અને ગદ્દારોને કડક સજા કરાશે

સ્થાનિક સ્વરાજયની આગામી ચૂંટણીઓને લઇ કોંગ્રેસે તેની રણનીતિ વધુ તેજ અને અસરકારક બનાવી છે. જેના ભાગરૂપે તાજેતરમાં નડિયાદ ખાતે કોંગ્રેસની કારોબારીની બેઠક બાદ આજે બનાસકાંઠાના પાલનપુર ખાતે કોંગ્રેસની એક મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ તૈયારીઓ, રણનીતિ અને વ્યૂહરચના સંબંધી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સાફ શબ્દોમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે, વિધાનસભા ચૂંટણીમાં નિષ્ક્રિય રહેનાર કાર્યકરોથી માંડી આગેવાનો-હોદ્દેદારો વિરૂધ્ધ પક્ષ દ્વારા આગામી દિવસોમાં શિક્ષાત્મક કાર્યવાહી થશે તે નક્કી છે, તો સાથે સાથે જેમણે વિધાનસભા ચૂંટણીમાં ભારે મહેનત કરી વફાદારી રાખી છે, તેઓને પક્ષ દ્વારા ઇનામ અપાશે એટલે કે, સ્થાનિક સ્વરાજયની આગામી ચૂંટણીઓમાં ટિકિટમાં તેઓને પ્રાધાન્યતા આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા પંચાયત અને સ્થાનિક નગરપાલિકાઓની આગામી ચૂંટણીને લઇ પાલનપુર ખાતેની બેઠકમાં સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને પછાડી કોંગ્રેસનો પંજો છવાઇ જાય તે પ્રકારે મહેનત કરવા અને ચૂંટણીમાં કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. પાલનપુર ખાતે મળેલી કોંગ્રેસની આજની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, યુવા નેતા અલ્પેશ ઠાકોર, સ્થાનિક જિલ્લા-તાલુકા કક્ષાના હોદ્દેદારો સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કોઇપણ ભોગે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવા કાર્યકરોથી માંડી, પક્ષના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનોને ખાસ સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના લક્ષ્યાંકને હાંસલ કરવા પૂરી મહેનત અને જોશથી લાગી જવા કાર્યકરોને હાકલ કરાઇ હતી. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નીચેથી ઉપરનો ક્રમ જાળવવામાં આવશે એટલે કે, સ્થાનિક અને બુનિયાદી કામ કરનારા લોકોને ટિકિટ ફાળવણીમાં અગ્રતા આપવામાં આવશે, સાથે સાથે જે સ્થાનિક આગેવાનો અને નેતાઓએ વિધાનસભા ચૂંટણીમાં પક્ષને જીતાડવા ભારે મહેનત કરી હતી તેવા લોકોને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ખાસ પ્રાધાન્યતા આપી તેમની કામગીરીને બિરદાવાશે, તો, જે લોકોએ વિધાનસભા ચૂંટણીમાં નિષ્ક્રિય રહી પક્ષને નુકસાન પહોંચાડયું છે તેવા લોકો વિરૂધ્ધ પક્ષ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લા-તાલુકા કક્ષાના હોદ્દેદારો અને ચૂંટણીના ઉમેદવારો પાસેથી આ પ્રકારે નિષ્ક્રિય રહેનારા લોકોની જાણકારી માંગી સમગ્ર વિગતવાર રિપોર્ટ કોંગ્રેસના હાઇકમાન્ડને સુપ્રત કરી દેવાયો છે અને આગામી દિવસોમાં આવા તત્વો વિરૂદ્ધ નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહીના પગલા લેવાશે.

Related posts

कुड़ा फेकने वालों पर मनपा करेगी कार्यवाही, 200-500 रुपये का लगेगा जुर्माना

aapnugujarat

ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં ગટરના દૂષિત પાણીથી ભયંકર રોગચાળાની સ્થિતિ

editor

ગુજરાત પોલીસે 419 ચાઈનીઝ લોન એપ બંધ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1