Aapnu Gujarat
ગુજરાત

૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે ૧૭મીએ મતદાન થશે

ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા આજરોજ રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી, જે મુજબ આગામી તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજયની ૭૫ નગરપાલિકાઓ અને સંબંધિત મતક્ષેત્રો માટે આજથી જ આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ મતદાન ઇવીએમ દ્વારા થશે તેવી સ્પષ્ટતા પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ લાગી ગયો છે. તો, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ થઇ શકશે. આ અંગે રાજયના ચૂંટણી આયોગ સચિવ મહેશ જોષીએ જણાવ્યું હતું કે, રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા સહિતની વિગતો સાથેનું સોગંદગનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાનનો સમય સવારે આઠથી સાંજ પાંચ વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. આ ચૂંટણી અંગેની નોટિસ અને જાહેરનામું તા.૨૯મી જાન્યુઆરીએ પ્રસિધ્ધ કરવામાં આવશે. તો ઉમેદવારોના ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૩-૨-૨૦૧૮ જાહેર કરાઇ છે, ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ તા.૫-૨—૨૦૧૮ નિયત કરાઇ છે. ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવી હોય તો ઉમેદવારી પરત ખેચંવાની છેલ્લી તારીખ તા.૬-૨-૨૦૧૮ નક્કી કરવામાં આવી છે. તા.૧૭મી ફેબ્રુઆરીએ સવારે ૮-૦૦થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ચૂંટણી(મતદાન), જો પુનઃ મતદાન યોજવાની પરિસ્થિતિ સર્જાય તો તેની તા.૧૮-૨-૨૦૧૮ અને છેલ્લે તા.૧૯-૨-૨૦૧૮ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સિવાય છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી પણ યોજાશે. દરમ્યાન બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતોની તેમ જ તેના હેઠળ આવતી ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી વોર્ડ સીમાંકન સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી પિટિશનના કારણે હાલ પૂરતી અટવાઇ પડી છે. જે અંગે હાઇકોર્ટના ચુકાદા બાદ જાહેરાત થવાની શકયતા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઇ તંત્ર દ્વારા ચુસ્ત અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવાની જાહેરાત પણ કરાઇ હતી.

Related posts

કાયદાનો દૂરપયોગ નિહાળીને ગુજરાત હાઇકોર્ટ ભારે નારાજ : છેતરપિંડીના કેસમાં કાપડના વેપારીને પાસા

aapnugujarat

કોંગ્રેસના શાસનમાં ગરીબી, બેકારી, ભ્રષ્‍ટાચાર ફુલ્‍યો ફાલ્‍યો હતો : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

aapnugujarat

સુરેન્દ્રનગર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી

editor

Leave a Comment

UA-96247877-1