Aapnu Gujarat
મનોરંજન

અમદાવાદમાં પણ નવથી વધુ મલ્ટિપ્લેક્સોમાં પદ્માવત રિલીઝ નહીં થાય

સંજય લીલા ભણશાલીની ભારે વિવાદીત ફિલ્મ પદ્માવતનો વિવાદ જેમ જેમ રિલીઝની તારીખ તા.૨૫ જાન્યુઆરી નજીક આવતી જાય છે તેમ તેમ ચરમસીમા પર જાણે પહોંચી રહ્યો છે. આજે પણ અમદાવાદ સહિત રાજયના વિવિધ શહેરો અને સ્થળોએ રાજપૂત સમાજ, ક્ષત્રિયો અને કરણી સેના દ્વારા પદ્માવતના વિરોધમાં ઉગ્ર દેખાવો અને પ્રદર્શનો ચાલુ રહ્યા હતા. બીજીબાજુ, અમદાવાદમાં સીટીગોલ્ડના તમામ છ સહિત નવથી વધુ મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં પદ્માવત રિલીઝ નહી કરવાની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાઇ છે, બીજીબાજુ, હજુ કેટલા થિયેટરોમાં આ વિવાદીત ફિલ્મ રિલીઝ થશે તે અંગે પણ હજુ જયારે ફિલ્મની રિલીઝને ગણતરીના કલાકો બાકી હોવાછતાં તેની સ્પષ્ટતા સામે આવી નથી. પદ્માવત ફિલ્મને લઇ શહેર સહિત રાજયભરમાં વાતાવરણ તંગ છે. આજે પણ અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે ક્ષત્રિયો અને રાજપૂત સમાજના લોકો દ્વારા ઉગ્ર દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસને પરિસ્થિતિ કાબૂમાં લેવા એક તબક્કે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ક્ષત્રિય સમાજના લોકો અને રાજપૂત સમાજ તેમ જ કરણી સેનાના સંખ્યાબંધ કાર્યકરો આજે ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે હાથમાં વિશાળ બેનરો, પ્લેકાર્ડ લઇને ઉમટયા હતા. જેમાં હર વો સિનેમા જલેગા, જહાં પદ્માવત ચલેગા, હાય રે ભણસાલી હાય હાય.. જો ઇતિહાસ બદલોગે તો, નયા ઇતિહાસ બનાયેંગે જેવા ઉગ્ર સૂત્રો લખેલા બેનરો જોવા મળ્યા હતા. રાજપૂત સમાજના રોષે ભરાયેલા કાર્યકરોએ જોરશોરથી સૂત્રોચ્ચાર અને નારાઓ લગાવ્યા હતા અને પદ્માવત ફિલ્મનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. રાજપૂત સમાજના કાર્યકરો અને દેખાવોના કાર્યક્રમને પગલે ટ્રાફિક ચક્કાજામ પણ થઇ ગયો હતો અને વાતાવરણ તંગ બન્યું હતું, જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી અને મામલો શાંત કર્યો હતો. અમદાવાદ સિવાય રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પણ આજે પદ્માવત ફિલ્મને લઇ કરણી સેના અને રાજપૂત સમાજનો ઉગ્ર વિરોધ ચાલુ રહ્યો હતો. બીજીબાજુ, રાજયના ઉત્તર ગુજરાત સહિતના રૂટોની એસટી બસ સેવા આજે સતત ત્રીજા દિવસે પણ મહ્‌દ અંશે ખોરવાયેલી રહી હતી. જેના કારણે હજારો મુસાફરો હાલાકીનો ભોગ બન્યા હતા. અમદાવાદ સહિત રાજયના વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં હજુ કેટલા થિયેટરોમાં પદ્માવત ફિલ્મ રિલીઝ થશે કે નહી થાય તે ગંભીર પરિસ્થિતિને લઇ હજુ નક્કી થઇ શકયુ નથી. અમદાવાદમાં ફિલ્મની રિલીઝને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હજુ એડવાન્સ બુકીંગ સુદ્ધાં થયું નથી. કરણીસેનાએ આજે ફરી એકવાર ફિલ્મનું રિલીઝ કોઇપણ ભોગે અટકાવવા અને નહી તો, માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચીમકી આપી હતી. તો, સામે રાજય પોલીસ તંત્રએ જે થિયેટરમાલિકો ફિલ્મ બતાવવા તૈયાર હોય તેઓને પૂરતી અને ચુસ્ત પોલીસ સુરક્ષા આપવા ખાતરીપૂર્વકની હૈયાધારણ આપી હતી.

Related posts

યમલા પગલા દિવાના-૩માં કાજલ મુખ્ય રોલમાં દેખાશે

aapnugujarat

ઓસ્કાર એવોર્ડમાં દ શેપ ઓફ વોટરે જોરદાર સપાટો બોલાવ્યો

aapnugujarat

‘મર્દાની ૨’નાં શૂટિંગનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1