Aapnu Gujarat
ગુજરાત

વરદાન ટાવરની ગેસ લીકેજની દુર્ઘટના બાદથી ઘેરા પ્રત્યાઘાત

શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરની કરિયાણાની દુકાનમાં તાજેતરમાં ગેસલીકેજના કારણે લાગેલી ભયંક આગમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોતની ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગેસ લીકેજની અવારનવાર બનતી ઘટનાઓ અને એલપીજી ગ્રાહકો સાથે થતી છેતરપીંડી અટકાવવા અને ગ્રાહકોની ખાસ કરીને મહિલાઓ-ગૃહિણીઓની સુરક્ષા માટે કોઇપણ સંજોગોમાં લીકેજ એલપીજી સિલિન્ડરો ગ્રાહકોના રસોડા સુધી ના પહોંચે તેવું અસરકારક વ્યવસ્થાતંત્ર ઉભુ કરવા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉગ્ર માંગણી કરી છે. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અત્યારસુધીમાં ગેસ લીકેજ કે ગેસનો બાટલો ફાટવા સહિતની કેટલીક ગંભીર દુર્ઘટનાઓને ટાંકીને રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગ્રાહકોની ખાસ કરીને મહિલાઓ-ગૃહિણીઓની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્યતા આપવા માંગણી કરી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું હતું કે, ગેસ લીકેજની ફરિયાદોમાં સતત વધારો થઇ રહ્યો છે, વર્ષેદહાડે સરેરાશ દસ હજારથી વધુ ફરિયાદો આવે છે. ખાસ કરીને શિયાળામાં ફરિયાદોનું પ્રમાણ ૪૦૦ ટકા વધી જાય છે. ગ્રાહકોએ ગેસ લીકેજની ફરિયાદ માટે તાત્કાલિક ૧૯૦૬ નંબર પર ફરિયાદ કરવાનું જણાવાય છે પરંતુ આ નંબર લાગતો નથી અથવા તો એન્ગેજ આવે છે. ગ્રાહકોના રસોડા સુધી કોઇપણ સંજોગોમાં લીકેજ એલપીજી સિલિન્ડર ના પહોંચે તે જોવાની ઓઇલ કંપનીઓ, ગેસ એજન્સીઓ અને સરકારી તંત્રની જોવાની ફરજ છે. ઓઇલ કંપનીઓના બોટલીંગ-રીફીલ પ્લાન્ટમાંથી આડેધડ લીકેજ બાટલા ગેસ એજન્સી સુધી પહોંચે છે અને ત્યારબાદ ત્યાંથી હોમડિલીવરી દ્વારા સીધા ગ્રાહકોના ઘેર પહોંચાડાય છે પરંતુ તે દરમ્યાન સુરક્ષા કે સલામતીના કોઇ ધારાધોરણોની ચકાસણી કે મોનીટરીંગ થતું નથી. એલપીજી સિલિન્ડરમાં ગેસ લીકેજ નહી હોવાનું ચેક-ટેસ્ટીંગ કરીને લીકપ્રુફ બાટલા પહોંચાડવા-ડિલીવરી કરવાના સરકારી પરિપત્રનો પણ કોઇ અમલ જ થતો નથી. ખુદ સરકારી તંત્ર અને સરકારના સત્તાવાળાઓ આ સમગ્ર મામલે ગંભીર ઉદાસીનતા દાખવી રહ્યા છે અને તેના પરિણામ સ્વરૂપ નિર્દોષ લોકોએ તેમના જીવ ખોવાનો વારો આવે છે.
આ સંજોગોમાં એલપીજી ગ્રાહકો સાથે થતી છેતરપીંડી અટકાવવા અને ગ્રાહકોની સુરક્ષા-સલામતી માટે ગ્રાહ્‌ક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગેસ એજન્સીઓ સહિતના જાહેર સ્થળોએ લોકજાગૃતિ માટે સંદેશાત્મક પત્રિકાઓ અને પોસ્ટરો લગાવવામાં આવશે.

Related posts

સરકારે ગુજરાત યુનિવર્સિટીને એક રૂપિયો પણ ફાળવ્યો નથી

aapnugujarat

અમદાવાદમાં સિવિલ ડિફેન્સ સ્થાપ્ના દિવસની ઉજવણી કરાઈ

editor

ખર્ચનો હિસાબ ન રજૂ કરનાર ૮૯ ઉમેદવારને રાજય ચૂંટણી પંચની નોટિસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1