Aapnu Gujarat
ગુજરાત

એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાના કામો પડકારરૂપ

અમદાવાદ શહેર સહિત રાજયભરના વાહનોમાં જૂની નંબર પ્લેટ બદલી હવે હાઇ સીકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ(એચએસઆરપી) ફરજિયાત લગાવવા માટેની મુદત સરકારે વધારી હોવાછતાં વાહનચાલકોના ભારે ધસારા, અમલવારીની અસમંજસતા અને આ કપરા કાર્યને પહોંચી વળવા આયોજનના અભાવના કારણે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું કામ આરટીઓ તંત્ર અને ડીલરો માટે પણ માથાના દુઃખાવા સમાન બન્યુ છે. બીજીબાજુ, વસ્ત્રાલ, મોડાસા સહિતની કેટલીક આરટીઓ કચેરીમાં નંબર પ્લેટ ફીટ કરવાની કામગીરી સાથે સંકળાયેલા ત્રણથી વધુ કર્મચારીઓને પાણીચું પકડાવાતા અને નંબર પ્લેટના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓના પગારમાં છેલ્લા ઘણા સમયથી વધારો નહી થતાં ખુદ કર્મચારીઓમાં પણ ઉગ્ર અસંતોષ અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. આરટીઓ તંત્ર પાસે પૂરતી માત્રામાં સ્ટાફ કે માણસો જ નથી તો, કેવી રીતે લાખો વાહનચાલકો-નાગરિકોના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરી શકાશે તે સૌથી મોટો યક્ષપ્રશ્ન છે. સૌથી આઘાતજનક અને ચોંકાવનારી વાત એ છે કે, એકબાજુ લાખો વાહનચાલકોના વાહનમાં એચએસઆરપી લગાવવાની છે તો, બીજીબાજુ, આરટીઓ તંત્ર પાસે પૂરતો સ્ટાફ અને સુવિધા જ નથી. તા.૧૫મી ફેબ્રુઆરી સુધીમાં વાહનોમાં એચએસઆરપી લગાવવાના સરકારના આ તઘલખી ફરમાન અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયનો વાસ્તવિક કે વ્યવહારૂ અમલ શકય જ જણાતો નથી. કારણ કે, સરકારે તા.૧૫મી ફેબ્રુઆરી સુધીની જે મહેતલ વધારી છે, તેમાં કોઇકાળે એચએસઆરપી લગાવવાનું કામ પૂર્ણ જ થાય તેમ નથી એવું ખુદ આરટીઓ સત્તાવાળાઓ સ્વીકારી રહ્યા છે. અમદાવાદ સહિત રાજયભરમાં અંદાજે દોઢથી બે કરોડથી વધુ વાહનોમાં નંબર પ્લેટ બદલાવાની થાય છે, માત્ર અમદાવાદમાં જ આવા વાહનોનો આંકડો ૪૦થી ૫૦ લાખથી પણ વધુનો થવા જાય છે. જે રાતોરાત બદલવી ખુદ આરટીઓ તંત્ર કે તેના અધિકારીઓ માટે પણ કોઇપણ રીતે શકય જ નથી. જો આ નિર્ણયનો અમલ કરાવવો હોય તો પણ સરકારે તબક્કાવાર અમલ કરાવવો પડે. વળી, એચએસઆરપી નંબર પ્લેટ કયા વાહનોમાં લગાવવી એટલે કે, કેટલા વર્ષ જૂના વાહનોમાં લગાવવી અને વર્ષો જૂના વાહનો કે જે ભંગારની હાલતના થઇ ગયા છે તેનુ શું ? આ સહિતની અનેક બાબતમાં સરકાર કે આરટીઓ સત્તાવાળાઓ સ્પષ્ટ નથી અને તેના કારણે ભારે અસમંજસતાભરી સ્થિત બની છે. કોઇપણ પ્રકારના ચોક્કસ આયોજન કે વ્યવહારૂ અભિગમ કે વ્યૂહરચના સિવાય આટલું મોટું કાર્ય નિયત સમયમર્યાદામાં શકય ના બને. એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ ઉમેર્યું કે,એચએસઆરપી નંબર પ્લેટના નિર્ણયના મુદ્દે સરકાર પોતે જ બહુ મોડી જાગી છે અને હવે નિર્ણયનો અમલ કરાવવા ઉતાવળી કરી રહી છે. સુપ્રીમકોર્ટની ફટકારથી બચવા સરકાર પબ્લીક પર ખોટુ અને ગેરવાજબી દબાણ ઉભુ કરી રહી છે, જે બિલકુલ અયોગ્ય અને અત્યાચારી વલણ કહી શકાય. બીજીબાજુ, સરકારના આ તઘલખી ફરમાનને લઇ અમદાવાદ સહિત રાજયભરમાં જાહેરજનતામાં ઉગ્ર રોષની લાગણી ભભૂકી ઉઠી છે. આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ આરટીઓમાં સામાન્ય સંજોગોમાં રોજની ૨૫૦થી વધુ એચએસઆરપી નંબર પ્લેટ નવા વાહનોમાં નાંખી આપવામાં આવે છે. હાલ આરટીઓમાં અત્યારે માત્ર દસ જણાંની ટીમ સાથે આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે, જે રૂટીન કામગીરીને પહોંચી વળવા માટે પણ પૂરતી નથી. સરકારની જાહેરાત બાદ દર રવિવારે પણ આરટીઓ કચેરી ખુલ્લી રાખી એચએસઆરપીની રસીદો જારી કરવાનું કામ ચાલુ રખાયું છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં વસ્ત્રાલ, મોડાસા સહિતની આરટીઓ કચેરીમાં નંબરપ્લેટ સાથે સંકળાયેલા ત્રણથી વધુ કર્મચારીઓને છૂટા કરાતાં કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. એક તો, લાખો નંબરપ્લેટ લગાવવાના કામનું ભારણ છે, તેવામાં મેનપાવરની ક્ષમતા વધારવાના બદલે તે તંત્ર ઘટાડી રહ્યું છે. વળી, નંબર પ્લેટના કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓના પગારને લઇને પણ શોષણની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. કર્મચારીઓમાં આર્થિક શોષણને લઇ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે, જેની સીધી અસર એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરવાના કામના ભારણ પર પડી શકે છે. સરકારના સત્તાવાળાઓ અને તંત્રના અધિકારીઓએ કર્મચારીઓની આ લાગણીને પણ ધ્યાને લેવી જોઇએ કારણ કે, કામના ભારણ વચ્ચે તેઓ રાત્રે દસ-દસ, અગિયાર વાગ્યા સુધી આરટીઓમાં રોકાઇને કામ કરતા હોય છે.

Related posts

માસ્ક નિયમના ધજાગરા ઉડાડી પોલીસ કાફલા સાથે ભાઈગીરી કરતી એમ.પી.ની મહિલાઓ

editor

ડાંગમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી રૂપાણી

aapnugujarat

કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1