Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે જોરદાર અને પ્રચંડ જોશથી લડવાનું કોંગ્રેસે મન બનાવ્યું છે અને તેના માટે પોતાના સ્ટાર પ્રચારકો થકી ગુજરાતમાં કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરવાની જબરદસ્ત કવાયત હાથ ધરી છે. જેમાં આ વખતે કોંગ્રેસે મુખ્ય સુકાન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સંભાળ્યું છે. સમગ્ર ગુજરાતનો ચૂંટણી પ્રવાસ ખેડયા બાદ હવે રાહુલ ગાંધી ચૂંટણીની ખાસ વ્યૂહરચનાના ભાગરૂપે તા.૨૪મી નવેમ્બરના રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ વખતે તેમની મુલાકાતનું મુખ્ય કેન્દ્ર સ્થાન અમદાવાદ હશે અને અહીં શહેરમાં તેમનો ભવ્ય અને વિશાળ રોડ શો પણ યોજાય તેવી પણ શકયતા છે. આ માટે કોંગ્રેસ તડામાર તૈયારીઓ પણ હાથ ધરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ચૂંટણી પ્રવાસ ખેડી જાહેરસભાઓ, લોકસંવાદ અને વન ટુ વન લોકોને મળી કોંગ્રેસ તરફી ભારે લોકજુવાળ ઉભો કર્યો હતો. આ વખતના રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસને અભૂતપૂર્વ અને જબરદસ્ત પ્રતિસાદ અને સફળતા સાંપડયા હતા, તે તેમની જાહેરસભા અને રોડ શોમાં સ્વયંભુ ઉમટેલી જનમેદની પરથી જ સ્પષ્ટ થઇ જતું હતું. જેથી કોંગ્રેસે રાહુલ ગાંધીની વધતી જતી લોકપ્રિયતા અને ગુજરાતમાં તેમના પ્રચારની સફળતા બાદ હજુ વધુ એક વખત તેમને ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ લાવવાનું આયોજન ચાલી રહ્યું છે. સંભવત : રાહુલ ગાંધી તા.૨૪મી નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવશે અને અહીં શહેરમાં ભવ્ય અને વિશાળ રોડ શો યોજી લોકો સાથે સીધો સંવાદ કરશે. અમદાવાદની મુલાકાત દરમ્યાન રાહુલ ગાંધી આ વખતે પણ નોટબંધી, જીએસટી ઉપરાંત ગુજરાતમાં શિક્ષણ, બેરોજગારી, મહિલાઓ, ખેડૂતો સહિતના મુદ્દાઓને લઇ મોદી સરકાર અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરે તેવી પૂરી શકયતા છે. રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમ્યાન સાણંદમાં દલિતોના એક કાર્યક્રમમાં પણ હાજરી આપે તેવી શકયતા છે. રાહુલ છેલ્લી ઘડીયે કોઇ ફેરફાર ના થાય તો પોરબંદરની પણ મુલાકાત લે તેવી શકયતા સેવાઇ રહી છે. હાલ તો ગુજરાતના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને નેતાઓ તેમની ગુજરાત મુલાકાતને લઇ વ્યસ્ત બન્યા છે.

Related posts

ભાવનગરનાં કોરોના વોરિયર્સનો દીકરો ઇરાનનાં મધદરિયે ફસાયો

editor

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૧ વર્ષના બજેટના ૧૪ હજાર કરોડ ખર્ચ્યા જ નથી

aapnugujarat

વેજલપુરમાં માસુમ સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1