Aapnu Gujarat
ગુજરાત

ડાંગમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનવાસી ક્ષેત્ર ડાંગમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા ડાંગના માજી રાજવીઓ, નાયકો ભાઉબંધોને સરકાર દ્વારા આપવામાં આવતા રાજકીય પેનશન (સાલીયાણા)ની રકમમાં વધારો કરવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કૃષિ મહોત્સવ આરંભ સાથે ડાંગમાં વિકાસ પર્વ રુપે રૂપિયા ૧૮૮ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હૂત સંપન્ન કર્યા હતા. તેમણે કહ્યું કે કુદરતી સૌંદર્ય અને વિપૂલ વનસંપદા ધરાવતા આ વન પ્રદેશના વન, વન્યજીવોના સંરક્ષણ તથા સંવર્ધન માટે સતત જાગૃત વનવાસી બંધુઓની સમસ્યાઓ પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવા સરકાર પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું હતું કે, સાપુતારાના વિસ્થાપિતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે તે માટે અંદાજે ૫૦ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવીને રોજગાર વ્યવસાય સહિતના આગવા આયોજન અંગે રાજ્ય સરકાર વિચારાધીન છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ખેતી અને સિંચાઈ, વીજળી, પીવાના પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવાના સઘન કામો આ સરકારે ઉપાડ્યા છે. તેમણે વનવાસી ડાંગ જિલ્લાને ૧૦૦ ટકા ઓર્ગેનિક જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ડાંગ જેવા વનવાસી-ડુંગરાળ વિસ્તારની તમામ જમીન પિયતયુક્ત બને તે માટે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેની ભૂમિકા આપી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વાડાની જમીન તેનો ભોગવટો ધરાવનાર માલિકના નામે કરવાની દિશામાં રાજ્ય સરકાર પ્રજાભિમુખ અભિગમ સાથે આગળ વધી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ખેડૂતોની સમૃદ્ધિ માટે વીજળી અને પાણીની બાબતે પણ આ સરકાર સંવેદનશીલતા સાથે કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું હતું. વિજય રૂપાણીએ રાજ્યમાં ગૌરક્ષાના કાનૂનને વધુ ધારદાર બનાવવાની સાથે, રાજ્યના તમામ વિસ્તારોમાં દૂધ અને ઘીની નદીઓ વહે તે માટે ગૌનસ્લ સુધારવા ક્ષેત્રે પણ અસરકારક કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે ગુજરાતની ભાવિ પેઢીને નશાની પાયમાલીથી બચાવવા માટે ગુજરાત સરકારે નશાબંધી કાયદામાં પણ કડક આમૂલ પરિવર્તન કર્યા હોવાનું જણાવ્યું છે. હાલમાં જ ખાનગી શાળાઓ માટેના ફી નિયમનના કાયદાના અસરકારક અમલીકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા તેમણે દોહરાવી હતી. શોષિત, પીડિત, વંચિત અને ગરીબ વર્ગ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રજાભિમુખ અભિગમ સાથે આગળ વધી રહી છે તેમ જણાવી વિજય રૂપાણીએ માનવીઓ સહિત રાજ્યના પશુધન માટે પણ આ સરકારે સંવેદના દર્શાવી છે તેમ જણાવ્યું હતું. કૃષિ મહોત્સવ સાથે આયોજિત પશુ આરોગ્ય અને સારવાર મેળાનો ઉલ્લેખ કરીને, મુખ્યમંત્રીએ અહીં આયોજિત કૃષિ પ્રદર્શનના માધ્યમથી ખેતીલક્ષી અનમોલ જ્ઞાન ખેડૂતો, પશુપાલકો અને પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું. રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે તુવેર અને મગફળી જેવા ખેત ઉત્પાદનો ખરીદવામાં રાજ્ય સરકારે લીધેલા સમયસરના નિર્ણયને કારણે, ખેડૂતોના પરસેવાની કમાણી તેમના પરિવારો સુધી પહોંચી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ દંડકારણ્યની આ પાવનભૂમિ ઉપર તેમને આવવાનું અને ડાંગી પ્રજાજનોને મળવાનું થયું તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી સૌના કલ્યાણની કામના સાથે સૌનો સાથ સૌનો વિકાસ એ વિભાવનામાં સૌને યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

Related posts

અમદાવાદ જિલ્‍લા પંચાયત ખાતે તાલુકા હેલ્‍થ ઓફીસરો, સીએચસી સુપ્રિટેન્‍ડન્‍ટ, મેડીકલ ઓફીસરો, અર્બન હેલ્‍થ ઓફીસરો ની સમીક્ષા બેઠક યોજાઇ

aapnugujarat

વટવાનાં સત્યેન્દ્ર હત્યા કેસમાં પત્ની અને તેના પ્રેમીની ધરપકડ

aapnugujarat

આવતીકાલે શનિજ્યંતિ : મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1