Aapnu Gujarat
ગુજરાત

આવતીકાલે શનિજ્યંતિ : મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટશે

આવતીકાલે સૂર્યપુત્ર શનિદેવનો જન્મદિવસ છે અને તેને લઇ શહેરના વિવિધ શનિમંદિરોમાં શનિ મહારાજના જન્મોત્સવની તડામાર તૈયારીઓ કરાઇ છે. શહેરના દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિરમાં આવતીકાલે શનિદેવ જન્મજયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. દૂધેશ્વરના શનિમંદિર ખાતે આવતીકાલે શનિદેવને વિશેષ પ્રકારે ૫૧ કિલો લાડુનો ભોગ ધરાવાશે. આ સાથે જ શનિદેવની ભવ્ય મહાઆરતી અને હોમ-હવન, યજ્ઞનું પણ આયોજન કરાયું છે તો શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શનિમંદિરોમાં શનિમહારાજના જન્મોત્સવની ભવ્ય ઉજવણી ઉપરાંત, તેલ અભિષેક અને વિશેષ પૂજા-મહાઆરતીનું આયોજન કરાયું છે. આવતીકાલે શનિદેવની કૃપા મેળવવાનો મહામૂલો અવસર હોઇ શ્રધ્ધાળુ શનિભક્તોની ભારે ભીડ શનિમંદિરોમાં જામશે. શહેરના દૂધેશ્વર વિસ્તારમાં ધોબીઘાટ પાસેના અતિપ્રાચીન શનિમંદિરમાં આવતીકાલે સૂર્યપુત્ર શનિદેવ જન્મજયંતિ ઉત્સવનું વિશેષ આયોજન કરાયું છે. ૧૦૮ વર્ષ જૂના શનિમંદિરના મહારાજ લાલચંદજી ભાર્ગવ અને રવિ મહારાજે જણાવ્યું હતું કે, દૂધેશ્વર સ્થિત આ શનિમંદિર અતિપ્રાચી અને અનન્ય મહાત્મ્ય ધરાવે છે. આવતીકાલે શનિજયંતિ નિમિતે શનિદેવને ખાસ પ્રકારે ૫૧ કિલો લાડુનો ભોગ ધરાવાશે.
બપોરે ૧૨-૦૦ વાગ્યે શનિ મહારાજની ભવ્ય મહાઆરતી યોજાશે. આ સિવાય સવારે ૧૦-૦૦ વાગ્યાથી રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી શનિદેવને ૧૦૮ આહુતિ આપવાનો ભવ્ય હોમ-હવન અને યજ્ઞ યોજાશે. સાંજે ૬-૦૦થી રાત્રે ૧૦-૦૦ દરમ્યાન મંદિર ખાતે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો શ્રધ્ધાળુઓ મહાપ્રસાદ ગ્રહણ કરશે. ઉપરાંત, સવારે ૮-૦૦થી રાત્રે ૧૦-૦૦ વાગ્યા સુધી ગણેશપૂજન, શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શનિકથા સહિતના પૂજા-કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જ પ્રકારે અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ખડોલ શનિધામ ખાતે પણ શનિદેવના પ્રાગટયદિન નિમિતે સંકલ્પસિધ્ધિ મહાઅનુષ્ઠાન યોજાશે. શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર, એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પર આવેલા મારૂતિનંદન મંદિરમાં આવેલ શનિમંદિરમાં પણ શનિ મહારાજના જન્મદિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું
છે.
આવતીકાલે શનિ મહારાજને શ્રધ્ધાળુ ભકતો તેલ, અડદ, સરસીયુ તેલ, તલ, ઇન્દ્રજવ, નીલમ, કામલી, કાળા વસ્ત્રો, ગોળ-ચણા, લોખંડ અર્પણ કરી તેનું દાન કરશે કારણ કે, તેનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે શનિની સાડાસાતી કે શનિની મહાદશા કે વક્રી શનિ જેવા શબ્દો સાંભળી માણસ થરથર કાંપી ઉઠતો હોય છે પરંતુ શનિદેવથી ડરવાનું કોઇ કારણ નથી. કારણ કે, શનિદેવ માત્ર ગુનેગારો, ભ્રષ્ટાચારીઓ, પાપાચારીઓ અને દુરાચારીઓને સબક શીખવાડે છે. સન્માર્ગે ચાલનારા લોકો માટે તો શનિદેવ આશીર્વાદ આપતા દેવ છે. અન્યાયીઓ કે આતતાયીઓ પર શનિદેવ કયારેય પ્રસન્ન થતા નથી. શનિદેવ એ ન્યાયના દેવતા છે. શનિ મહારાજનો ઓમ્‌ શં શનૈશ્વરાય નમઃ મંત્રનું આવતીકાલે સતત સ્મરણ કરી શકય એટલો જાપ કરવો, શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. આવતીકાલે શનિદેવની કૃપા મેળવવાનો મહામૂલો અવસર હોઇ શ્રધ્ધાળુ શનિભક્તોની ભારે ભીડ શનિમંદિરોમાં જામશે. મોડી રાત સુધી શ્રધ્ધાળુઓ શનિદેવના દર્શન માટે શનિમંદિરોમાં ઉમટશે.

Related posts

અલીપુરામાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

કોંગ્રેસના શાસનમાં ગરીબી, બેકારી, ભ્રષ્‍ટાચાર ફુલ્‍યો ફાલ્‍યો હતો : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

aapnugujarat

સરકારી નોકરીની લાલચે ૨૫ હજાર યુવકો સાથે છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1