Aapnu Gujarat
ગુજરાત

સંકટ ટળ્યું : અંતે નીતિન પટેલને નાણાં મંત્રાલય ફરી સોંપી દેવાયું

ભાજપની નવી સરકારમાં ખાતાઓની ફાળવણીથી લઇ પોતાની ગંભીર ઉપેક્ષાને લઇ ત્રણ દિવસથી નારાજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે ભાજપના મોવડીમંડળ(નરેન્દ્ર મોદી અને અમિત શાહ)ને મનાવવામાં સફળ રહ્યા હતા અને તેમને માંગણી મુજબ, નાણાં મંત્રાલય સહિતના તેમના જૂના ખાતાઓની ફાળવણી કરી દેવાતાં ભાજપમાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલા આંતરિક વિખવાદનો આખરે સુખદ અંત આવ્યો હતો અને ઘીના ઠામમાં ઘી પડયું હતું. નીતિનભાઇ પટેલે આજે સ્વર્ણિમ સંકુલ ખાતે તેમના નાયબ મુખ્યમંત્રી પદ સાથે નવા વિભાગનો ચાર્જ પણ વિધિવત્‌ રીતે સંભાળી લીધો હતો. આ પ્રસંગે તેમના હજારો ટેકેદારો, સમર્થકો સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા નીતિનભાઇએ તેમનામાં વિશ્વાસ મૂકી પક્ષમાં તેમનું માન જાળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ખાસ આભાર માન્યો હતો, સાથે સાથે છેલ્લા ત્રણ દિવસમાં તેમની પક્ષ સામેની નારાજગી વખતે પાટીદાર આગેવાનો સહિતના જે લોકોએ તેમને સાથ અને સહકાર આપ્યો તેમનો પણ આભાર માન્યો હતો. ભાજપની નવી રૂપાણી સરકારમાં ફરી એકવાર પોતાની ઉપેક્ષા અને થયેલા અન્યાયને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વખતે આક્રમક મુડમાં જોવા મળ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ રિસાઇને તેમના નિવાસસ્થાને જ બેસી ગયા હતા. નીતિન પટેલના રિસામણાંને લઇ ગુજરાત રાજકારણમાં ફરી એકવાર જોરદાર ગરમાવો આવી ગયો હતો. એટલે સુધી કે, નીતિન પટેલ રાજીનામુ ધરી દેશે અને જરૂર પડયે કોંગ્રેસમાં પણ જોડાઇ શકે છે તેવી અફવાઓ અને અટકળોનું બજાર ગરમ થયું હતું. જેની ભાજપના હાઇકમાન્ડને પણ નોંધ લેવી પડી હતી. જો કે, ત્રણ દિવસના મૌન બાદ આજે સાંજે નીતિનભાઇ પટેલે મીડિયા સમક્ષ વાતચીત કરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, હું ભાજપ પાર્ટી નહી છોડું, છેલ્લા ૪૦ વર્ષોથી મેં ભાજપ માટે મહેનત કરી છે. આ માત્ર ખાતાઓની વાત નથી પરંતુ વાત સ્વાભિમાન અને સ્વમાનની છે. મારી લાગણી મેં હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરી છે મને વિશ્વાસ છે કે, પાર્ટી યોગ્ય નિર્ણય લેશે.
એક તબક્કે હાર્દિક પટેલ અને કોંગ્રેસ તરફથી પણ નીતિનભાઇને કોંગ્રેસમાં દસ ધારાસભ્યો આવી જવા અને તેમને સીએમ બનાવવાની ઓફર કરાઇ હતી. દરમ્યાન નીતિન પટેલની નારાજગીનો વિવાદ વધુ જોર પકડે તે પહેલાં જ આજે ભાજપ મોવડીમંડળે શાણપણ રાખી તેમની માંગણી મુજબ, અગાઉ તેમને ફાળવાયેલા નાણાં મંત્રાલય, શહેરી સહિતના વિભાગાનો સ્વતંત્ર હવાલો તેમને સોંપી દેવાયો હતો. જેને પગલે નીતિનભાઇનું સન્માન અને સિનિયોરીટીની ગરિમા જળવાઇ જતાં નીતિનભાઇની નારાજગી દૂર થઇ હતી. મોવડીમંડળના નિર્ણય બાદ નીતિનભાઇ પટેલે સ્વર્ણિમ સંકુલ પહોંચી તેમની ઓફિસમાં નવા હોદ્દાનો પદભાર સંભાળી લીધો હતો. આ પહેલા તેમણે ઓફિસમાં ઉમિયા માતાજીની આરતી ઉતારી, આશીર્વાદ મેળવી, બધાને પ્રસાદ વહેંચ્યો હતો અને સૌકોઇને આભાર માન્યો હતો. આ પ્રસંગે તેમના હજારો સમર્થકો-ટેકેદારો પણ હાજર રહ્યા હતા. નીતિનભાઇની માંગણી સંતોષાતા તેમના સમર્થકો-ટેકેદારોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતામાં ફેરફાર અંગે રાજયપાલને વિધિવત્‌ જાણ પણ કરી હતી.

Related posts

बडौदा : पीसीबी ने गिरफ्तार किए ४ बांग्लादेशी लोगों को

aapnugujarat

વાઇબ્રન્ટ સમિટની પૂર્ણહુતિ

aapnugujarat

ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1