Aapnu Gujarat
ગુજરાત

વાત સત્તા કે ખાતાની નહી પરંતુ મારા સ્વમાનની હતી : નીતિન પટેલની પ્રતિક્રિયા

ભાજપની નવી સરકારમાં પોતાની ઉપેક્ષા બાદ અને ત્રણ દિવસની રિસામણાં બાદ આખરે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની માંગણી સ્વીકારાતાં તેમની નારાજગી દૂર થઇ હતી અને પોતે આજે રાજી જણાતાં હતા. નીતિનભાઇ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી તરીકે નાણાં મંત્રાલય, શહેરી મંત્રાલય જેવા મને અગાઉ ફાળવાયેલા જૂના ખાતાઓ સોંપાય તો હું સ્વમાન સાથે કામ કરી શકું. આ માત્ર સત્તા કે ખાતા માટેની વાત ન હતી પરંતુ વાત મારા નૈતિક સ્વમાનની પણ હતી. જે ભાજપ મોવડીમંડળે જાળવ્યું છે અને મારામાં ફરી એકવાર વિશ્વાસ મૂકી મને માંગણી મુજબ ખાતાઓની ફાળવણી કરાઇ છે તે બદલ હું તેમનો આભાર માનું છું. નીતિનભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, મેં આ ત્રણ દિવસ દરમ્યાન પક્ષને દુઃખ થાય કે કોઇ રીતે નુકસાન થાય તેવી કોઇ પ્રવૃત્તિ કરી નથી. હું મારા ઘેર જ બેસી રહ્યો હતો અને મીડિયા સાથે પણ વાત કરી નથી. પાર્ટી છોડવાનો તો કોઇ પ્રશ્ન જ ન હતો કારણ કે, છેલ્લા ૪૦ વર્ષોથી હું પક્ષની સેવા કરતો આવ્યો છું. નવી સરકારમાં ખાતાઓની ફાળવણી બાદ મને થયેલા અન્યાય બદલ મેં ભાજપ હાઇકમાન્ડ સમક્ષ મારી લાગણી પહોંચાડી હતી, જેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મને યોગ્ય વિભાગ આપવાની હૈયાધારણ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ ત્રણ દિવસો દરમ્યાન મેં મંત્રીમંડળના સભ્યો પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કૌશિક પટેલ સાથે પણ ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલના ત્યાં મીટીંગ કરી હતી. મેં વર્ષોથી પક્ષમાં મહ્‌તવની જવાબદારી નિભાવી છે અને જનતાની સેવા કરી છે. ૧૯૯૫માં કેશુભાઇની સરકારમાં મને આરોગ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઇ હતી, એ પછી ૧૯૯૮માં પણ મને અગત્યની જવાબદારી સોંપાઇ હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ મને નાણાં મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપાઇ હતી. આમ, તમામ સરકારમાં મેં દરેક મુખ્યમંત્રી સાથે તેમના માર્ગદર્શન મુજબ વફાદારીપૂર્વક કામ કર્યું છે. કેટલાક લોકો દ્વારા મને મુખ્યમંત્રી પદ સહિતની લોભામણી ઓફરો પણ કરાઇ હતી પરંતુ મેં આવી તમામ ઓફરો ઠુકરાવી હતી કારણ કે, પાર્ટી છોડવાનો કોઇ પ્રશ્ન જ ન હતો.
મારી નારાજગી મારા સ્વમાનને ઠેસ પહોંચી એટલે હતી, ખાતા માટે નહી. આવતીકાલથી નવા વર્ષથી સરકારની કામગીરી શરૂ થઇ જશે. તેમણે આજે વિધિવત્‌ રીતે તેમનો પદભાર સંભાળી લીધો હોવાની પણ અધિકૃત જાહેરાત કરી હતી.

Related posts

आज भगवान की मूर्तियों की फिर से स्थापना होगी

aapnugujarat

મ્યુનિ. કચેરીઓમાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ લદાશે

aapnugujarat

सरसपुर में डेढ़ लाख से अधिक ने प्रसाद का आनंद लिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1