Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ : ઝાડા-ઉલ્ટીના ૨૩ દિનમાં ૪૭૩ કેસ થયા

અમદાવાદ શહેરના લઘુત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થવાની સાથે જ અમદાવાદ શહેરમાં સમી સાંજથી જ ઠંડા પવન વહેતા થઈ જાય છે.આ પરિસ્થિતિની વચ્ચે પણ અમદાવાદ શહેરમાં ડિસેમ્બર -૨૦૧૬ કરતા પણ વધુ ઝાડા ઉલ્ટીના કેસ નોંધાવા પામ્યા છે જેમાં આ વર્ષે માત્ર ૨૩ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૪૭૩ કેસ નોંધાવા પામ્યા છે આ ઉપરાંત શહેરમાં જમાલપુર અને વેજલપુર વોર્ડમાં કોલેરાનો એક એક કેસ નોંધાવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં જ્યાં એક તરફ દેશના કાશ્મીર સહિતના ઉત્તર ભારતના પ્રદેશોમાં થઈ રહેલી બરફ વર્ષાના પરિણામે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવા પામ્યો છે જેને લઈને શહેરીજનો સાંજના સમયે અને સવારના સુમારે ઠંડીની તીવ્રતાનો અનુભવ કરી રહ્યા છે તો બીજી તરફ અમદાવાદ શહેરના કોટ વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં નાગરિકો દ્વારા પ્રદૂષિત પાણી અંગેની મ્યુનિસિપલ તંત્રને કરવામાં આવી રહેલી ફરિયાદો સમયસર ન ઉકેલાવાના કારણે શહેરમાં આ માસની શરૂઆતથી ૨૩ ડિસેમ્બર સુધીમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૪૭૩ કેસ નોંધાવા પામ્યા છે.ગત વર્ષે ૨૦૧૬માં ડિસેમ્બર માસમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને સમગ્ર માસમાં ૪૫૯ કેસ નોંધાવા પામ્યા હતા આમ ગત વર્ષ કરતા પણ આ વર્ષે અમદાવાદ શહેરમાં ડિસેમ્બર માસ પુરો થવાને હજુ થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે ઝાડા ઉલ્ટીના કેસોએ માઝા મુકી છે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં જમાલપુર અને વેજલપુર વોર્ડમાં કોલેરાનો એક એક કેસ નોંધાવા પામ્યો છે.આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધીમાં કોલેરાના અમદાવાદ શહેરમાં કુલ મળીને ૮૮ કેસ નોંધાઈ ચુકયા છે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય એવા કમળાના કેસ પણ ગત વર્ષની સરખામણીમાં વધવા પામ્યા છે.ગત વર્ષે અમદાવાદ શહેરમાં સમગ્ર ડિસેમ્બર માસમાં કમળાના કુલ ૧૪૯ કેસ નોંધાવા પામ્યા હતા જેની તુલનામાં આ વર્ષે ૨૩ ડિસેમ્બર સુધીમાં કુલ ૧૭૪ જેટલા કેસ નોંધાઈ ગયા છે.આ સમયગાળામાં ટાઈફોઈડના કુલ મળીને ૧૪૩ કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદ શહેરમાં જ્યાં પાણીજન્ય રોગચાળો મ્યુનિસિપલ તંત્રની બેદરકારીના કારણે વકરી રહ્યો છે ત્યાં બીજી તરફ મચ્છરજન્ય રોગમાં મેલેરીયાના ૨૩ દિવસમાં ૮૦ કેસ નોંધાવા પામ્યા છે આ ઉપરાંત ઝેરી મેલેરીયાના ૩૯ કેસ અને ચીકનગુનીયાના ત્રણ કેસ નોંધાવા પામ્યા છે તો એડીસ ઈજીપ્તી મચ્છરથી ફેલાતા ડેન્ગ્યુના ૨૩ દિવસમાં કુલ મળીને ૩૭ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આમ છતાં તંત્ર તરફથી એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે,આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં ૬૩.૧૪ ટકા, ચીકનગુનીયાના કેસોમાં ૪૪.૨૯ ટકા અને મેલેરીયાના કેસોમાં ૧૨.૨૪ ટકાનો ઘટાડો નોંધાવા પામ્યો છે.

Related posts

૭૦૦ કરોડનું ડ્રગ્સ પકડાવાના કેસમાં આતંકી કનેક્શન હોવાની શક્યતા

aapnugujarat

CM to start Digital Seva Setu in rural areas

editor

” આનંદ એ જ સાહિત્યનું સર્વોચ્ચ પ્રયોજન છે.”- યશોધર રાવલ

editor

Leave a Comment

UA-96247877-1