Aapnu Gujarat
ગુજરાત

મંજુરી નહીં છતાંય હાર્દિકનો અમદાવાદમાં મેગા રોડ-શો

પાસના નેતા હાર્દિક પટેલે અમદાવાદ શહેરમાં બોપલથી નિકોલ સુધી વિશાળ મેગા રોડ-શો યોજી ફરી એકવાર પોતાના શકિત પ્રદર્શનનો પરિચય આપ્યો હતો. પોલીસની વિધિવત્‌ પરમીશન નહી મળી હોવાછતાં હાર્દિક પટેલે રોડ-શો યોજી પોતાની મક્કમતા અને દ્રઢતાનો પણ પરિચય આપ્યો હતો. જો કે, પાછળથી પોલીસે શરતી મંજૂરી આપી હતી પરંતુ રોડ-શો અને વિશાળ રેલીને લઇ ભારે વિવાદ સર્જાયેલો રહ્યો હતો. બીજીબાજુ, આજે સાંજે હાર્દિક પટેલનો રોડ-શો બાપુનગર વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એક તબક્કે ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાતાં બંને પક્ષે સામસામે અચાનક પથ્થરામારો શરૂ થઇ ગયો હતો. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ અને નાસભાગ મચી ગઇ હતી અને વાતાવરણ થોડીવાર માટે તંગ બની ગયું હતું. જો કે, સ્થાનિક પોલીસ અને સુરક્ષા જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બાદમાં હાર્દિક પટેલનો રોડ-શો હેમખેમ રીતે નિકોલ તરફ આગળ વધ્યો હતો અને ત્યાં નિકોલ જનસેવા કેન્દ્ર ખાતે જાહેરસભાના સ્વરૂપમાં ફેરવાયો હતો, જયાં વિશાળ માનવમહેરામણ હાર્દિકની જનસભા સાંભળવા ઉમટયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન તા.૧૪મી ડિસેમ્બરે યોજાનાર છે ત્યારે તે પહેલાં પાસના યુવા નેતા હાર્દિક પટેલે આજે અમદાવાદમાં બોપલથી નિકોલ સુધી મેગા રોડ-શો યોજી ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર તેની નોંધ લેવા લોકોને મજબૂર કરી દીધા હતા. હાર્દિક પટેલના મેગા રોડ-શોમાં ફોર વ્હીલર કારોનો કાફલા ઉપરાંત મોટી સંખ્યામાં ટુ વ્હીલર પણ જોડાયા હતા. સમગ્ર રોડ શો દરમ્યાન પાસના કાર્યકર્તાઓ અને પાટીદારો જય સરદાર, જય પાટીદારના નારાઓ લગાવતા જોવા મળ્યા હતા. બોપલ-ઘુમાથી હાર્દિક પટેલનો શો નીકળી એક તબક્કે ઘાટલોડિયામાં આનંદીબહેન પટેલના મતવિસ્તારમાં અને ત્યારબાદ અમિત શાહના મતવિસ્તારમાંથી નીકળ્યો ત્યારે રાજકારણ જોરદાર રીતે ગરમાયું હતું. જો કે, હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા હવે જાગૃત થઇ ગઇ છે તેની નિશાની આજના રોડ શોમાં સ્વયંભુ જોડાયેલા લોકો છે. ગુજરાતમાં આ વખતે પરિવર્તનની હવા ફુંકાઇ છે. સત્તા પરિવર્તન થશે.દરમ્યાન હાર્દિક પટેલનો રોડ શો આજે સાંજે સાતેક વાગ્યાની આસપાસ બાપુનગર વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ભાજપના કાર્યકરોએ ભાજપનો ઝંડો બતાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. તો, સામે પાટીદારોએ પણ જય સરદાર, જય પાટીદારના જોરદાર નારા લગાવી તેમના ઝંડા અને ટોપીઓ બતાવી હતી. આમ જોતજોતામાં બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને થોડીવારમાં તો અચાનક બંને પક્ષે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ થોડા સમય માટે ડહોળાયુ હતું. જો કે, પોલીસને જાણ થતાં જ સુરક્ષા જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લઇ બંને પક્ષને શાંત પાડયા હતા. પોલીસે ટ્રાફિકજામનું નિવારણ કરી હાર્દિક પટેલના રોડ શોને ત્યાંથી શાંતિપૂર્ણ રીતે પસાર કરાવ્યો હતો અને ત્યારબાદ હાર્દિક પટેલનો રોડ શો નિકોલ પહોંચ્યો હતો. જયાં હાર્દિકે વિશાળ જનસમુદાયને જનસભા સંબોધી હતી.

Related posts

રાહુલ ગાંધીએ કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું : જીતુ વાઘાણીનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

મ્યુનિ. સ્કૂલબોર્ડ બેઠકમાં અંગ્રેજી શાળા શરૂ કરવાની દરખાસ્તનો કોંગ્રેસ દ્વારા વિરોધ

aapnugujarat

ઓમ સેવાધામ સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સ ને સન્માનિત કરાયા

editor

Leave a Comment

UA-96247877-1