Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

શશીકપુરની અંતિમવિધીમાં બોલિવુડ હસ્તીઓ ઉપરાંત ચાહકો અંતિમસંસ્કારમાં જોડાયા

બોલિવુડના લોકપ્રિય અભિનેતા શશી કપુરના  મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. શશીકપુરના અંતિમસંસ્કારમાં અમિતાભ બચ્ચન સહિત બોલિવુડની તમામ હસ્તીઓ ઉમટી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં શશીકપુરના ચાહકો પણ અંતિમસંસ્કારમાં જોડાયા હતા.  ભારે વરસાદ અને ભીની આંખો વચ્ચે શશીકપુરને અંતિમ વિદાય આપવામાં આવી હતી. મુંબઇના શાંતાક્રુઝ સ્મશાન ગૃહમાં તેમના સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. શાનદાર અભિનયના કારણે હિન્દી સિનેમામાં એક ખાસ છાપ ઉભી કરનાર શશી કપુરને વિદાય આપવા માટે બોલિવુડની તમામ હસ્તીઓ પહોંચી હતી. જેમાં બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો સમાવેશ થાય છે. શશીકપુરની સાથે એક ડઝનથી પણ વધારે ફિલ્મમાં કામ કરી ચુકેલા નજીકના મિત્ર અમિતાભ બચ્ચને પોતાના પુત્ર અભિષેક બચ્ચનની સાથે અંતિમવિધીમાં હાજરી આપી હતી. આજે તેમના અંતિમસંસ્કાર વેળા તમામ ચાહકો અને નજીકના લોકો અને પરિવારના સભ્યોની આંખો ભીની હતી. શશીકપુરના પુત્ર કરણે અંતિમ સંસ્કારની વિધી પૂર્ણ કરી હતી. વિતેલા વર્ષોના સુપર સ્ટાર અભિનેતા અને પદ્મભૂષણથી સન્માનિત શશી કપૂરનું લાંબી માંદગી બાદ ગઇકાલે અવસાન થતાં બોલીવુડમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી શશી કપૂરની તબિયત સારી ન હતી. ૨૦૧૫માં શશી કપૂરને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વયોવૃદ્ધ સાથે સંબંધિત તકલીફ તેમને સતત નડી રહી હતી. સતત તબીબી દેખરેખ હેઠળ શશી કપૂર હતા. ૧૮મી માર્ચ ૧૯૩૮ના દિવસે જન્મેલા શશી કપૂરે અભિનેતા તરીકે ૧૭૫થી વધુ ફિલ્મોમાં ભૂમિકા કરી હતી. કલયુગ, વિજેતા, ઉત્સવ જેવી ફિલ્મોનું નિર્માણ પણ કર્યં હતું. આ ઉપરાંત ૧૯૯૧માં રજૂ થયેલી અમિતાભ બચ્ચન અભિનિત અજુબા ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. શશી કપૂરે બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆર કરી હતી. રાજકપૂરની આગ ફિલ્મ જે વર્ષ ૧૯૪૮માં રજૂ કરવામાં આવી હતી અને ૧૯૫૧માં રજૂ કરાયેલી આવારા ફિલ્મમાં તે બાળ કલાકાર તરીકે હતા. શશી કપૂરે ૧૯૬૧માં રજૂ થયેલી ધરમપુત્ર નામની ફિલ્મમાં અભિનેતા તરીકે એન્ટ્રી કરી હતી. ૧૯૮૦ સુધી બોલીવુડમાં શશી કપૂરનું પ્રભુત્વ રહ્યું હતું. શશી કપૂરે અભિતાભ બચ્ચન સાથે અનેક ફિલ્મોમાં જોડી જમાવી હતી જેમાં તમામ સુપરહિટ ફિલ્મો દિવાર, સુહાગ, કભી કભી, ત્રિશુલ, સિલસિલા અને નમક હલાલ, કાલાપથ્થરનો સમાવેશ થાય છે. ૨૦૧૧માં પદ્મભૂષણથી ભારત સરકારે તેમને સન્માનિત કર્યા હતા. ૨૦૧૫માં શશી કપૂરને દાદા સાહેબ ફાલ્કેથી સન્માનિત કરાયા હતા. આ સન્માન મેળવનાર પરિવારના શશી કપૂર ત્રીજા સભ્ય બન્યા હતા. પૃથ્વી રાજ કપૂર અને રાજ કપૂરને પણ આ સન્માન મળ્યું હતું. શશી કપૂરે ધરમપુત્રમાં અભિનેતા તરીકે એન્ટ્રી કર્યા બાદ ૧૭૫ ફિલ્મોમાં અભિનેતા તરીકે ભૂમિકા ભજવી હતી જેમાં ૬૧ ફિલ્મોમાં શશી કપૂર મુખ્ય અભિનેતા તરીકે હતા. ૫૫ મલ્ટી સ્ટારર ફિલ્મો હતી. ૨૧ સહાયક અભિનેતા તરીકેની હતી. સાતમાં મહેમાન તરીકેની ભૂમિકા હતા. ૧૯૬૦, ૧૯૭૦ અને ૧૯૮૦ના દશક સુધી શશી કપૂર સૌથી લોકપ્રિય અભિનેતા હતા. અંગ્રેજી ફિલ્મોમાં પણ શશીકપૂરે ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી નંદાએ આઠ ફિલ્મો શશીકપૂર સાથે કરી હતી.

Related posts

પોષ પુર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓનું સ્નાન

aapnugujarat

सरकार ने रखी आर्थिक सर्वे की रिपोर्ट, 7 फीसदी GDP का अनुमान

aapnugujarat

જેકલિન જુડવા-૨ ફિલ્મને લઇ વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1