Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણી : ૯૨૩ પૈકી ૧૩૭ ઉમેદવાર સામે ફોજદારી કેસો નોંધાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાત ઇલેકશન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ(એડીઆર) દ્વારા પ્રથમ તબક્કાની ૮૯ વિધાનસભા બેઠકો માટે ઉભા રહેલા ઉમેદવારોના ૯૭૭ સોગંદનામાંમાંથી ૯૨૩નું ખૂબ જ મહત્વપૂર્ણ વિશ્લેષણ અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ૫૪ ઉમેદવારોના સોંગદનામાં સરખી રીતે સ્કેન નહી થયા હોઇ વંચાતા ન હોઇ તેનું વિશ્લેષણ કરાયું ન હતું. ગુજરાત ઇલેકશન વોચ અને એડીઆરના વિશ્લેષણમાં ચોંકાવનારા અને રસપ્રદ તારણો સામે આવ્યા હતા, જે મુજબ, કુલ ૯૨૩ ઉમેદવારોમાંથી ૧૩૭ એટલે કે, ૧૫ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો દાખલ થયેલા છે તે તેઓએ તેમના સોંગદનામામાં સ્વીકાર્યું છે. આ ૧૩૭માંથી ૭૮ ઉમેદવારો એટલે કે, આઠ ટકા ઉમેદવારો સામે ખૂન, ખૂનની કોશિશ, અપહરણ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે એમ અત્રે ગુજરાત ઇલેકશન વોચ અને એડીઆરના ફાઉન્ડીંગ મેમ્બર ડો.જગદીપ છોકર અને કો-ઓર્ડિનેટર પંકિત જોગે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના વિશ્લેષણમાં કુલ ૯૨૩ ઉમેદવારોમાંથી ૧૯૮ ઉમેદવારો એટલે કે, ૨૮ ટકા તો કરોડપતિ છે. ૯૨૩ ઉમેદવારોમાંથી સાત ટકા એટલે કે, ૬૫ ઉમેદવારો તો પાંચ કરોડથી પણ વધુની આવક ધરાવે છે, જયારે સાત ટકા ઉમેદવારો એટલે કે, ૬૦ ઉમેદવારો બેથી પાંચ કરોડની આવક ધરાવે છે. પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત રૂ.૨.૧૬ કરોડ છે. જયારે માત્ર બે ઉમેદવારોે પોતાની મિલકત ઝીરો દર્શાવી છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના કુલ ૮૯ વિધાનસભા મતવિસ્તારો પૈકી ૨૧ એટલે કે, ૨૪ ટકા વિધાનસભા મતક્ષેત્રો રેડ એલર્ડ મતવિસ્તારો છે કે, જેમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોની સામે ફોજદારી ગુનાઓ દાખલ થયેલા છે. ગુજરાત ઇલેકશન વોચ અને એડીઆરના ફાઉન્ડીંગ મેમ્બર ડો.જગદીપ છોકર અને કો-ઓર્ડિનેટર પંકિત જોગે એ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું હતું કે, ૯૨૩ ઉમેદવારો પૈકી ૧૨૭ ઉમેદવારો એટલે કે, ૧૪ ટકા લોકોએ તેમના પાન કાર્ડ નબંરની વિગતો જાહેર કરી નથી. જયારે આઠ ઉમેદવારોએ ઇન્કમટેક્સ રિટર્નમાં તેમની વાર્ષિક આવક રૂ.એક કરોડથી વધુ જાહેર કરી છે. તો, ૯૨૩ ઉમેદવારોમાંથી ૪૭૧ ઉમેદવારો એટલે કે, ૫૧ ટકા ઉમેદવારોએ પોતાના સોગંદનામામાં ઇન્કમટેક્ષની વિગતો જાહેર કરી નથી. તેમણે ઉમેર્યું હતું કે, વિધાનસભા ચૂંટણી દરમ્યાન ઘણા ઉમેદવારો દ્વારા તેમના ઉમેદવારીપત્રમાં કોલમ રાખવામાં આવે છે, ઇન્કમટેક્ષ, પાનકાર્ડ, આવક સહિતની વિગતો જાહેર કરાતી નથી અથવા તો અધૂરી માહિતી અપાય છે તો અંગે સ્ક્રુટીની સમયે જરૂરી પગલાં લેવાની ચૂંટણી પંચને સત્તા છે કે ઉમેદવારનું ફોર્મ રદ કરી શકે. એટલું જ નહી, જાહેરજનતા અથવા તો નાગરિકોની પણ જે તે ઉમેદવારોની માહિતી કે હકીકત જાણતા હોય તો ચૂંટણી પંચનું ધ્યાન દોરી સોંગદનામામાં લખેલી વિગતો ખોટી અથવા તો ભૂલભરેલી હોય તો ચૂંટણી પંચનું ધ્યાન દોરવાની ફરજ છે. નાગરિકોએ હવે આ અંગેની જાગૃતતા કેળવવાનો સમય પાકી ગયો છે.

Related posts

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપ્યા

editor

લોક ગાયક કિંજલ દવે ના આયોજક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

editor

સુરતમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી ૧૨૦૦ સાડીઓ જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1