Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ રેલવે સ્ટેશનને ફૂંકી મારવાની ધમકી આપનાર ઝડપાયો

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યા ફોન કરવાના પ્રકરણમાં અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આરોપી ઓટોરીક્ષા ડ્રાઇવર યુવક અશ્વિન ઉર્ફે પપ્પુ લક્ષ્મણભાઇ જ્ઞાનદેવભાઇ મરાઠી(કોષ્ઠી)ની ધરપકડ કરી લીધી છે અને શહેરના વિવિધ વિસ્તારમાં એકલદોકલ જતી રાહદારી મહિલાઓના મોબાઇલ ફોનના લૂંટ અને રેલ્વે સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની ધમકીઓની અફવા ફેલાવી શહેરમાં દહેશતનો માહોલ ફેલાવવાના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. એસઓજી ક્રાઇમબ્રાંચે આરોપી યુવક પાસેથી લૂંટનો મોબાઇલ, ઓટોરીક્ષા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. બે દિવસ પહેલાં જ અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યા ફોન પોલીસ કંટ્રોલરૂમને મળ્યા હતા. જેને પગલે શહેર પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જો કે,સઘન અને ઝીણવટભરી તપાસના અંતે બોંબ મૂકાયાની વાત અફવા સાબિત થઇ હતી. પરંતુ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇને એસઓજી ક્રાઇમબ્રાંચે આ પ્રકરણમાં તપાસ હાથ ધરી હતી અને આજે શાહીબાગ અંડરબ્રીજ વિસ્તારમાંથી આરોપી અશ્વિન ઉર્ફે પપ્પુ લક્ષ્મણભાઇ જ્ઞાનદેવભાઇ મરાઠી(કોષ્ઠી)(રહે. જૂના વાડજ વિસ્તારમાં લક્ષ્મી બેકરીની પાછળ, સોરાબજી કમ્પાઉન્ડ)ને લૂંટના મોબાઇલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લીધેલી ઓટોરીક્ષા સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીની કડકાઇભરી પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, તા.૨૩મી નવેમ્બરે તે સિવિલ હોસ્પિટલ ગેટ નંબર-૫ આગળ ઉભો હતો ત્યારે એક બહેનને ગાંધીનગર જવાનું હોઇ તેમને પેસેજન્ર તરીકે બેસાડવાનું કહી તેમનો મોબાઇલ ફોન હાથમાંથી ઝુંટવી લૂંટી રીક્ષા લઇ તે ભાગી ગયો હતો અને બાદમાં મોબાઇલથી કાલુપુર રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ નંબર-૧ પર બે અજાણી વ્યકિત અંદરોઅંદર બોંબથી રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની વાત કરતી હતી તેવો ધમકીભર્યો ફોન કર્યો હતો. એ પછી તા.૨૫મી નવેમ્બરે પણ આરોપીએ સુભાષબ્રીજ પાસેથી એક બહેનને હાંસોલ જવાનું હોઇ પોતાની રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડયા હતા અને રસ્તામાં અંડરબ્રીજ તરફ નવા બનતા શાલીમાર ફલેટ આગળ સૂમસામ જગ્યાએ આ બહેન પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો અને બાદમાં લૂંટના આ મોબાઇલ મારફતે રાહુલભાઇ નામથી રેલ્વે સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની ધમકીનો ફોન કર્યો હતો. આરોપીએ કબૂલ્યું હતું કે, તેણે આ બંને ફોન પોલીસ તેમ જ પ્રજાને હેરાન પરેશાન કરવા અને શહેરમાં અફરાતફરી મચે અને ચૂંટણીનો માહોલ હોઇ દહેશત ફેલાવવાના ઇરાદાથી કર્યા હતા. પોલીસે આોરપી વિરૂધ્ધ જરૂરી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મહિલાઓને આર્થિક રીતે પગભર કરતો પ્રોજેકટ એટલે ‘‘પિન્ક ઓટો રીક્ષા પ્રોજેકટ’’

aapnugujarat

કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોમાં મોબાઈલ ફોન ચોરાયાની ફરિયાદ

aapnugujarat

સંકટ ટળ્યું : અંતે નીતિન પટેલને નાણાં મંત્રાલય ફરી સોંપી દેવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1