Aapnu Gujarat
બ્લોગ

ભાજપ – કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરવું પડશે….

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પણ તે પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પછી ભારે વિરોધ-વંટોળ ઉઠ્યોપ આમ તો કાંઈ નવી વાત નથી. દર વખતે ચૂંટણીમાં મોટા રાજકીય પક્ષોમાં જ્યારે ટિકિટની ફાળવણી થતી હોય ત્યારે વિરોધ ઉભો થતો જ હોય છે. એક જ બેઠક માટે બે કે ત્રણ ઉમેદવાર દાવેદાર હોય ત્યારે આવી સ્થિતિ સર્જાતી હોય છે. પણ આ વખતે જરા વધારે અસંતોષ થયો છે. કારણ કે આ વખતની ચૂંટણીમાં અનેક ફેકટરો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. પાટીદાર, ઠાકોર, હિન્દુ, મુસ્લિમ, ઓબીસી, વિકાસ અને છેલ્લે નોટબંધી તેમજ જીએસટી વિગેરે મુદ્દા ઉછાળીને ચૂંટણી જીતવાના કોંગ્રેસ દ્વારા મરણીયા પ્રયાસો થયા છે, જ્યારે ભાજપ પણ તેની સ્પષ્ટતાઓ અને વિકાસના મુદ્દાને આગળ કરીને ચૂંટણીનો જંગ જીતવા કમર કસી છે. આમ આ વખતે બંને પક્ષોએ પોતાના ઉમેદવારો નક્કી કરવામાં ખૂબ કાળજી લીધી છે. તેમ છતાં ઉમેદવાર પસંદગીને લઈને હોબાળો થયો છે.ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીને લઈ ઠેર-ઠેર અસંતોષ ભભૂકી ઊઠયો છે. દસ્ક્રોઈ વિધાનસભા બેઠક માટે બાબુ જમના પટેલનું નામ જાહેર થતાં જ વિરોધ ઉગ્ર બન્યો છે. કાર્યકરોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે. બાબુ જમનાનું નામ જાહેર થતાં જ ભડકો થતાં જિલ્લાપંચાયતના ભાજપના ત્રણ સભ્યો રાજીનામા આપશે તેવી જાહેરાત કરાઈ છે તો શનિવારે કોડિનાર બેઠક ઉપરથી ટિકિટ ન મળવાની શક્યતાઓથી જેઠા સોલંકીએ પણ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર વહેતા થયા છે. જેઠા સોલંકી અત્યારે સંસદીય સચિવ છે. તો બીજી તરફ જે બેઠક ઉપર અત્યારે સંભવીત ઉમેદવારોના નામ હોય તેવી બેઠકો પર સ્થાનિક કાર્યકર્તાઓ રોષે ભરાયા છે અને પોતાના પસંદગીના નેતાઓને ટિકિટ આપવામાં આવે તેવી માંગી પણ કરવામાં આવી રહી છે. જ્યારે જે બેઠક ઉપર નામ જાહેર થયા છે તેવી કેટલીક બેઠકો ઉપર પોતાના પસંદગીના નેતાનું નામ ન હોવાથી પણ કાર્યકરોમાં રોષ ફેલાયો છે. અને આવી બેઠક ઉપર ઉમેદવારોના નામ બદલવાની પણ માંગણી કરાઇ રહી છે.ગુજરાત કોંગ્રેસે પહેલાં તબક્કા માટે ૮૯ પૈકી ૮૬ ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે આ યાદીથી એકંદરે પીઢ કોંગ્રેસીઓ રાજીના રેડ થઈ ગયા છે. તેઓ દાવો કરે છે કે, યાદી જોતાં પહેલી વાર એવું લાગે છે કે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ટિકિટના બદલામાં રોકડી કરી લેવાની સોદાબાજી પર લગભગ બ્રેક લાગી ગઈ છે. યાદી બહાર પડયા બાદ પ્રદેશ નેતાઓ અંદરો અંદર દુઃખી દુઃખી થઈ ગયા છે, વહીવટ કરવાની તેમની દુકાન જાણે બંધ થવાના આરે આવી છે. પસંદગી પ્રક્રિયામાં ધાર્યું ન થતાં પ્રદેશ નેતાઓ દુઃખી, કાર્યકરો રાજીના રેડ થઈ ગયાં છે.કોંગ્રેસના સૂત્રો દાવો કરે છે કે, આ વખતે પહેલી વાર કોંગ્રેસની યાદી મજબૂત આવી છે અને આ જ કારણસર કેટલીક બેઠકોને બાદ કરતાં કોંગ્રેસીઓમાં કોઈ કકળાટ જોવા મળ્યો નથી. જે તોફાન, હલ્લાબોલ હતા તે તો પાટીદાર અનામત આંદોલન સમિતિના હતા, કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં વિરોધ વંટોળ નથી. જ્યાં વિરોધ છે તે માત્ર એકબીજાના હરીફ વચ્ચે છે. આમ કોંગ્રેસના કાર્યકરો તો ખુશ છે પરંતુ અંદરો અંદર કોંગ્રેસના પ્રદેશ નેતાઓ નારાજ થયા છે. આ વખતે ઉમેદવાર પસંદગીમાં રાહુલની ટીમ હાવિ રહી છે. રાહુલ ગાંધીની ટીમે જે અલગ અલગ સર્વે કર્યા છે તેની પર ખાસ્સો ભાર મૂકવામાં આવ્યો છે. તો બીજી તરફ પ્રદેશ નેતાઓએ જે યાદી આપી હતી તે સર્વે સાથે ક્યાંય ફિટ બેસતી નહોતી.આ મામલે હાઈકમાન્ડે પણ પ્રદેશ નેતાગીરીનું ધ્યાન દોર્યું હતું. આ સ્થિતિ વચ્ચે કેટલાક પ્રદેશ નેતાઓ કે જેઓ અમુક ચોક્કસ બેઠકો પર પોતાના મળતિયાને ટિકિટ અપાવી બદલામાં રોકડી કરી લેતાં હતા તેની પર રોક લાગી ગઈ છે. પ્રથમ યાદી જોતાં જ આ ચિત્ર ઉપસી રહ્યું છે. જે બેઠક પર સતત ભાજપનો કબજો રહ્યો છે તેવી બેઠકને બાદ કરતાં પાતળી સરસાઈવાળી બેઠક પર એકેય છાપેલા કાટલા જેવા નેતાને ટિકિટ આપવામાં આવી નથી, તેના બદલે કોંગ્રેસ હાઈકમાન્ડે સર્વેના આધારે મોટા ભાગે નવા ચહેરા ચૂંટણી મેદાનમાં ઉતારવાનું પસંદ કર્યું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ ખરાખરીનો જંગ બની રહ્યો છે. હજી તો પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામની જ જાહેરાત થઈ છે. ત્યાં તો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોમાં બળવો થઈ ગયો હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. ભાજપ કાર્યાલય પર અમિત શાહની હાજરીમાં દેખાવો થયા, બીજી તરફ કોંગ્રેસની પ્રથમ યાદીમાં પાટીદારો ભારે હલ્લો મચાવ્યો હતો. કોંગ્રેસ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર પ્રથમ યાદીમાં પાસના કન્વીનરોને ટિકિટ ફાળવી દીધી. જે પછી પાસના કાર્યકરો ઉશ્કેરાયા અને ભરતસિંહના ઘેર જઈ તોફાનો કર્યા, તોડફોડ સુધી વાત પહોચી. સંખ્યાબંધ શહેરોમાં પાસવાળાઓએ તોડફોટ કરી, આગચંપી અને ચક્કાજામ કર્યા, બાંભણિયાએ કહ્યું કે પાસના કોઈ કન્વીનર ચૂંટણી નહી લડે, જેમને ટિકિટ મળી છે, તેનો વિરોધ કરીશું. આ બધી ઘટના પછી પાસમાં પણ અંદરોઅંદર ધમાલ થઈ, ભંગાણ પડ્યું. વાત તો એટલે સુધી પહોંચી હતી કે કોંગ્રેસ સાથે હવે કોઈ સમાધાન નહી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં ૨૫ પાટીદારોને ટિકિટ આપી છે, તેમ છતાં પાસ દ્વારા ભારે વિરોધ થયો. અંતે કોંગ્રેસે યાદીને બદલવી પડી, અને પાસના નામ પાછા ખેંચી લીધા. ત્યાર પછી હોબાળો શાંત થયો.
ભાજપની વાત કરીએ તો અમદાવાદની છ બેઠકો પર જાહેર કરેલા ઉમેદવારો પૈકી ૩ ઉમેદવારો સામે વિરોધ થયો, નરોડા, નિકોલ અને દસ્કોઈના ભાજપ કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ અસંતોષ દર્શાવ્યો હતો. બીજી તરફ આઈ કે જાડેજાને પણ વઢવાણની ટિકિટ ન આપતા કાર્યકરોએ ભાજપ કાર્યાલય કમલમ પર જઈ સુત્રોચ્ચાર કર્યા હતા. આઈ કે જાડેજા ભાજપના ઉપાધ્યક્ષ અને પ્રવકતા પણ છે, તેઓ સીનીયર નેતા પણ છે, તેમને અન્યાય થતાં તેમનો પણ પાર્ટી સામે અસંતોષ સામે આવ્યો છે. પંચમહાલના કાલોલ બેઠક પર સાંસદ પ્રભાતસિંહે તેમની પત્ની માટે ટિકિટ માંગી હતી, પણ ટિકિટની ફાળવણી ન થતાં તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પક્ષ સામે નારાજગી દર્શાવી છે. પ્રાંતિજ બેઠક પર પણ ભાજપના યુવા ઉમેદવાર સામે વિરોધ થયો છે.તે સિવાય ભાજપ સામે ધોળકા, પોરબંદર, કુતિયાણા, ડભોઈ, ટંકારા, પ્રાંતિજ, વઢવાણ, નર્મદા, ખેરાલુ, દિયોદર અને માંડવી બેઠકો પર વિરોધ થયો છે.આમ ચારેકોર વિરોધ નો વંટોળ થયો હતો. પણ એક વાત સ્પષ્ટ છે કે ઉમેદવારોનો અસંતોષ પક્ષ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. નારાજ ઉમેદવાર તે જ બેઠક પર જેને ટિકિટ મળી છે, તેને હરાવવાના પુરા પ્રયત્નો કરે છે, રાજકારણમાં આમ જ થાય છે. અને અંતે પક્ષ હારે છે. જેથી દરેક પક્ષો ઉમેદવારોના નામ નક્કી કરતી વખતે ચોક્કસથી કાળજી લે છે કે વિરોધ ન થાય. પણ નવા ચહેરાને લાવવા માટે જૂના કપાય તે સ્વભાવિક છે અને જૂના કપાય તે વિરોધ તો કરવાના જ છે. દરેક જૂના ધારાસભ્યોએ સમજી લેવાની જરૂર છે કે નવા અને યુવાને તક આપવી જોઈએ. જે તમારા કરતા વધારે સારુ પર્ફોમન્સ આપી શકે છે. રાજકારણમાં રીટાયર થવાની કોઈ ઉંમર નથી હોતી, ૬૦ વર્ષ પછી પણ ચૂંટણી લડવાની અપેક્ષા રાખવી તે યોગ્ય નથી. ખરેખર તો દરેક પક્ષોએ ચૂંટણી લડવા માટે પણ કોર્પોરેટ સેકટરની જેમ રીટાયરમેન્ટની ઉંમર નક્કી કરવી જોઈએ. જેથી નવા યુવા ચહેરાને તક મળે, અને નવા સુધારા કરી શકાય.ટિકિટ ફાળવણી પછીનો વિરોધ ભાજપ અને કોંગ્રેસને નુકશાન કરશે. તે તો દેખીતી વાત છે. પણ હવે વધુ ડેમેજ ન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરશે, તેમાં ધ્યાન રાખશે. જો કે રાજકારણમાં જૂના જોગીઓને બદલવા એ સમયની માંગ હોય છે. પણ આ વખતે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીનો રાફડો ફાટયો છે, ભાજપ કોંગ્રેસના નારાજ નાગરિકોના મત અપક્ષને જાય અથવા તો નાટોને જશે.અને છેલ્લે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાને સ્વીકારી છે, અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. એટલે હવે સ્પષ્ટ છે કે પાસ વિરુધ્ધ ભાજપની લડાઈ થઈ ગઈ છે. પાટીદારોમાં ભાગલા પડશે. ટૂંકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીને જંગ મંડાશે. ભાજપે ૧૫૦ પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે, હવે તે એચીવ કરવો મુશ્કેલ બનશે. પણ હજી તો પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર બાકી છે અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. પ્રચારમાં કયા મુદ્દા ઉછળે છે તેના પર આમ જનતા નક્કી કરશે. વિકાસ ડાહ્યો છે કે વિકાસ પાગલ થયો છે, તે તો ૧૮ ડિસેમ્બરે જ ખબર પડશે.

Related posts

बच्चो की देखभाल करने वाले पिता की संख्या बढ़ी : सर्वेक्षण

aapnugujarat

૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ

aapnugujarat

છત્તીસગઢનું સુકાન ભૂપેશ બધેલને સોંપાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1