Aapnu Gujarat
બ્લોગ

છત્તીસગઢનું સુકાન ભૂપેશ બધેલને સોંપાયું

લાંબા સસ્પેન્સ બાદ છત્તીસગઢના મુખ્યપ્રધાનના નામનું એલાન કરવામાં આવ્યું છે. છત્તીસગઢની કમાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલને સોંપવામાં આવી છે. બઘેલ સોમવારે છત્તીસગઢના નવા મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરશે. રવિવારે સવારે રાયપુર ખાતે છત્તીસગઢ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટી. એસ. સિંહદેવે ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેશ બઘેલના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ છત્તીસગઢ કોંગ્રેસના ધારાસભ્ય દળે સ્વીકાર્યો હતો અને તેના પછી ભૂપેશ બઘેલને છત્તીસગઢના મુખ્યપ્રધાન પદની સોંપણી કરવામાં આવી છે. છત્તીસગઢમાં મુખ્યપ્રધાન પદના કુલ ચાર દાવેદારોમાં ભૂપેશ બઘેલ સૌથી આગળ ચાલી રહ્યા હતા.ભૂપેશ બઘેલ સિવાય ટી. એસ. સિંહદેવ, તામ્રધ્વજ સાહૂ અને ચરણદાસ મહંતના નામ છત્તીસગઢના મુખ્યપ્રધાન પદની રેસમાં સામેલ હતા. ચૂંટણી પરિણામોના આવ્યાના પાંચમા દિવસે કોંગ્રેસ હાઈકમાન્ડે છત્તીસગઢના નવા સીએમનું નામ નક્કી કર્યું છે. દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યપ્રધાન પદા ચારેય દાવેદારો સાથે લાંબી વાતચીત કરી હતી. બાદમાં ચારેય દાવેદારો સાથેની એક તસવીર શુક્રવારે રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરી હતી. ૯૦ બેઠકો ધરાવતી છત્તીસગઢ વિધાનસભામાં કોંગ્રેસને ૬૮ બેઠકો પર જીત મળી છે.ભૂપેશ બઘેલ છત્તીસગઢની કોંગ્રેસ પ્રદેશ કમિટીના પ્રમુખ છે. ખેડૂત પરિવાર સાથે જોડાયેલા બઘેલ રાજકીય વર્તુળોમાં પોતાના આક્રમક તેવરો માટે જાણીતા છે. છત્તીસગઢમાં પંદર વર્ષથી સત્તામાં રહેલા ભાજપને હટાવવામાં બઘેલની ભૂમિકા સૌથી વધુ હોવાનું કહેવામાં આવે છે. તેમણે વિધાનસભા ચૂંટણીથી લઈને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં અસરકારક રણનીતિના આધારે કોંગ્રેસને જીત અપાવી છે. ભૂપેશ બઘેલે જમીની સ્તર પર કામ કરવાની સાથે કેન્દ્ર અને પ્રદેશ સ્તરના નેતાઓ સાથે સમન્વયની કામગીરી પણ બખૂબી કરી છે. તેમણે છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી મહેનત કરી છે.અવિભાજીત મધ્યપ્રદેશ અને હવે છત્તીસગઢના દુર્ગમાં ૨૩ ઓગસ્ટ-૧૯૬૧ના રોજ જન્મેલા ભૂપેશ બઘેલે ૮૦ના દશકમાં કોંગ્રેસની સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ભૂપેશ બઘેલ કુર્મિ ક્ષત્રિય પરિવારમાંતી આવે છે. દુર્ગ જિલ્લામાં જ તેઓ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. મધ્યપ્રદેશ હાઉસિંગ બોર્ડમાં ૧૯૯૩થી ૨૦૦૧ સુધી તેઓ નિદેશક પણ રહ્યા હતા. ૨૦૦૦માં જ્યારે છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું, ત્યારે તેઓ પાટન બેઠક પરથી વિધાનસભા પહોંચ્યા હતા. છત્તીસગઢની અજીત જોગીની આગેવાનીવાળી કોંગ્રેસની પહેલી સરકારમાં બઘેલ કેબિનેટ પ્રધાન બ્યા હતા. ૨૦૦૩માં કોંગ્રેસની હાર થતા ભૂપેશ બઘેલ વિધાનસભામાં વિપક્ષના ઉપનેતા બન્યા હતા. ૨૦૧૪માં તેમને છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ આ પદ પર કામગીરી કરી રહ્યા છે. ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણીમાં બઘેલે અજીત જોગી અને રમણસિંહ એમ બે દિગ્ગજ નેતાઓ તરફથી મળતા પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.મીડિયા અહેવાલ મુજબ છત્તીસગઢના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રામસેવક પૈકરાના રાજધાની ખાતેના નિવાસસ્થાન પર શનિવારે તમામ ફાઈલો બાળવામાં આવી હોવાના અહેવાલ છે. આ ફાઈલોમાં શું હતું. તેના સંદર્ભે કોઈપણ ખુલાસો થયો નથી. ફાઈલોને બાળતી વખતે રામસેવક પૈકરા તેમના નિવાસસ્થાનમાં જ હાજર હતા. જો કે આ મામલે પૈકરાના અંગત સચિવે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.કોંગ્રેસ પ્રદેશ કમિટીના પ્રમુખ ભૂપેશ બઘેલ પાટણ સીટથી ચૂંટણી જીત્યા છે. રાજ્યમાં રાજાકારણના કેન્દ્ર બિંદુઓમાંના એક એવા પાટણ વિધાનસભા ક્ષેત્રમાં આ વખતે તેમની સામે ભાજપે મોતીલાલ સાહુ તરીકે એક નવા ચહેરાને ઉતાર્યો હતો. પોતાના તેવરોથી છત્તીસગઢના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન બનાવનારા રાજનેતાઓમાં સામેલ ભૂપેશ બઘેલનો સંબંધ અનેક વિવાદો સાથે પણ રહ્યો છે. સીડી કાંડના કારણે ભૂપેશ બઘેલ ખુબ ચર્ચામાં રહ્યાં હતાં. જેના પગલે તેમણે જેલની હવા પણ ખાવી પડી હતી. પરંતુ આમ છતાં તેમણે જામીન લેવાની પણ ના પાડી હતી. ૨૩ ઓગસ્ટ ૧૯૬૧ના રોજ જન્મેલા બઘેલ કુર્મી જાતિમાંથી આવે છે.
૧૯૮૦ના દાયકાની વાત છે, જ્યારે છત્તીસગઢ મધ્ય પ્રદેશનો એક ભાગ હતો. તે સમયે ભૂપેશ બઘેલે પોલિટિક્સમાં પોતાની ઈનિંગની શરૂઆત જ કરી હતી. દુર્ગ જિલ્લાના રહીશ ભૂપેશ અહીંના યુથ કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં. ૧૯૯૦થી ૯૪ સુધી જિલ્લા યુવક કોંગ્રેસ કમિટી, દુર્ગ (ગ્રામિણ)ના અધ્યક્ષ રહ્યાં. ભૂપેશ બઘેલ છત્તીસગઢ મનવા કુર્મી સમાજના ૧૯૯૬થી હાલ સુધી સંરક્ષક રહ્યાં છે. મધ્ય પ્રદેશ હાઉસિંગ બોર્ડના ૧૯૯૩થી ૨૦૦૧ સુધી ડાઈરેક્ટર પણ રહી ચૂક્યા છે. ૨૦૦૦માં જ્યારે છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું તો તેઓ પાટણ સીટથી વિધાનસભા પહોંચ્યાં. આ દરમિયાન તેઓ કેબિનેટ મંત્રી પણ બન્યાં. ૨૦૦૩માં કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ તો ભૂપેશને વિપક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યાં. ઓક્ટોબર ૨૦૧૪માં તેમને છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં અને ત્યારથી તેઓ આ પદ પર હતાં. ભૂપેશ બઘેલનો વિવાદ સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. વર્ષ ૨૦૧૭ના ઓક્ટોબરમાં વાઈરલ થયેલી એક કથિત સેક્સ ટેપમાં દિલ્હીથી એક પત્રકારની ધરપકડ થઈ હતી. આ મામલે ભાજપે કોંગ્રેસના નેતાઓ પર કથિત સેક્સ સીડી વિતરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સીડી કાંડમાં પત્રકાર સાથે ભૂપેશ બઘેલ વિરુદ્ધ પણ રાયપુરમાં એફઆઈઆર નોંધાઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી આ મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો અને તપાસ એજન્સી દ્વારા ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પૂછપરછ કરાઈ હતી.ઓક્ટોબરમાં જ ભૂપેશ બઘેલ નવા વિવાદમાં પડ્યા હતાં. તેમણે એક સભામાં ભાજપ પર નિશાન સાધતા છોકરીઓ માટે આપત્તિજનક શબ્દો કહ્યા હતાં. જેનાથી નારાજ થઈને ત્યાં હાજર મહિલાઓ કાર્યક્રમની અધવચ્ચે ઉઠીને જતી રહી હતી. બઘેલના નામની જાહેરાત મલ્લિકાર્જુન ખડગેએ કરી. બઘેલ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ખડગેએ જણાવ્યું કે બઘેલ એકલાં જ શપથ લેશે. મંત્રીઓ પરનો નિર્ણય બાદમાં થશે.મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બે દિવસ પહેલાં તમામ ધારાસભ્યો રાહુલ ગાંધીના નિર્ણયને માનવાની વાત પર સહમતી વ્યક્ત કરી હતી. તમામ નેતાઓએ પાર્ટી માટે કામ કર્યું છે. એટલે કોઈ એકને ચુંટવાનું કામ મુશ્કેલ હતું. અમને તે વાતનો વિશ્વાસ છે કે ભૂપેશ તમામને સાથે લઈને ચાલશે. ભૂપેશ બઘેલે કહ્યું કે રાજ્યમાં ખેડૂત, યુવાન, મહિલાઓ અને નાના વેપારીઓ પર ફોકસ રહેશે. તેઓએ કહ્યું કે ઝીરમ ઘાટી મામલે ફાઈલ ફરી ખુલશે. આ મામલાની તપાસ અમારી પ્રાથમિકતા છે. તેઓએ કહ્યું કે રાહુલ જીએ ખેડૂતોને દેવાં માફીનો જે વાયદો કર્યો છે તે સરકારની પ્રાથમિકતા છે.જો કે મુખ્યમંત્રી પદની દાવેદારી ટીએસ સિંહદેવ અને ભૂપેશ બઘેલના સમર્થકોમાં હજુ પણ ટકરાવ જોવા મળ્યો હતો. રાયપુરમાં કોંગ્રેસ મુખ્યાલય પર બંને પક્ષોએ સૂત્રોચ્ચારો કર્યાં. કાર્યાલયનો ગેટ તોડી નાંખ્યો, તો કેટલાંકની પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી. આ વચ્ચે ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થવા માટે પ્રદેશ અધ્યક્ષ પીએલ પુનિયા, મલ્લિકાર્જુન ખડગે, ટીએસ સિંહદેવ અને ચરણદાસ મહંત વિશેષ વિમાનથી રાયપુર પહોંચ્યા છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાં બાદથી શનિવારથી ચાર દિવસમાં રાયપુરથી દિલ્હી સુધી ૧૦થી વધુ બેઠકો થઈ છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે મુખ્યમંત્રી પદના ચારેય દાવેદારો- ટીએસ સિંહદેવ, ભૂપેશ બઘેલ, તામ્રધ્વજ સાહૂ અને ચરણદાસ મહંતની સાથે બે વખત બેઠક કરી. જે બાદ તેઓએ ચારેયની સાથે એક ફોટો ટિ્‌વટર પર પોસ્ટ કરી હતી. જે સાથે રાહુલે લખ્યું હતું કે- કોઈ જ ફર્ક નથી પડતો કે તમે કેટલાં બુદ્ધિમાન છો કે તમારી રણનીતિ શું છે. જો તમે એકલાં રમી રહ્યાં છો તો ટીમની સામે હંમેશા હારશો.રાજ્યમાં ૧૫ વર્ષ બાદ બે તૃત્યાંશ બહુમત સાથે ફરીથી સત્તા પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ૯૦ સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ૬૮ સીટો પર વિજય થયો છે. છત્તીસગઢમાં ભાજપને ૩૦થી વધુ બેઠકોનું નુકસાન થયું હતું જ્યારે કોંગ્રેસને વીસથી વધુ બેઠકોનો ફાયદો થયો હતો. છત્તીસગઢના ૧૫ વર્ષના ઇતિહાસમાં ચાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો આ સૌથી કારમો પરાજય છે અને સૌથી ખરાબ પ્રદર્શન છે. રમણસિંહની કેબિનેટના મોટાભાગના મંત્રીઓનો પરાજય થયો છે. ભાજપના વોટશેર ૯ ટકા તૂટીને ૩૩ ટકા ઉપર આવી ગયા છે. ભાજપનો વોટશેર ૪૨.૯ ટકાથી ઘટીને ૩૩ ટકા થઈ ગયો છે જ્યારે કોંગ્રેસનો વોટશેર ૪૧.૬૦થી વધીને ૪૩ ટકા થઈ ગયો છે.છત્તીસગઢમાં ફરી એક વખત કોંગ્રેસ સત્તારૂઢ થઈ છે. પંદર વર્ષ પછી ભાજપના અહીંયા વળતાપાણી આવ્યા છે. ૧ નવેમ્બર ૨૦૦૦ના રોજ છત્તીસગઢને મધ્ય પ્રદેશથી અલગ કરીને નવા રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. કટોકટી પછી કોંગ્રેસને અવિભાજિત મધ્યપ્રદેશમાં ૧૯૮૦, ૧૯૮૫, ૧૯૯૩ અને ૧૯૯૮માં ચૂંટણી વિજય મળ્યો હતો. ચારેય ચૂંટણીમાં છત્તીસગઢ વિસ્તારના લોકોએ કોંગ્રેસના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસે તાજેતરમાં ભાજપના સૂપડાં સાફ કરીને બે દાયકા પહેલાં જેવી મજબૂતી દાખવી છે.પહેલી વખત માયાવતીની બસપા સાથે ચૂંટણી લડી રહેલા અજિત જોગીની જનતા છત્તીસગઢ કોંગ્રેસ પાર્ટીને સામાન્ય બેઠકો મળી છે. તે પાંચ બેઠકો ઉપર આગળ હતી. તેને અંદાજે ૮.૫ ટકા વોટ મળ્યા છે. એક્ઝિટ પોલ્સમાં પણ જનતા કોંગ્રેસ અને બસપાને ૩થી ૮ બેઠકો મળવાની શક્યતાઓ રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યારસુધી બિનભાજપી મુખ્યમંત્રી તરીકે ડો. અજિત જોગી હતા. તેઓ તે સમયે કોંગ્રેસમાં હતા. ૨૦૧૩માં ચૂંટણી હાર્યા બાદ તેમણે ૨૦૧૬માં કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને જનતા છત્તીસગઢ કોંગ્રેસની સ્થાપના કરી હતી.

Related posts

માનસ ક્રાંતિના ઉદ્દગાતા જે. કૃષ્ણમૂર્તિ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

વિજ્ઞાનનો ચમત્કારઃ હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1