Aapnu Gujarat
બ્લોગ

૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ

વિશ્વના નકશા પર ભારત એક મોટો લોકતાંત્રિક દેશ છે. ધર્મ, જાતિ, સમાજ સહિત વિવિધ બાબતે સ્વાતંત્ર્ય બક્ષતા આ દેશનું બંધારણ સૌ કોઇને પ્રભાવિત કરે એવું છે. પરંતુ આપણી કમનસીબી છે કે આપણા ધુરંધર નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ છટક બારીઓ દ્વારા ધાર્યા ખેલ પાડે છે જે આપણું તંત્ર મુક બની તમાશો જોઇ રહે છે.
લોકશાહીના આ દેશમાં સમયસર ચૂંટણીઓ થાય છે. પંચની કડકકાઇને પગલે ખલનાયકોના હાથ હેઠા પડ્યા છે અને ચૂંટણી નિષ્પક્ષ થાય છે. પરંતુ આમાં પણ ધર્મ, જાતિ સહિતના ફેક્ટર કામે લગાડી કરવા વાળા બાજી મારી જાય છે. દવા, દારૂ, રૂપિયાની લાલચ આપી આમ જનતાને ફોસલાવી મત પોતાની ઝોળીમાં ઠલવતા આવા ખેલાડીઓ ભોળી જનતાને ભોળવી જાય છે. કાયદા, નિયમોથી અજાણ દેશની પ્રજા હજુ કંઇ જાણે એ પહેલા વચેટીયાઓ ગેરફાયદો ઉઠાવી લે છે.લોકોના હિતને ધ્યાનમાં લઇને આપણા દેશમાં ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તો પણ હાલના તબક્કે અહીં પણ સડો ઘુસી ગયો છે. વડી અદાલતના પૂર્વ ન્યાયાધીશે પણ કબુલ્યું હતું કે, આપણા ત્યાં ન્યાય પ્રણાલી પણ હવે ભ્રષ્ટાચારથી પર નથી. અદાલતોના ન્યાયાધીશો વિરૂધ્ધ ઘણી ફરિયાદો ઉઠી રહી છે. ન્યાયતંત્રમાં શરૂ થયેલા આ વાયરાથી પ્રજાને ફાયદો તો એક બાજુ રહ્યો સાચા ન્યાય માટે પણ શંકાઓ ઉપજે તેમ છે.લોકોના રક્ષણની જવાબદારી જેમના શીરે છે એવા પોલીસ તંત્ર બાબતે શુ કહેવું ? પોલીસ દાદાઓની વાત કરીએ ત્યારે લોકોના ટેરવા ચડી જાય છે. લોકોના ચહેરા પરની રેખાઓ ખેંચાઇ આવે છે અને તેમનો રોષ ચરમસીમાએ પહોંચી જાય છે. રસ્તા પર બેસતા પાથરણાવાળાથી લઇને દારૂના અડ્ડાવાળાસુધી હપ્તો બોલી રહ્યો છે. મળતિયાઓ માટે કે રૂપિયા માટે જાણે કે અહીં કાયદાની છટકબારીઓ શોધવા માટે જ કામ થતું હોય એવું લાગે છે ત્યાં આમ જનતાનું કંઇ આવતું નથી.આ બધી વાસ્તવિકતાઓ જોતાં શુ આપણે ગર્વ સાથે કહી શકીએ કે આપણું બંધારણ, આપણા કાયદા સાચા અર્થમાં આમ જનતાના હિત માટે છે?લાભકર્તા છે? શુ તમને નથી લાગતું કે ગણ્યાગાંઠ્યા જ લોકો તેનો ભરપુર ફાયદો ઉઠાવી રહ્યા છે જરૂરીયાતમંદ નિસહાય છે?૨૬મી જાન્યુઆરીએ આપણા ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આપણે તેને પ્રજાસતાક દિન તરીકે પણ ઓળખીએ છીએ. પણ શું ગણતંત્ર કે પ્રજાસતાકનો ખરો અર્થ આપણે જાણીએ છીએ? એ જાણતાં પહેલાં થોડી બીજી રસપ્રદ ચર્ચા કરીએ.રાષ્ટ્રિય દિવસ તરીકે મોટા ભાગનાં રાષ્ટ્રો પોતાના આઝાદી દિનની અથવા પ્રજાસતાક દિનની ઉજવણી કરે છે. તો કેટલાક દેશોમાં આ દિવસ તેમનાં રાજા કે કોઈ મહાન સંતનાં જન્મદિવસે પણ ઉજવાય છે. મોટા ભાગનાં દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે તો જમૈકા અને થાઈલેન્ડ જેવા કેટલાક દેશોમાં તો આ દિવસ કોઈ એક ચોક્કસ દિવસે ન ઉજવાતાં જુદે જુદે દિવસે પણ મનાવાય છે!ભારત સિવાય પ્રજાસત્તાક દિનની ઉજવણી જાન્યુઆરી માસ માં કરનાર રાષ્ટ્રો સ્લોવેકિયા અને બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના છે. અન્ય રાષ્ટ્રોમાં ફેબ્રુઆરીમાં ગુયાના અને હંગેરી તો માર્ચમાં પાકિસ્તાન, એપ્રિલમાં ઇરાન તો મે માં અર્મેનિયા, અઝેરબૈજાન અને નેપાળ, જુનમાં ઇટાલી અને જુલાઈમાં ગ્રીસ ,ઘાના, ફિલિપાઈન્સ, ઇરાક અને તુનિસિયા, સપ્ટેમ્બરમાં ત્રિનિદાદ અને તોબેગો ,ઓક્ટોબરમાં પોર્ટુગલ,ચીન, કઝાખસ્તાન, જર્મની અને તુર્કી, નવેમ્બરમાં માલ્દિવ્ઝ,બ્રાઝિલ તો ડિસેમ્બરમાં માલ્તા અને નાઈજર જેવા રાષ્ટ્રો પોતપોતાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે તો દક્ષિણ આફ્રિકા, યુગોસ્લાવિયા અને રોડેશિયા જેવા કેટલાક રાષ્ટ્રોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થોડાંઘણાં વર્ષો સુધી નિયમિત થયા બાદ વિવિધ કારણો સર બંધ પણ કરી દેવાઈ છે.ભારતને ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી પ્રાપ્ત થઈ અને ત્યાર બાદ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડાવાની શરૂઆત થઈ. ૧૯૪૯ની ૨૬મી નવેમ્બરે આ બંધારણ ધારાસભામાં પસાર થયું. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીથી આ બંધારણના અમલની શરૂઆત તેમજ લોકશાહી સરકાર વ્યવસ્થા સાથે ભારત સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યું. ૨૬મી જાન્યુઆરીનો દિવસ પસંદ કરવાનું મુખ્ય કારણ એ હતું કે ૧૯૩૦ની ૨૬મી જાન્યુઆરીને દિવસે બ્રિટીશરાજ માંથી સંપૂર્ણ મુક્તિ માટેનું, પૂર્ણ સ્વરાજ માટેનું ભારતની આઝાદીનું જાહેરનામુ ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસે પસાર કર્યું હતું.ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે દેશની રાજધાની દિલ્હીના રાજપથ નજીક એક ભવ્ય પરેડ યોજાય છે જેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન પાસેના રાઈસેના હિલ ખાતેથી થાય છે અને આ પરેડ રાજપથ પરથી પસાર થઈ, પ્રસિદ્ધ ઇન્ડિયા ગેટ પાસેથી થઈ ઐતિહાસિક લાલ કિલ્લા સુધી જાય છે. પાયદળ, હવાઈ દળ અને યાંત્રિક લશ્કરી સંગઠિત ટુકડીઓ દ્વારા ભારતીય લશ્કર, નૌકા દળ અને હવાઈ દળોના જવાન પોતપોતાની સુશોભિત યુદ્ધ સામગ્રી સહિત કતાર બદ્ધ થઈ આ પરેડ બનાવે છે અને ભારતીય લશ્કરી દળના અધ્યક્ષ એવા રાષ્ટ્રપતિને સલામી આપે છે.આ પરેડના મુખ્ય અતિથિ અન્ય કોઈ રાષ્ટ્રના વડા કે સરકારી અધિકારી બને છે.ભારતીય સાંસ્ક્રુતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતા લોકન્રુત્યો કરતા સમૂહો પણ આ પરેડનું અનેરું આકર્ષણ બની રહે છે.આ પરેડનું પારંપારિક રીતે ભારતના હવાઈ દળના લડાયક વિમાનો આકાશમાં ખાસ રીતે ઉડી રંગીન ધુમ્રસેરો દ્વારા ભારતીય તિરંગો બનાવી સમાપન કરે છે. આ જ પ્રકારની પરેડો ભારતના દરેક રાજ્ય સ્તરે પણ યોજાય છે જ્યાં જે તે રાજ્યના ગવર્નર્સને સલામી ભરાય છે.
પ્રજાસત્તાક દિનની ઉજવણીનું સત્તાવાર રીતે સમાપન ૨૬મી જાન્યુઆરીના ચાર દિવસ પછી એટલે કે ૩૦મી જાન્યુઆરીના દિવસે થાય છે જેને ’બીટીંગ રીટ્રીટ’ કહેવાય છે.આ બધી તો થઈ ઉજવણીની વાતો… પણ શું આજે ભારત એક સાચું ગણતંત્ર કે પ્રજાસતાક રાષ્ટ્ર છે?થોડા સમય પહેલા જ જયપુર ખાતે સાહિત્ય જગતનો એક ખાસ્સો મોટો કાર્યક્રમ જયપુર લિટ ફેસ્ટ યોજાઈ ગયો અને તે સલમાન રશ્દીને લઈને ખાસ્સો ચર્ચાસ્પદ બની રહ્યો.ભારતીય મૂળના આ એન.આર.આઈ લેખકને આ કાર્યક્રમમાં તેના અતિ ચર્ચાસ્પદ પુસ્તક ’સેતાનિક વર્સીસ’માં તેમણે મુસ્લીમો વિરુદ્ધ કરેલી કેટલીક ટીપ્પણીને લીધે જાનથી મારી નાંખવાની ધમકી મળી.
આ પુસ્તક જ્યારે વર્ષો પહેલાં પ્રકાશિત થયેલું ત્યારે જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ આટલાં વર્ષો બાદ પણ આ ખ્યાતનામ લેખકને ભારતમાં સાહિત્ય જગતના એક મોટા મંચ પર આવવા ન તો ભારત સરકાર તરફથી હોઈ આમંત્રણ પાઠવાયું ન તો તેમને સુરક્ષાની કોઈ ખાતરી સરકાર તરફથી આપવામાં આવી અને લેખકે પોતાની જાનનો ખતરો હોઈ અહિં આવવાનું માંડી વાળ્યું. શું આ પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે માન્ય ઘટના ગણાય?અને આવા તો અનેક કિસ્સા લાંબા સમયથી બનતાં જ આવ્યા છે.
વિશ્વભરમાં સારી એવી ખ્યાતિ પામેલા વયોવ્રુદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈનની પોતાની માત્રુભૂમિ ભારતમાં મરવાની અંતિમ ઇચ્છા પૂરી ન થી શકી?કારણ? તેમનાં પર ભારત આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તસ્લીમા નસરીનના લજ્જા પુસ્તકે પણ સારો એવો હોબાળો મચાવ્યો હતો.શું કલાકાર કે લેખક કે સર્જકને અભિવ્યક્તિની છૂટ એ પ્રજાસતાક રાષ્ટ્રની સાચી ઓળખ નથી?આ દ્રષ્ટીએ જોઇએ તો ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક દેશ ગણી શકાય?યુવાનો-યુવતિઓ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરે કે પબમાં રીલાય્ક્સ થવા જાય ત્યારે સમાજના કહેવાતા ઠેકેદારો ’મોરલ પોલિસ’ બની જઈ તેમની સ્વતંત્રતા પર તરાપ મારે અને યુવાનોની મારઝૂડ તો કરે પણ યુવતિઓ સાથે પણ અભદ્ર વર્તન કરે એમાં ક્યાં દેશમાં ગણતંત્ર હોવાના દર્શન થાય છે?આવા તંત્રને તો અંધેર તંત્ર જ ગણી શકાય.ભ્રષ્ટાચાર સામે જંગે ચડેલાં ભડવીર અન્ના હજારેને પહેલાં તો લોકોએ ઉત્સાહમાં આવી જઈ ભરપૂર ટેકો જાહેર કર્યો પણ બીજી વાર જ્યારે તેઓ મજબૂત લોકપાલ કાયદો ઘડાય એ માટે ઉપવાસ પર ઉતર્યાં ત્યારે લોકોએ તેમનો સાથ ન આપ્યો અને અન્નાજીએ ઉપવાસ વહેલાં જ તોડી નાંખવા પડ્યા.બાબા રામદેવ ઉપર કોઇએ લખવાની સહી છાંટી તેમનો વિરોધ કર્યો. તે પણ અન્નાજીની જેમ થોડા સમય અગાઉ ઉપવાસ પર ઉતર્યાં હતા ત્યારે સરકાર અને પોલિસે તેમને એ રીતે રોક્યા કે બાબાએ સ્ત્રી વેશ ધારણ કરી મેદાન છોડી ભાગી જવું પડ્યું.
શરદ પવારના ગાલ પર લાફો ઝીંકાયો તો કંઈ કેટલાય નેતાઓ પર જૂતા ફેંકાવાના બનાવોની પણ આખી એક લાંબી યાદી તૈયાર થઈ શકે.શું આ બધા એક આદર્શ પ્રજાસત્તાક રાષ્ટ્રના લક્ષણો છે?જોકે આ પ્રશ્ન કે સમસ્યા અંગે ઘણા અંશે આપણે ભારતની પ્રજા જ જવાબદાર છે.શું આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીએ છીએ ખરાં?
ચૂંટણી વેળાએ મત આપવાને બદલે મિનિવેકેશન માણવા ઉપડી જ ઇએ પછી જે નેતા ચૂંટાઈને આવે તેની પાસેથી સારી અપેક્ષા રાખવી એ યોગ્ય છે?હજી મોડું નથી થયું. જાગ્યા ત્યારથી સવાર આ કહેવતને અનુસરી ટૂંક સમયમાં જ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી સારા અને યોગ્ય ઉમેદવારને જ ચૂંટીશું તો જે સારા નેતાઓ ચૂંટાઈ આવશે તે ચોક્કસ ભારતને સાચા અર્થમાં પ્રજસત્તાક રાષ્ટ્ર બનાવી શકશે એમાં કોઈ બેમત નથી.આવો એવી શુભ કામના કરીએ કે ભારત ખરા અર્થમાં એક ગણતંત્ર બની રહે..જ્યાં સુધી દેશમાં સાચા અર્થમાં લોકતંત્રનો ઉદય નહી થાય ત્યાં સુધી છેવાડાનાં લોકો સુધી વિકાસ નહી પહોંચે.

Related posts

MORNING TWEET

aapnugujarat

રક્ષાબંધન : ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ

aapnugujarat

NICE LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1