Aapnu Gujarat
ગુજરાત

મોદી તેમજ ભાજપને જનતા ઓળખી ગઈ : રાહુલ ગાંધી

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર ગુજરાતના તેમના ચૂંટણી પ્રવાસના આજે ત્રીજા દિવસે પાટણ, હારીજ, બહુચરાજી, મહેસાણા અને વિસગનર સહિતના સહિતના સ્થળોએ જાહેરસભા દરમ્યાન નોટબંધી- જીએસટી, શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીને લઇ મોદી સરકાર અને ભાજપ પર ફરી એકવાર ચાબખા વરસાવ્યા હતા. રાહુલ ગાંધીએ ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ભાજપ કંઇપણ કરે પરંતુ ગુજરાતની જનતાએ આ વખતે પરિવર્તનનું મન બનાવી લીધું છે અને ડિસેમ્બરમાં ગુજરાતની જનતાની કોંગ્રેસની સરકાર આવશે તે નક્કી છે.રાહુલે ગુજરાતીમાં કહ્યું કે, ડિસેમ્બરમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે છે ત્યારે ઉપસ્થિત વિશાળ જનમેદનીએ રાહુલના આ એલાનને તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓ સાથે વધાવ્યું હતું. રાહુલે જણાવ્યું કે, માત્ર જૂઠ્ઠાણાંઓ ચલાવતાં અને લોકોની લાગણીઓ સાથે રમત રમતા નરેન્દ્ર મોદી અને ભાજપને ગુજરાત સહિત દેશની જનતા હવે ઓળખી ગઇ છે અને તેથી હવે ગુજરાતમાં બદલાવ આવી રહ્યો છે અને ડિસેમ્બરમાં કોંગ્રેસની સરકાર જ બનશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર, શોષણ અને અત્યાચાર ચરમસીમાએ છે. મોદીજી તેમના મનની વાત જનતાને કરે છે પરંતુ અમે અમારા મનની વાત નહી કરીએ. આ વખતે ડિસેમ્બરમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અને અમે જનતાના મનની વાત સાંભળીશું અને તેના બળના સહારે ગુજરાતની જનતાની સરકાર ચલાવીશું. તેમણે ઉમેર્યું કે, મોદીજી કહેતા હતા કે, ના ખાઉંગા, ના ખાને દૂંગા પરંતુ હવે જય શાહ અને વિજય રૂપાણીના મામલે મોદીજી કંઇ બોલતા નથી અને બોલવા પણ દેતા નથી, તેથી હવે સૂત્ર બદલાઇ ગયુ છે કે, ના બોલુંગા, ના બોલને દૂંગા. ગુજરાતમાં ખેડૂતો, આદિવાસીઓની જમીન, પાણી, વીજળી છીનવીને તેમના હક્કના પાણી, વીજળી અને જમીન મોદીના માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવાય છે. નર્મદાનું પાણી ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓને અપાય છે પરંતુ ખેડૂતો અને આદિવાસીઓને મળતું નથી. મોદી સરકાર અને ભાજપ વાયદાઓ કરે છે પરંતુ પાળતા નથી. મોદી સરકારે એક લાખ, ૩૫ હજાર કરોડ રૂપિયાના દેવા ઉદ્યોગપતિઓના માફ કર્યા પરંતુ ખેડૂતાના દેવા માફ કરવાનું નામ નથી લેતી. હજુ પણ મોદી સરકાર છ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરવાની છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડા હાથે લેતાં જણાવ્યું કે, નોટબંધીએ ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં સૌથી મોટી ભૂલ હતી અને સ્વયં મોદીજીએ હિન્દુસ્તાનના ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, નાના દુકાનદારો, વેપારીઓ, મહિલાઓ, બહેનો બધાને લાઇનમાં લગાવી દીધા અને બેંકોના પાછલા દરવાજેથી હિન્દુસ્તાનના તમામ ચોરોએ પોતાનું કાળુ નાણું સફેદ કરાવી દીધું. આ બહુ આઘાતજનક અને લોકશાહીના ઇતિહાસમાં કાળા દિવસ સમાન ઘટના છે. કારણ કે, નોટબંધી દરમ્યાન ૧૦૦થી વધુ નિર્દોષ નાગરિકો મોતને ભેટયા અને લાખો લોકો બેરોજગાર થઇ ગયા. આટલુ ઓછું હોય તેમ નોટબંધીના પ્રહાર બાદ મોદી સરકારે જીએસટીનો વજ્રાઘાત લોકોને માર્યો, ખાસ કરીને નાના દુકાનદારો, વેપારીઓ અને મધ્યમ કદના ઉદ્યોગકારો ખતમ થઇ ગયા.
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનો કરોડોનો નફો અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સેબી દ્વારા દંડ ફટકારવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા સવાલો કરતાં જણાવ્યું હતું કે, મોદીજી દેશના યુવાઓ અને જનતાને એ સમજાવે કે, અમિત શાહના પુત્ર જય શાહની કંપની રૂ.૫૦ હજાર કરોડમાંથી રૂ.૮૦ કરોડનો નફો કરતી કેવી રીતે થઇ ગઇ? મુખ્યમંત્રી વિજય રૂપાણીને સેબીએ દંડ ફટકાર્યો તે મુદ્દે પણ મોદીજી કેમ કંઇ બોલતા નથી. જય શાહ અને રૂપાણી મુદ્દે કંઇક તો બોલો મોદીજી. જો તમે નહી બોલો તો, જનતા સમજી જશે કે, તમે ચોકીદાર નહી ભાગીદાર છો. રાહુલ ગાંધીએ શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીને લઇને પણ મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

Related posts

જામનગરમાં કોરોનાનાં દર્દીઓનો રાફડો ફાટ્યો

editor

India – Pakistan સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે સુવિધાઓ વિકસાવાશે : રૂપાણી

editor

हालोल में कार चालक ने श्रमिकों पर कार चढ़ा दी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1