Aapnu Gujarat
ગુજરાત

૩૭ દિવસથી દલિત આગેવાન ઉપવાસ પર : કોઇ જ ન ફરક્યું

ગુજરાતમાં દલિતો પરના અત્યાચારના વધુ એક વિવાદીત પ્રકરણને લઇ ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. શહેરના નરોડા વિસ્તારમાં અમદુપુરાના વોરાના રોજા પાસેનો જાહેર રસ્તો બંધ કરવાના વિવાદમાં એપ્રિલ-૨૦૧૫માં સ્થાનિક પોલીસે અમાનવીય રીતે મહિલાઓ, બાળકો સહિતના સ્થાનિકો પર કરેલા લાઠીચાર્જ અને અત્યાચારને લઇ અઢી વર્ષ જેટલો લાંબો સમયગાળો વીતી જવા છતાં ખુદ પોલીસ દ્વારા ફરિયાદ નહી લેવાતાં સ્થાનિક દલિત અગ્રણી વિનોદભાઇ સોમાભાઇ ડોડિયા છેલ્લા ૩૭ દિવસોથી અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે પરંતુ કરૂણતા અને આઘાતજનક હકીકત એ છે કે, દલિત હિતની મોટી મોટી વાતો કરતાં રાજકારણીઓ, સ્થાનિક સત્તાવાળાઓ કે તંત્રના અધિકારીઓ હજુ સુધી આ દલિત અગ્રણીની લથડેલી હાલત જોવા સુધ્ધાં પણ ફરકયા નથી. સૌથી ચોંકાવનારી હકીકત તો એ છે કે, પોલીસ દ્વારા સરકારના ઇશારે આ દલિત અગ્રણીને ઉપવાસ પરથી ઉઠાડી મૂકવાના યેનકેન પ્રયાસો થઇ રહ્યા છે અને હેરાન-પરેશાન કરી નંખાયા છે. ગત તા.૧૫-૪-૨૦૧૫ના રોજ અમદુપુરા વિસ્તારમાં વોરાનો રોજા પાસેનો જાહેર રસ્તો બંધ કરી નાંખવામાં આવતાં કલેકટર ક્સ્ટોડિયનની ચાલી સહિતના સ્થાનિક રહીશોએ આ મામલે ઉગ્ર વિરોધ અને દેખાવો કર્યા હતા. એ વખતે શહેર કોટડા પોલીસે જુદી જુદી ગાડીઓમાં અડધી રાત્રે આ ચાલીઓ અને સ્થાનિક વસાહતોમાં જઇ સ્થાનિક મહિલાઓ, બાળકો અને દેખાવકારોને લાઠીચાર્જ કરી ફટકાર્યા હતા. પોલીસ અત્યાચારની આ ઘટના અંગે સ્થાનિક રહીશોએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે રહીશોની ફરિયાદ નોંધવાને બદલે ઉલ્ટાનું તેઓની વિરૂધ્ધમાં રાયોટીંગનો ગુનો દાખલ કરી દીધો હતો. છેલ્લા અઢી વર્ષથી સ્થાનિક રહીશોની માંગણી છતાં હજુ સુધી પોલીસે દલિતો પર પોલીસ દ્વારા અત્યાચારની આ ઘટના અંગે ફરિયાદ નોંધી નથી. જેને પગલે સ્થાનિક દલિત આગેવાન વિનોદભાઇ સોમાભાઇ ડોડિયા તા.૫-૧૦-૨૦૧૭થી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છે. ૩૭ દિવસ થઇ ગયા હોવાછતાં હજુ સુધી કોઇ મોટા નેતા કે સરકારના અધિકારીઓ કે તંત્રના માણસો આ દલિત ઉપવાસીની ખબર કાઢવા સુધ્ધાં ફરકયાં નથી. એટલું જ નહી, ઉલ્ટાનું તાજેતરમાં પોલીસે વિનોદભાઇને બળજબરીપૂર્વક ઉઠાવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી તેમના ઉપવાસ તોડાવવાનો હીન અને અમાનવીય પ્રયાસ કર્યો હતો. જેને લઇ વિનોદભાઇએ રાજયના રાજયપાલ, ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ, કાયદાપ્રધાન, ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ, એસસી, એસટીસેલ ગાંધીનગર, શહેર પોલીસ કમિશનર સહિતના સત્તાવાળાઓને ઉગ્ર રજૂઆત કરી છે પરંતુ આજદિન સુધી તેઓને ન્યાય મળ્યો નથી. દરમિયાન ઉપવાસી આંદોલનકારી વિનોદભાઇ ડોડિયાએ જણાવ્યું હતું કે, મારી તબિયત ખરાબ છે, અશકિત છે અને હવે તો બોલાતું પણ નથી પરંતુ જયાં સુધી અમને ન્યાય નહી મળે ત્યાં સુધી હું મરી જઇશ પણ અહીંથી ઉભો નહી થઉં. સામાજિક કાર્યકર જીતેન્દ્રભાઇ સોંલકી-ભાવના એસ.મકવાણાએ જણાવ્યું હતું કે, સ્થાનિક રહીશો સાથે અન્યાયની આ પરાકાષ્ટા છે. એક માણસ ન્યાય મેળવવા છેલ્લા ૩૭ દિવસથી ઉપવાસ પર બેઠા છે, તેમની હાલત નાજુક બની છે છતાં રાજય સરકાર કે તંત્રના માણસોનું પેટનું પાણી હાલતુ નથી એ આપણી સીસ્ટમની કરૂણતા છે. પરંતુ ન્યાય માટેની લડત ચાલુ રહેશે તે નક્કી છે.

Related posts

બાલિયાસણ ગામના નીલકંઠેશ્વરમંદિર ટ્રસ્ટની જમીન બારોબાર વેચી મારવાના મામલામાં મહેસાણા ડીએસપી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ જારી

aapnugujarat

ढोणका-बगोदरा हाईवे पर दर्दनाक हादसा, 5 की मौत

editor

સાઢલી ગામમાં વનિયર બિલાડીને બચાવાઈ

editor

Leave a Comment

UA-96247877-1