Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિમાચલમાં સુરક્ષા વચ્ચે રેકોર્ડ ૭૫ ટકાથી વધુ મતદાન

હિમાચલ પ્રદેશમાં અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે આજે આજે રેકોર્ડ મતદાન થયુ હતુ. આવી સાથે જ તમામ ૩૩૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હિમાચલપ્રદેશમાં આજે મતાદન યોજાયા બાદ હવે ૧૮મી ડિસેમ્બરના દિવસે મતગણતરી થશે. હિમાચલપ્રદેશમાં કોની સરકાર બનશે તે અંગે હવે ૧૮મી ડિસેમ્બરના દિવસે ફેંસલો થશે. ઉંચા મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી બન્ને જીતના દાવા કરી રહ્યા છે.
આજે સવારથી જ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક હતા. મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા ચૂંટણી પંચ અને તંત્રને રાહત થઇ હતી. હિમાચલ પ્રદેશમાં આજે રેકોર્ડ ૭૫ ટકાથી વધુ મતદાન થયું હતું. વર્ષ ૨૦૧૨માં નોંધાયેલા મતદાન કરતા વધુ મતદાન થયું છે. ૨૦૧૨માં ૭૩.૫૧ ટકા મતદાન થયું હતું. કેટલીક જગ્યાએ ૮૪ ટકા સુધી મતદાન થયું હતું. દૂન, બડ્ડી (સોલાન જિલ્લા) ખાતે ૮૪ ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે જુબ્બલ કોઠાઈ ખાતે ૮૧ ટકા મતદાન થયું હતું. અગાઉ આજે સવારે નવ વાગે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતી કલાકોમાં કેટલીક જગ્યાએ ધીમી ગતિથી મતદાન થયુ હતુ. જો કે મોડેથી તેમાં જોરદાર તેજી આવી હતી. મોટા ભાગના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બહાર નિકળ્યા હતા. કેટલીક જગ્યાએ તોે મતદારો મતદાન શરૂ થાય તે પહેલા જ પહોંચી ગયા હતા. સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. મતદારો પહેલાથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ હતા. રાજ્યના તમામ ૬૮ વિધાનસભા ક્ષેત્રોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા રહી છે. આજે સવારે મતદાનની શરૂઆત થયા બાદ જ ૬૨ ધારાસભ્યો સહિત કુલ ૩૩૭ ઉમેદવારો ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મુખ્યમંત્રી વીરભદ્રસિંહ, ૧૦ પ્રધાનો, આઠ મુખ્ય સંસદીય સચિવો, વિધાનસભાના નાયબ અધ્યક્ષ જગતસિંહ મોદી, પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમાલ અને એક ડઝનથી વધારે પૂર્વ મંત્રી સહિતના નેતાઓના ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મુખ્યમંત્રીના નેતૃત્વમાં સત્તારુઢ કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી ધુમાલના નેતૃત્વમાં ભાજપે આ વખતે તમામ ૬૮ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. બસપના ૪૨ સીટ પર, માર્ક્સવાદી પાર્ટીના ૧૪ સીટ પર, સ્વાભિમાન પાર્ટી અને લોકગઠબંધન પાર્ટીના ૬-૬ સીટો ઉપર તથા અન્ય એક પાર્ટીના ત્રણ સીટો ઉપર ઉમેદવારો છે. આ તમામના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મંગળવારના દિવસે ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો હતો. અભિયાનમાં ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા હતા. મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી બંને પોતાની સીટો બદલી ચુક્યા છે અને અર્કી તથા સુઝાનપુરથી ચૂંટણી મેદાનમાં છે. મંડીસદર સીટ પરથી પૂર્વ દૂરસંચાર પ્રધાન સુખરામના પુત્ર અનિલ શર્માની સામે કોંગ્રેસના મંત્રી કોલસિંહ ઠાકુરની પુત્રી ચંપા ઠાકુર મેદાનમાં છે. મતદારોની સંખ્યા ૫૦૨૫૯૪૧ નોંધાઇ હતી જે પૈકી મોટા ભાગના મતદારો તેમના મતાધિકારનો આજે ઉપયોગ આજે કર્યો હતો.
રાજ્યમાં ૭૫૨૫ મતદાન કેન્દ્રો પર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા સજ્જ દેખાઇ રહ્યા હતા. પોલીસ અને હોમગાર્ડના ૧૭૮૫૦ કર્મીઓ સુરક્ષાના બાગરૂપે તૈનાત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની ૧૨મી ઓક્ટોબરના દિવસે જાહેરાત કરી હતી. આની સાથે જ ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ગયો હતો. આ વખતે રાજ્યમાં મતદાન મથકો ઉપર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
દેશમાં હિમાચલ પ્રદેશ એવું પ્રથમ રાજ્ય બન્યુ છે જ્યાં તમામ મતદાન મથકો પર વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રાયલનો ઉપયોગ કરવામાં આવ્યુ છે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ માટે રાજ્યના તમામ ૭૫૨૧ મતદાન મથકો ઉપર ગ્રાઉન્ડ ફ્લોર પર જ મતદાનની પ્રક્રિયા રાખવાનો નિર્ણય કર્યો હતો જેથી તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રખાયા હતા. તમામ પોલિંગ સ્ટેશન પર દિવ્યાંગો માટે ખાસ સુવિધા ગોઠવવામાં આવી હતી. ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રિયા, ચૂંટણી સભાને લઇને વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. કાઉન્ટિંગ હોલમાં પણ વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્રસિંહ છ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
હિમાચલ પ્રદેશમાં શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા પુરતી સંખ્યામાં હોમગાર્ડ અને પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા હતા. ૧૭૮૫૦ પોલીસ અને હોમગાર્ડના કર્મીઓ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળની ૬૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી.
પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા તમામ પગલા લેવાયા હતા. સમગ્ર રાજ્યમાં ૨૯ જનરલ, ત્રણ પોલીસ, ૨૨ ખર્ચ નિરીક્ષકો, ૧૫૬૧ માઇક્રો નિરીક્ષકો, ૧૯૩ સેક્ટર મેજિસ્ટ્રેટ, ૭૮૯ સેક્ટર ઓફિસર તૈનાત કરવામાં આવ્યા હતા.

Related posts

સેંસેક્સમાં ૩૪૧ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

શેરબજારમાં ગુજરાત ચૂંટણી અને શિયાળુ સત્રની અસર રહેશે

aapnugujarat

‘ટાઇગર અભી જિન્દા હૈ, ૫ વર્ષ પહેલાં પરત ફરી શકું છું મુખ્યમંત્રી હાઉસ’ : શિવરાજસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1